પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને સિદ્ધપુર શહેરોમાં આવેલા પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાતનું સુંદર આયોજન થયું હતું. અમારે તો આવા આયોજનોના સમાચાર મળે એટલે મોટેભાગે ખભે કોથળો અને દેશ મોકળો જેવો ઘાટ ઘડાય. કાણોદર થી હાડા સાહેબ , પાલનપુરથી રાજુભાઈ બારોટ અને શેખ સાહેબ અને હું એમ અમે કુલ ચાર વયક્તિઓ વહેલી સવારે પાલનપુરથી ૯૨ કિમી દૂર આવેલ મોઢેરા સૂર્ય મંદિર તરફ જવા પ્રયાણ કર્યું જ્યાં અમારે અમદાવાદ થી આવનાર મિત્રો અને અતુલ્ય ટીમ સાથે મોઢેરાથી આગળની સફર હેતુ જોડાવાનું હતું. હાડા સાહેબ, રાજુભાઈ બારોટ અને શેખ સાહેબ જેવા ઉત્સાહી મિત્રો પ્રવાસમાં સાથે હોય એટલે સફરની મઝા કંઇક અલગ જ હોય. ત્રણેય જણ કેમેરાથી સજ્જ એવા ઉત્તમ ફોટોગ્રાફર એટેલ અમારી સફર બોનસરૂપે યાદગાર પણ બનવાની હતી.


અમે નિર્ધારિત સમયે એટલે કે સવારે ૮ કલાકે મોઢેરા પહોંચી ગયા. થોડીવારમાં જ અમદાવાદથી અતુલ્ય વારસોની ટીમ અને અન્ય મિત્રો પણ મોઢેરા આવી પહોંચ્યા. અતુલ્ય વારસોના શ્રી રોનકભાઈ એ આજની અભ્યાસ મુલાકાતમાં સામેલ સૌ મિત્રોનો એકબીજા સાથે પરિચય કરાવ્યો. હવે અમારે અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ વિસ્તારો માંથી અને અલગ અલગ વયના લોકો સાથે એક ટીમ તરીકે આગળની યાત્રા શરૂ કરવાની હતી. અદ્દભૂત સ્થાપત્ય શૈલી ધરાવતા સૂર્યમંદિર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. ગર્ભગૃહ ,સભામંડપ અને જળકુંડ. સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા ઈ.સ ૧૦૨૬ -૧૦૨૭ દરમિયાન પુષ્પાવતી નદી કિનારે સૂર્ય મંદિર બંધાવવામાં આવ્યું હતું. મંદિરનું સ્થાપત્ય મારુ ગુર્જર શૈલીમાં છે. સૂર્યમંદિર વિસ્તારમાં સુંદર બાગ બગીચાઓનું પણ નિર્માણ કરવામાં આવેલ છે. સૂર્ય મંદિરના દરેક વિભાગનું નાની નાની કોતરણીઓ સાથેનું બાંધકામ કેટલી મહેનતે કુશાળતાપૂર્વક તૈયાર થયું હશે એ તો ત્યાંના સ્થાપત્યને આપણે રૂબરૂ જોઈએ તો જ વધુ ખ્યાલ આવે. જળ કુંડને ઘણા મુલાકાતીઓ વાવ સમજે છે, જે ખોટું છે. વાવ અને જળકુંડ એ બે ભિન્ન છે. પહેલાંના જમાનામાં દરેક મંદિર જોડે જળકુંડનું નિર્માણ થતું અને એમાં સ્નાનથી પવિત્ર થઇ પછી જ નિજ મંદિર માં પ્રવેશ કરી શકાતો. સૂર્ય મંદિરમાં દરેક પથ્થરને ઇન્ટર લીન્કીંગ થકી જોડવામાં આવ્યો છે. એના સ્તંભો પરના ચિત્રોની કોતરણી સમગ્ર શ્રુંગાર રસથી ભરપૂર છે. આખું મંદિર ૫૧ ફૂટ ૯ ઇંચ લાંબું અને ૨૫ ફૂટ ૮ ઈંચ પહોળું છે. મંદિરના નકશીકામમાં ઈરાની શૈલીની અસર છે. આજથી ૧૦૦૦ ઉપરના વર્ષો દરમિયાન માનવજીવન કેવું હતું ? સમાજ વ્યવસ્થા કેવી હતી ? શું વ્યવસ્થાઓ – સગવડો હતી ? લોકની રહેણી કરણી કેવી હતી એ તમામ બાબતો એક ખુલ્લી કિતાબની જેમ ચિત્ર સ્વરૂપે આબેહૂબ વર્ણવેલા છે. એ સમયમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ નહીવત હશે એટલે અભણ લોકો પણ આ ચિત્રોના માધ્યમથી જરૂરી સમજ કેળવી શકે એ તેનો મુખ્ય ઉદ્દેશ હશે એવું સમજી શકાય તેમ છે. હજારો વર્ષો પહેલા પણ કેટલી સમજ વિકસિત થયેલી હતી એ આજના સંદર્ભે સમજી શકાય તેમ છે. ઘણી વખત આવા પ્રાચીન સ્થળોએ જઈએ ત્યારે આપણને જરૂર આશ્ચર્ય થાય કે આપણા કરતા તો વ્યવસ્થાઓને નામે પ્રાચીન માનવ સભ્યતા વધુ સમૃદ્ધ હતી. મોઢેરાથી પૂર્વ તરફના ભાગને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે, જે ઘણું જ પવિત્ર સ્થળ મનાય છે.

