કર્મ સંયોગે ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકના બાડા સ્થિત કચ્છ વિપશ્યના સાધના કેંદ્રમાં(ધમ્મા સિંધુ) દસ દિવસ વિપ્શ્યના કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પશ્ય એટલે જોવુ.વિ એટલે વિશેષ રીતે. વિપશ્યના એટલે જાતને વિશેષ રીતે જોવી, ઓળખવી. પોતાના જાતની અંતર યાત્રા હેતુ પાલનપુર થી ટ્રેન મારફત મુસાફરી કરી પહેલી ઓગષ્ટના રોજ ભૂજ પહોંચ્યા. ભૂજથી દોઢ બે કલાક્ની રોડ મુસાફરી કરી બાડા સ્થિત વિપ્શ્યના સાધના કેંદ્ર પહોંચ્યા. વિવિધ છોડ-વૃક્ષોથી સુશોભિત શાંત પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સુવ્યવસ્થિત અને સ્વચ્છ તપોભૂમિ સમાન વિપ્શ્યાન ધ્યાન કેંદ્ર જોઈ એટલુ તો સ્પષ્ટપણે સમજાઇ ગયુ કે આપણે યોગ્ય જગ્યાએ આવ્યા છે જ્યા અગામી દસ દિવસ લૌકિક દુનિયાથી અલિપ્ત રહી આર્ય મૌન સાથે ધ્યાનના મધ્યમથી અંતરની કઠીન યાત્રા આરંભ કરવાની છે. આર્ય મૌન એટલે સાધકે શિબિરના દસ દિવસ માટે માત્ર મૌન જ નથી રહેવાનુ પણ અન્ય સાધકો સામે જોવાનુ પણ નથી. મોબાઇલ દસ દિવસ માટે સાધના કેંદ્રના લોકરમા આપી દેવાનો હોય છે. કોઇ પુસ્તક, પેન, ડાયરી કે અન્ય મન ને વિચલિત કરતા અન્ય સાધનો પણ સાથે રાખી શકાતા નથી. ગૃહસ્થે સાધનાના દસ દિવસ માટે એક ભિક્ષુક જેવુ જીવન જીવવાની તૈયારી સાથે આત્મ પરીક્ષણ દ્વારા આત્મશુધ્ધિ તરફની યાત્રા આરંભવાની હોય છે. દરરોજ વહેલી સવારે સાડા ચાર વાગ્યાથી લઈને રાત્રીના સાડા નવ વાગ્યા સુધી સતત ધ્યાન-આત્મ ચિંતનમા રત રહેવાનું હોય છે. વિપ્શ્યના સાધના દરમિયાન ગમતી-અણગમતી, સારી-નબળી બધી બાબતો એને તટસ્થપણે જોતા શીખવાનુ હોય છે. તન-મનમા ઉદ્દભવતા રાગ – દ્વેષને સાક્ષી ભાવે જોતા રહેવાનો સતત પ્રયત્ન કરતો રહેવાનો હોય છે. આપણા શરીરમા ઉત્પ્ન થતી સંવેદનાઓ અનિત્ય છે એ કાયમી નથી એટલે એ રીતે અંતર મનને કેળવવાનુ છે કે સાક્ષીભાવે સંવેદના ઓને સહજ રીતે જોવાથી જેમ જેમ સાક્ષીભાવ વધતો જાય એમ એમ સમજાય છે કે ગમે તેવો ભાવ વહેલો મોડો શમી જાય છે. કાયમ ટકતો નથી.

આ સાધના પધ્ધતિનુ માધ્યમ શ્વાસ અને સવેંદન છે. શ્વાસને જાતિ, ધર્મ, દેશનું બંધન નથી. શ્વાસના સ્પર્શનો અનુભવ કરવા મનને એકાગ્ર કરવુ પડે છે એમા ચાર દિવસ લાગે છે એવી સૂક્ષ્મતા કેળવાય પછી વિપ્શ્ય્ના અનુષ્ઠાન થકી અખા શરીરમા થતાં સંવેદનો જોવાના – અનુભવવાના હોય છે. વિપશ્યના અનુષ્ઠાનમા એક જ મુદ્રામા બેસી એકાગ્ર ચિત્તે શરીરની અંદર સતત ઉદ્દભવતી અને વિલુપ્ત થતી સ્થુળ તેમજ સુક્ષતમ સવેંદનાઓને સહજ સાક્ષીભવે નીહાળી રાગ-દ્વેષમા સમતા કેળવાય એનો નિરંતર અભ્યાસ કરવાનો હોય છે. આપણા મનના ખેલને ધીમે સમજાય છે કે ભોજન-નિદ્રા,જાતીય આવેગો ,સાધનો,સગવડો,માન-અપમાનમાં ભાવોની આ લીલા હોય છે. સમતા શબ્દ આપણે અનેક વાર બોલ્યા હોઈએ કે સાંભળ્યો હોય એનો અનુભવ આપણને શિબિરમાં થાય છે. દરરોજ રાત્રે સૂતાં પહેલા ગોયેંકાજીનું વિડીયો વાખ્યાન સાંભળવાનું હોય છે. પ્રત્યેક દિવસે સાધક ક્યાં અટક્શે, અટવાશે એની પરખ માંથી આપેલું માર્ગદર્શન હોય છે એને બરાબર પારખીએ-સ્વીકારીએ તો આપણી સાધના વધુ સરળ અને તેજ થાય છે.