મોટેભાગે આવા સ્થળોએ આવીને લોકો આડેધડ ફોટોગ્રાફી કરીને જતા રહેતા હોય છે પણ એની જગ્યાએ આવા સ્ટ્રક્ચરના નિર્માણ પાછળનો હેતુ શું હતો ? એનું મહત્વ શું હતું ? કોણે અને શા માટે આ જગ્યાએ જ એનું નિર્માણ કરાવ્યું હશે ? ખાસ તો સ્થાનિક ગાઈડને સાથે રાખી બધી બાબતો જણાવાનો પ્રયત્ન અચૂક કરવો જોઈએ જેથી શું થશે કે ઐતિહાસિક ઘટનાઓથી વાકેફ તો થવાશે ઉપરાંત જે તે સ્થળ વિશે તમે જે વાંચ્યું હશે , જાણ્યું હશે એ નજરે જોવાથી વધુ રસપ્રદ બનશે. અમે ગાઈડ ને સાથે રાખી મોઢેરા સૂર્ય મંદિરમાં જે વિવિધ ચિત્ર કોતરણીઓ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો તો આશ્ચર્યચકિત થઇ જવાયું. આમ જોવા જઈએ તો એક દિવસ પણ સમજવા ટૂંકો પડે એટેલી સામગ્રી આવા સ્થાપત્યોમાં સંગ્રહિત હોય છે. જડ આક્રમણખોરો એ સૂર્યમંદિર ને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. અનેક સુંદર મૂર્તિઓને ખંડિત કરી છે, એક ભવ્ય માનવ સભ્યતાના વારસાને ભૂંસવાનો હીન પ્રયાસ આવા આક્રમણખોરોએ કર્યો છે નહી તો ખંડિત અવસ્થામાં પણ જો સૂર્ય મંદિર આટલું સુંદર લાગતું હોય તો એ અખંડિત અવસ્થામાં કેટલું ભવ્ય દીસતું હશે એની કલ્પના કરી શકાય એમ છે. પ્રથમ સૂર્યનું કિરણ મંદિરના રંગમંડપમાં થઈને ગર્ભગૃહમાં સ્થિત સૂર્યની મૂર્તિ ઉપર પડતું હોય અને આખું ગર્ભગૃહ ઝળહળી ઊઠે એ માત્ર કલ્પના નથી પણ સત્ય છે જે અદ્દભૂત સ્થાપત્ય પરથી આપણએ સહજ ખ્યાલ આવે છે. ચોમાસાના વરસાદ બાદના અસહ્ય બફારા વચ્ચે પણ અમને સ્થાપત્યને જોવામાં એટલો બધો રસ હતો કે કલાકો ક્યાં પસાર થઇ ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો . અંતે અમે સૌએ આ ઐતિહાસિક મુલાકાતને સંભારણારૂપે કેમેરામાં કેદ કરવા મશગુલ બની ગયા. સોનામાં સુગંધ ભળે એમ ફોટોગ્રાફી માટે ઉત્તમ સ્થળ અને સાથે હાડા સાહેબ અને રાજુભાઈ બારોટ જેવા ઉત્તમ ફોટોગ્રાફર. અમને પણ એમની ફોટોગ્રાફી અનુભવનો ભરપૂર લાભ મળ્યો. અંતે સૂર્ય મંદિરની સાથે સાથે અમે પણ કેમેરામાં કેદ થઇ પૌરાણિક સૂર્ય મંદિરની યાદગાર ક્ષણો જીવી ગયા એવું લાગ્યું. વાતાવરણમાં બફારાનું પ્રમાણ સવિશેષ હતું પણ જગ્યા એટલી સુંદર હતી કે અમે એને સહન કરી શક્યા. અંતે નાસ્તા પાણીનો સમય થઇ ચુક્યો હતો. પાસેની રેસ્ટોરન્ટ માં અમેં ગરમા ગરમ ગોટા સાથે કડી – મરચાનો નાસ્તો કર્યો અને ચાની લિજ્જત માણી ફ્રેશ થઇ ગયા.

હવે અમારો આગળનો પડાવ ઈ.સ. ૨૦૧૪માં વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન મેળવનાર પાટણની વિશ્વ ધરોહર સ્થળ એવી અજોડ રાણકી વાવ હતી. હું બીજીવાર રણકીવાવની મુલાકાતે જઈ રહ્યો હતો . મોટાભાગે રાજવીઓ પોતાની પત્નીઓ પ્રત્યેની પ્રેમની યાદગીરીરૂપે કોઈ સ્થાપત્ય બંધાવતા હતા પણ રાણી ઉદયમતી એ પોતાના પતિ ભીમદેવની યાદમાં વાવ બંધાવી હતી જેનું નામ રાણીની વાવ કે રાણકી વાવ તરીકે ઓળખાઈ. રાજા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ 11મી સદીના ઉત્તરાર્ધમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. અમારી સાથેનો ગાઈડ રાણકી વાવ વિશે વિગતવાર માહિતી આપી રહ્યો હતો. આવા ઐતિહાસિક સ્થાપત્ય સ્થળોએ ગાઈડના માધ્યમથી અજાણ વાતો જાણી શકાય છે અને વિશેષ તો જે તે સ્થાપત્ય નજર સામે હોય ત્યારે તે સ્થાપત્ય અંગે જે માહિતી મળતી હોય ત્યારે આપણને તેની ભવ્યતા અને વૈભવની સવિશેષ અનુભૂતિ અનુભવાતી હોય છે. રાણીકી વાવ એ શરૂઆતમાં સોળ કે સાત મંઝલ વાવ હતી એવું ક્યાંક વાંચવામાં આવ્યું છે. જે સંપૂર્ણ રીતે કોતરણી અને અંદરથી ભારતીય શિલ્પોથી સુશોભિત છે. રાનીકી વાવ માત્ર તેના આકારમાં જ ભવ્ય નથી, પરંતુ તેની કારીગરીની સુંદરતાને કારણે પણ અદ્દભૂત છે. જેમ જેમ તમે વાવના પગથિયાં ઉતરતા વધુ ઊંડે જાઓ છો તેમ, તેની સુંદરતા તમને વધુ આકર્ષિત કરે છે. પ્રવેશદ્વારથી તેની ઊંડાઈ સુધી આજુબાજુ જોવા મળતા શિલ્પો ઉત્તમ કારીગરીથી સજ્જ છે. અહીંની દરેક કોતરણી પોતાની રીતે અનોખી છે. ક્યારેક અહીંની કારીગરી જોઈને એવો ભ્રમ થાય છે કે આ વાવ કોઈ મંદિર છે. આ વાવના નિર્માણ પાછળનું મુખ્ય કારણ પાણીનું વ્યવસ્થાપન હતું, ઉત્તર ગુજરાતમાં વરસાદ ખૂબ ઓછો છે. તો તેની પાછળનું બીજું કારણ એ પણ હોઈ શકે કે કદાચ રાણી ઉદયમતી જરૂરિયાતમંદ લોકોને પાણી આપીને પુણ્ય કમાવવા માગતા હશે.