આ સધનાના પાયામાં કર્મનો સિધ્ધાંત છે. દરેક કર્મ માટે આપણે જ જવાબદાર છીએ. બીજાઓ તો એમાં નિમિત્ત હોય છે. આપણા કર્મો (સારા કે નબળાં) સંચિત થતા રહે છે. એમાંથી રાગ કે દ્વેષના ભાવો જાગે છે એને સાક્ષીભાવે જોઈ શકીએ તો એનું વળગણ છૂટી જાય છે એ ખરી પડે એને નિર્ઝરા કહે છે પછી એ કર્મો ભોગવવા માંથી મુક્તી મેળવીએ છીએ એમ એમ આપણે હળવા થતા જઈએ છીએ. પ્રસન્ન્તા પ્રાપ્ત કરતા જઈએ છીએ. રોજ બરોજ્ના વ્યવ્હારમા એમ વર્તતા થઈએ છીએ. પછી ભોજનનો સ્વાદ તો પારખીએ છીએ, પણ સ્વાદ માટે વધુ ખાતા નથી. એવુ જ ધન, માન, સ્થાન, સબંધો બધામાં થાય છે. મન નિર્મળ થાય એ માટે આ સાધના કરવાની છે. સંસારમાં રહેવાનું છે અને સંસારનું વળગણ છોડવાનું છે. આ યાત્રા ડગલે-ડગલે થશે. વિઘ્નો આવે તો વળોટવાના છે. આ સાધના બીજા કોઈ માટે નહિ, જાત માટે કરવાની છે.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે તથાગત ચાલે છે ત્યારી જાગ્રત હોય છે, બેસે છે તો પણ જાગ્રત હોય છે. બોલે છે કે મૌન હોય છે ત્યારે પણ જાગ્રત હોય છે. ઊંઘમાં પણ જાગ્રત હોય છે. આ કક્ષાએ દરેક સાધકે પહોંચવાનું હોય છે. પરંતુ નકારાત્મ્ક ભાવો ઇચ્છવા માત્રથી મટી જતા નથી. એને ઓળખીને એમાંથી મુક્ત થવું પડે છે. માટે આ સાધના છે તો દસ ઘટના માંથી એકવાર, પછી ત્રણવર,પછી પાંચવાર એમ જાગૃતિનું પ્રમાણ વધતું રહે છે એની તાલીમ ધ્યાન શિબિરમાં મળી શકે છે.
સત્યને પામવું, શિવત્વને પામવું, જીવનથી ઉપર ઊઠવું એ માત્ર ઉચ્ચારણ ન રહે પણ એને જીવવાનું છે. તો કોઈથી આપણી ઉદ્દેગ ન પામીએ અને આપણાથી કોઈ ઉદ્દેગ ન પામે – આ ગીતામંત્રને જીવી શકાય છે. આવી જાગ્રતિ આપણને કરૂણા અને મૈત્રી સુધી લઈ જાય છે.

વિપશ્યના તપોભૂમિના સકારાત્મક વાઇબ્રેશન થકી મને એક વાત તો અવશ્ય સમજાઈ કે સુખ : દુખની સમાનતા સ્વયંમની અંતરમનની જાગૃત અવ્સ્થા થકી પ્રાપ્ત થતા હોય છે અને એની સુખદ અનુભૂતિ મને આ તપોભૂમિમા મારા દસ દિવસના અનુભવ થકી ચોકકસ જાણવા મળી. અજ્ઞાનતા એ અભિશાપ છે એની દૂર કરવાનો જેટલો પણ પ્રયત્ન થાય એ આપને અવશ્ય સ્વંયમા કલ્યાણ તેમજ સર્વના કલ્યાણ હેતુ અવશ્ય કરતા રહેવું જોઈએ. વિપશ્યના કેંદ્રમા રહેવા-જમવા સાથેની જરૂરી તમામ સુવિધાઓ નિશુલ્ક છે. કોઇ પણ પ્રકારના ફંડફાળા કે ચાર્જની માગણી સીવાય સબકા મંગલ હો ની ઉદાર ભાવના સાથે ખૂબ જ અનુશાસન સાથે ઉત્તમ સેવાઓ આ વિપ્શ્ય્ના કેંદ્રમાં મળતી હોય છે. આ પ્રવૃતિની વ્યવ્સ્થા સચવાઇ રહે તે હેતુ તેમજ અન્ય લોકોને પણ આવી ઉત્તમ શિબિરનો લાભ મળતો રહે તે હેતુ સાધકો દ્વારા સ્વૈછિક સેવા દાન અપવામા આવતુ હોય છે જેના માધ્ય્મથી જ્ઞાતિ-જાતિ-સંપ્રદાયના ભેદભાવ વીના તમામ લોકોના જીવનમાંથી અંધાકર દૂર કરી પ્રકશ ફેલાવવાનુ કાર્ય નિરંતર થઈ રહ્યુ છે. સાધના કેંદ્રમા સાધકો દ્વારા જ સ્વંય સેવક તરીકે સેવાઓ આપવામાં આવતી હોય છે.

આપણે બુદ્ધ ન બની શકીએ તો કાંઇ નહી પણ વિપ્શ્યના માર્ગે મનખા અવતારને સાચા અર્થમા સાર્થક કરી એક સમતાભર્યુ સમૃધ્ધ જીવન અવ્શ્ય જીવી રાગ-દ્વેષથી મુક્તીના પંથે જરૂર આગળ વધી શકીએ. ધર્મના શુધ્ધ સ્વરૂપને સમજી ધર્મ માત્ર ક્રિયાકાંડો પુરતો સિમિત ન રહેતા એના શુધ્ધ સ્વરૂપે સર્વને કલ્યાણનો માર્ગ પુરો પાડે એવી સમજણ જરૂર કેળવીએ.
સબા કા મંગલ હો….સર્વ કા કલ્યાણ હો…