રાણકી વાવ બંધાયાને પણ હજાર એક વર્ષ થવા આવ્યા હશે. સરસ્વતી નદીને પાસે જ રાણકી વાવ બંધાવવામાં આવેલ. એવું કહેવાય છે કે ૧૩ મી સદીમાં સરસ્વતી નદીમાં ભારે પૂર આવેલું એ વખતે પૂરને લીધે રાણકી વાવ પુરાઈ ગયેલી. થોડા વર્ષો બાદ પુરાતન વિભાગ દ્વારા તેનું ખોદકામ કરતા ખૂબસૂરત રાણકી વાવ મળી આવેલ. રાણકી વાવ આક્રમણખોરોથી કોઈ કારણોસર બચી ગઈ લાગે છે કારણકે રાણકી વાવ ની મૂર્તિઓ ખંડિત નથી. કુદરતી કારણોસર તેના સ્તંભોને જરૂર નુકશાન થયું છે છતાં એનું સ્ટ્રકચર એવું છે કે એનું આકર્ષણ મુલાકાતીઓમાં હજુ અકબંધ છે. પ્રવેશદ્વારથી તેની ઊંડાઈ સુધી દરેક પગથાર સંપૂર્ણ રીતે ઉત્તમ કારીગરીથી સજ્જ છે. અહીનું દર્રેક શિલ્પ પોતાની રીતે અનોખું છે. હડપન્ન સાઈટના સંશોધક અને અતુલ્ય વારસો એવોર્ડથી સન્માનિત મિત્ર શ્રી શૈલેશભાઈ પંચાલ પણ અમારી સાથે હેરીટેજ વોકમાં જોડાયા હતા. એમના શબ્દોમાં આ અમૂલ્ય યાત્રાનું વર્ણન કરતા તેઓ લખે છે કે રાણીની વાવનાં એક એક શિલ્પ વિશે માહિતી આપતો અમારો ગાઈડ તેમજ ત્રણ જેટલા પ્રસિદ્ધ ફોટોગ્રાફર – શેખ સાહેબ, પાલનપુરના એહમદભાઈ હાડા, રાજુભાઈ બારોટ વગેરે, ઉપરાંત, અમદાવાદ – ગાંધીનગરથી આવેલ હાર્દિક બાબરીયા, કોમલબેન વગેરે ખાસ મહેમાનો સાથે આયર્લેન્ડથી આવેલ એક બહેન.. એમ અમારો આખો કાફલો રાણીની વાવમાં લીન થઈ ગયો. એની કલા સ્થાપત્ય વિશે વધુ વાત થઈ શકે પણ, જે લોકો પહેલીવાર આવ્યા હતાં એ સૌ માટે તો આ વાવ આશ્વર્યનો વિષય હતી. વાતાવરણમાં અતિશય ઉકળાટ હતો એથી, કપિલભાઈએ સૂચન કર્યું કે આપણે બધાં પટોળા હાઉસ પહોચી જઈએ. ત્યાં બેસીશું ને ચર્ચા કરીશું.


રાણકી વાવની યાદગાર મુલાકાત બાદ અમે સૌ પાટણના પ્રખ્યાત પટોળા અંગે માહિતી મેળવવા પાટણના પટોળા હાઉસ પહોંચ્યા. પટોળા હાઉસની મુલકાત અને તેના પાછળના ઈતિહાસની જાણકારી મેળવવી ખરેખર એક રોમાંચકારી અનુભવ હતો, અમને સૌ પ્રથમ જાણવા મળ્યું કે પટોળા એ માત્ર સાડી નથી પણ એક પવિત્ર વસ્ત્ર પણ છે. રાણીની વાવ હેરિટેજનું સંચાલન કરતાં કુણાલભાઈ અમારી સાથે જોડાયા છે. કપિલભાઈ કોઇપણ શહેરમાં જાય ત્યાંનું ક્રીમ કહી શકાય એવાં વિશેષ વ્યક્તિઓને આ કાર્યક્રમનાં ભાગીદાર બનાવી દે. એમનું કહેવું છે કે આ બધાં જ લોકો અતુલ્ય વારસોની ટીમ છે. પાટણના મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયનાં પુત્ર તેમજ બીજા વિશેષ મહાનુભાવો અમારી સાથે જોડાયા હતા. અમે પટોળા હાઉસ પહોચ્યા. સતત ૨૮ પેઢીથી જે સાળવી કુટુંબ પટોળા બનાવે છે એ પરિવારના સભ્યો અમારી સાથે જોડાયા. મૂળે, મહારાષ્ટ્રનાં જાલનાથી કુલ ૭૦૦ સાલવી કુટુંબોને મહારાજા કુમારપાળ પાટણ લઈ આવેલા. એ સમયે પણ પાટણનું પટોળું ઈન્ડોનેશિયા સુધી જતું. રાણીની વાવમાં પણ પટોળાની કોતરણી છે એ રીતે જોઇએ તો પટોળું રાણકીવાવ કરતાં પણ પ્રાચીન. સૌપ્રથમ પટોળું પૂજામાં કે ધાર્મિક અનુષ્ઠાનમાં વપરાતું. ખાસ તો, રાજા – મહારાજા પૂજામાં બેસતી વખતે એનો ઉપયોગ કરતાં. આપણે પટોળાનો અર્થ સાડી કરીએ છીએ પણ, ખરેખર પટોળાનો અર્થ થાય છે ચીર. છેક, મહાભારતકાળથી પટોળાનો ઉલ્લેખ મળે છે.

અમે પટોળાં હાઉસમાં સરસ મજાની બેઠક જમાવી. કપિલભાઈએ ભૂમિકા બાંધી. અમારા રસના – કાર્યના ક્ષેત્ર વિષયક અમે સૌ થોડું થોડુ બોલ્યાં. મેં હડપ્પન સંસ્કૃતિ વિશે વાત કરી. એ પછી સાળવી પરિવાર વતી પટોળાં વિશે રસપ્રદ વાતો જાણવા મળી. ત્યારબાદ અમને પટોળું કેવી રીતે બને છે? એની આખી પ્રક્રિયા સકર્મ સમજાવી. તાણાવાણા શબ્દ આજસુધી સાંભળ્યો હતો. આજે તાણો અને વાણો બેય રૂબરૂ જોયાં. આ તાણો અને વાણો જેને જીવનમાં ગૂંથતા આવડી ગયા એનો બેડો પાર થઈ જાય. આ રીતે, ચાર પાંચ માસ્ટર કારીગરો મળીને મહેનત કરે ત્યારે એક પટોળું ચાર – પાંચ મહિનાને અંતે તૈયાર થાય. મેક્સિમમ દોઢ લાખ રૂપિયા સુધીમાં આવું એક પટોળું બને. ૧૦૦૦ વર્ષની પટોળાંની આ રોમાંચક સફર રહી છે અને એ પરમ્પરા આજે ૨૦૨૪ માં પણ ૨૮ મી પેઢી વતી સચવાઈ છે. કેમ ગર્વ ન લઈએ કે અમે ગુજરાતી છીએ..
જમવાનો સમય થયો હતો પણ, પદ્મનાભ ચોકડી નજીક આવેલ ‘ ધ સિક્રેટ કિચન ‘ નામની આલીશાન હોટેલમાં અમે સૌ જમવા ગયા. ઘણીવાર પાટણ આવવાનું થાય છે પણ, ખબર નહિ કે આટલી સુંદર – નયનરમ્ય હોટેલ અહીં છે.
સ્વાદિષ્ટ ભોજન લઈને એક ટીમ સહસ્ત્રલિંગ તળાવ પહોંચી અને અમે થોડાક લોકો જેમણે સહસ્ત્રલિંગ તળાવ જોયેલું હતું તેઓ સીધા સિદ્ધપુર બિંદુ સરોવર પહોંચ્યા. સહસ્ત્રલિંગ તળાવ જઈ રહેલી ટીમમાં મિત્ર શૈલેષભાઈ પંચાલ હતા એમણે એ બાબતનું વર્ણન કરતા એમના શબ્દોમાં અમને જણાવ્યું કે મીની બસમાં મારી પાસે બેઠેલ આયર્લેન્ડનાં બેન મને અંગ્રેજીમાં પૂછી રહ્યા છે કે હુ ઇઝ હરપ્પન કલ્ચર? હું મૂંઝાઈ રહ્યો છું. ગુજરાતીમાં કોઈએ આ સવાલ કર્યો હોત તો કદાચ, એક કલાક સુધી જવાબો આપ્યા હોત પણ..હવે શું કરવું? બાજુમાં રહેલ બીજા એક બહેને એમને સમજાવ્યું કે ઉત્તર ગુજરાતમાં આવેલ ૧૧૯ સાઇટ પર આ એકસવેશન કરી રહ્યા છે વગેરે પણ, પેલા બહેનનું સમાધાન થયુ નહિ એમ મને લાગ્યું કેમકે, તેઓ સિન્ધુ સભ્યતાનું મૂળ સમજવાં માંગતા હતા. રોનકભાઈની અંગ્રેજીમાં બોલવાની પક્કડ સારી છે. મેં એમને વાત કરી. નકકી કર્યુ કે ફરી ક્યારેક આ બહેનને હડપ્પન સંસ્કૃતિ વિશે સમજાવીશું.
સહસ્ત્રલિંગ તળાવ. રોનકભાઈ સૌને વિગતવાર માહિતી આપી રહ્યાં છે. “આ જુઓ મંદીર.. જેનો નીચેનો ભાગ પાણીમાં રહેતો. અહી ચોમેર એક હજાર લિંગ હતા. આ નહેરની અદભુત વ્યવસ્થા. આ સરસ્વતી નદી.. અહીથી પાણી આ ગોળ તળાવમાં લાવવામાં આવતું. અહી પાણી ગોળ ગોળ ફરતું જેને લીધે ફિલ્ટર થઈ આગળ જતું. જો જળમાં વધુ ડહોળ રહી જાય તો આગળ જતાં ફરી ફિલ્ટરની વ્યવસ્થા માટે ગરણી જેવું બાંધકામ આવે… ત્યાંથી પાણી મંદિર સુધી પહોંચે. સિદ્ધરાજ શિવના ઉપાસક હતા. …”
હું જોઈ રહ્યો છું એ ગોળ તળાવની પાછળ ઉભેલી ટેકરીઓને…એની પેલી તરફ એક સમયે સરસ્વતી વહેતી. મને ખબર છે કે આ માટીના ઢગલાં જો ખોદવામાં આવે તો ઘણું મળી શકે.. પ્રાચીન પાટણના કેટલાય ચિન્હો મળી શકે પણ, કોણ કરે?

અમારા માંથી એક ટીમ સહસ્ત્રલિંગ તળાવ જોવા ગઈ છે અને અમે એટલે કે એહમદભાઈ હાડા, શેખ સાહેબ, રાજુભાઈ , કપીલભાઈ વગેરે સિદ્ધપુર બિંદુ સરોવર તરફ પ્રયાણ કર્યું છે જ્યાં પહોંચી અને ત્યાં આવેલ એક મ્યુંઝીમમાં અમે સૌ અમારી ટીમની રાહ જોંઈ રહ્યા હતા. સિદ્ધપુર બિંદુ સરોવર સ્થિત સરસ મ્યુંઝીમનું નિર્માણ કરવામાં આવેલ છે. થોડી જ વારમા અમારી ટીમ આવી પહોંચી. અમને મ્યુંઝીમમાં સારો એવો આવકાર મળ્યો. અમે સૌ એ ચા પાણી કરી મ્યુંઝીમની મુલાકાત લેવાનું શરૂ કર્યું. પંદરમી સદી થી માંડી અઢારમી સદી સુધીની વિવિધ પ્રાચીન મૂર્તિઓ આ સંગ્રહાલયમાં મુકવામાં આવી છે. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ તમામ પ્રાચીન મૂર્તિઓને જોઈને અભિભૂત થઇ જવાય એવું એનું શિલ્પ છે. ઉપરાંત એ સમયમાં યુદ્ધ જેવા પ્રસંગોએ ઉપયોગમાં લેવાતા શસ્ત્રો પણ જોવા મળે છે. પાલનપુરના પ્રસિદ્ધ ફોટોગ્રાફર એ. એલ. સૈયદ સાહેબ દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવેલ કેટલીક ઉત્તમ તસવીરો પણ આ મ્યુઝિમમાં મુકવામાં આવેલ છે જે જોઈને અમને અમારા પાલનપુરના સન્માનિત ફોટોગ્રાફર વિશે વિશેષ ગૌરવ અનુભવાયું. સમય લઈને આ મ્યુઝિયમની નિરાંતે મુલાકાત લેવા જેવી છે.


સિદ્ધપુર મ્યુઝિમની મુલાકાત બાદ અમે સૌ સિદ્ધપુરની પ્રખ્યાત વ્હોરાવાડ માં આવેલ પ્રાચીન મકાનો જોવા ગયા. અમારે સૌએ અહીથી પ્રાચીન સિદ્ધપુર શહેરની પગપાળા જ પરિક્રમા કરાવાની. વ્હોરવાડ માં આવેલ મકાનોનું નકશીકામ- કોતરણી અને બાંધકામ એવું વિશેષ છે કે આ બધાજ મકાનોને ૧૦૦ – ૨૦૦ વર્ષો નો સમયગાળો પસાર થઇ ગયો હોવા છતાં એવા ને એવા જ અદ્દભૂત અને નયનરમ્ય દેખાય છે. વ્હોરા એક વેપારી કોમ છે. એમણે સૂઝ બૂઝ સાથે આટલું સુંદર બાંધકામ કરેલ છે. મકાનોના માલિકો મોટે ભાગે ધંધાર્થે પરદેશ સ્થાયી થયા છે એટલે બધા જ મકાનો બંધ અવસ્થામાં હતા. બે ત્રણ માળના મકાનોની બે હાર વચ્ચે તમને પહોળા અને સ્વચ્છ રોડ જોવા મળે. આપણે જાણે કોઈ યુરોપ ના દેશમાં લટાર મારી રહ્યા હોય એવી અનુભૂતિ થયા વગર ન રહે એવો આ સમગ્ર વિસ્તાર છે. અમે એક જોઈએને બીજું ભૂલી જઈએ એવી ભવ્ય કોતરણી વાળા એક પછી એક મકાનોની હાર જોવા મળે. ઉત્તમ કારીગારીના બેનમૂન મકાનો જોતા મન ભરાય જ નહી એવા એક એક થી ચડિયાતા અને નકશીકામ – રંગરોગાન થી સમૃદ્ધ. એક મકાનને તો ૩૬૫ બારીઓ એ આ વિસ્તારનું જાણીતું મકાન, એરિયાનું નામ જ એના નામનાં પરથી ઓળખાય એવું જાજરમાન. કેમેરાથી જ સજ્જ કુશળ ફોટોગ્રાફરો એવા હાડા સાહેબ અને રાજુભાઈ એ આ વિસ્તારની યાદગાર તસવીરો કેમેરામાં કંડારી અમને સૌને આ ભવ્ય ઈમારતોના સાક્ષી બનાવી દીધા. આંખો જાણે જોયા જ કરે અને મન ભરાય નહી એવો તમામ વિસ્તાર. સમયને માન આપી અમે સૌ સોલંકી વંશના રાજા સિદ્ધરાજે બંધાવેલ સિદ્ધપુરના રૂદ્રમહાલય તરફ સિદ્ધપુરની ગલીઓમાં થઇએ ચલાતા જ પ્રયાણ કર્યું.


પ્રાચીન સિદ્ધપુર નગરની ભૂમિ ઉપર થોડુંક અંતર ચાલ્યા બાદ અમે રુદ્રમહાલય પહોંચ્યા તો ત્યાં દરવાજે તાળું મારેલું જોયું. ત્યાના સિક્યુરિટીમેને જણાવ્યું કે રૂદ્રમહાલયની મુલાકાત કરી શકાશે નહી. છેલ્લા ઘણા સમયથી રૂદ્રમહાલયની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને કદાચ એ કોર્ટ મેટર બની છે એટલે હાલ કોઈ મુલાકાતીઓને એને નિહાળવાનો માટે પ્રવેશ આપવામાં આવતો નથી. રૂદ્રમહાલયઅ ભવ્ય ઇતિહાસ વિશે ઘણું બધું વાંચેલું ,જાણેલું એને મનભરીને જોવાનું સ્વપનું રોળાઈ ગયું. બહારથી જોતા એવું જરૂર લાગે કે ઈમારત કભી બુલંદ થી એનો અહેસાસ એને બહારથી જોતા જરૂર થયા વગર રહી શકે નહી. લેકિન અફસોસ કે રૂદ્રમહાલય અને તેના ઇતિહાસને મનભરીને માણી શક્યા નહી પણ આપણને સોલંકી વંશ ઉપર જરૂર ગર્વ થાય કે ઉત્તર ગુજરાતમાં એમનું સ્થાપત્ય બેનમૂન છે. ત્યાંથી નિરાશ થઈને અમે સરસ્વતી નદી તરફ આગળ વધ્યા. અતુલ્ય વારસોના શ્રી કપિલભાઈ ,શ્રી રોનક્ભાઈ અને એમની ટીમે એક સરસ કામ એ કર્યું કે જે તે વિસ્તરના સ્થાનિક નાગરિકો કે ગાઈડને આ સમગ્ર હેરીટેજ વોક દરમિયાન સાથે રાખ્યા જેથી અમને જે તે સ્થળ વિશે આધારભૂત અને વિશેષ માહીતી પ્રાપ્ત થતી રહે અને જે તે સ્થળની મુલકાત સરળ બને. ઉપરાંત અતુલ્ય વરસો ટીમ દ્વારા જે તે વિસ્તારમાં ચા-પાણી અને નાસ્તાની પણ સરસ સુવિધા પુરી પાડવમાં આવી. રસ્તામાં સિદ્ધપુરના પ્રખ્યાત મગદળનો પ્રસાદ અમને અતુલ્ય વારસો ટીમ દ્વારા આપવામાં આવ્યો. અંતે અમે સૌ હેરીટેજ ટુરના અંતિમ પડાવ એવા સરસ્વતી નદી તરફ આગળ વધ્યા.


સરસ્વતી નદી પાસે કોઈ ભાવિક ભક્તજને નદી પ્રત્યેની પોતાની અસ્થારૂપે સરસ્વતીનું મંદિર બનાવ્યું છે. એ વખતે સરસ્વતી નદીના પાણી બન્ને કાંઠે ભરપૂર વહેતા હશે અને આ સમગ્ર વિસ્તાર નયનરમ્ય હશે. સરસ્વતી માતાની પૂજા આર્ચના કરી, પ્રસાદ લઇ હું ટીમ સાથે સરસ્વતી નદીના દર્શન કરવા આગળ વધ્યો. અત્યારે નદીમાં પાણી તો નથી પણ વિશાળ સુકો પટ્ટ પથરાયેલો છે. એક સમયે અંબાજીના કોટેશ્વરથી નીકળી પાટણ થઇ નાના કચ્છ માં સમાતી સરસ્વતી નદી કેટલા જીવોનું પોષણ કરતી હશે એ કલ્પના સહેજે થઇ શકે. સરસ્વતીના પટની ગંદકીના સામ્રાજ્યથી જે દુર્દશા જોવા મળે છે એ જોઈને અત્યંત દુ:ખ થાય છે કે લોકમાતા સરસ્વતી નદીએ કરેલ ઉપકાર લોકો આટલો જલ્દી કેમ ભૂલી જતા હશે ? પાસે જ સિદ્ધપુરનું જગપ્રખ્યાત મુક્તિધામ છે. આ જગાએ જ ધોળકિયા ફાઉન્ડેશન અને સરકાર ના સયુંકત પ્રયાસો થાકી રીવરફ્રન્ટનું કાર્ય ચાલી રહ્યું છે એટલે આશા છે કે સરસ્વતી નદીના પટમાં પાણી જોવા મળશે અને ફરી એનો ભવ્ય ભૂતકાળ જીવંત થશે. અમારી ઈચ્છા હતી કે અમે સૌ આ જગ્યા એ સરસ્વતી વંદના કરીએ પણ સમયના અભાવે એ વ્યવસ્થા કરી શક્યા નહી એનો અફસોસ રહેશે. અંતે અમે સૌ હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના મોઢેરા ,પાટણ અને સિદ્ધપુરના પ્રાચીન સ્થાપત્યોની યાદગાર અભ્યાસ મુલાકાત કરી પરત ફર્યા.
અતુલ્ય વારસોના શ્રી કપીલભાઈ , શ્રી રોનકભાઈ અને એમની સમગ્ર ટીમે સમગ્ર હેરિટેજ વોક દરમિયાન અમને કોઈ તકલીફ ન પડે એનો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો અને સુંદર વ્યસ્થા પુરી પાડવામાં આવી હતી. અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આપણા ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાનું અત્યંત મહત્વપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે એનો વિશેષ આનંદ છે. અતુલ્ય વારસોના શ્રી કપીલભાઈ , શ્રી રોનકભાઈ અને તેમની ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ…..

4 Comments
  1. Bhaichandbhai Patel 2 months ago
    Reply

    ખુબ જ સુંદર સરસ વિગતવાર પાટણ , મોઢેરા સાથે સિધ્ધપુર ની ઐતિહાસિક સાથે ધાર્મિક, સાંસ્કૃતિક, કલાકૃતિ સાથે શિલ્પી ની હસ્તકલા ને અતુલ્ચવારસો ટીમ ના સાનિધ્ય માં દિવ્યદષ્ટિ થી નિહાળી કૃતિ રચના નું મૂલ્ય જાણવા મળ્યું, કહેવાય” ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે ” એ કહેવત ના સથવારે તમારી જોવા ની અને રાજા રજવાડાઓની જે જાજરમાન શિલ્પ સ્થાપત્ય કરવા પાછળ વૈદિક સંસ્કૃતિ ની ધરોહર ને નજર સમક્ષ રાખીને ને રચનાઓ થતી જે રચનાઓને પથદર્શક દ્રારા તેના મૂલ્યો ની જાણકારી મેળવી ખુબ જ સુંદર પુરાતત્વ ની ઐતિહાસિક યાદગાર યાત્રા ની જાણકારી આપવા બદલ ધન્યવાદ.જયશંકર

  2. Mangeshnath Upadhyay 2 months ago
    Reply

    Very Informative and Beautiful. Many congratulations and Please let me know in future when you will have this walk of North Gujarat again i will be happy to join.

  3. Dineshbhai 2 months ago
    Reply

    સૂર્ય મંદિર થી સરસ્વતિ મંદિર સુધી ની સફળ યાત્રા નું રોમાંચક સરસ વર્ણન
    વધુમાં અતુલ્ય વારસા ના વિશિષ્ઠ અને વરિષ્ઠ મહેમાન મિત્રો સાથે ની ગોષ્ઠી
    અદભૂત સ્થાપત્ય ની અદભૂત ફોટોગ્રાફી
    સરસ
    સાચેજ ઘણુજ ગમ્યું
    આજ રીતે પ્રવૃત્ત રહો
    એજ અભિલાષા
    અને અભિનંદન ????????????
    જય શ્રી કૃષ્ણ

  4. Mangesh Vanraj Upadhyay 2 months ago
    Reply

    Many Congratulations and very Good Information given next time please let me know regarding the walk in North Gujarat Dates.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More