પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે આજથી આશરે ૧૫૦ વર્ષ પહેલા ગુરૂ ધૂંધળીનાથ પાટણથી અહી આવ્યા હતા અને ૧૨ વર્ષ સુધી આકરી તપસ્યા કરી હતી. આવા તપસ્વી સંતના દર્શન કરવાની સાથે અરવલ્લીના પહાડોનું ટ્રેકિંગ તેમજ અરવલ્લી ટેકરીઓની તળેટીમાં આવેલ કરમાવાદ વિસ્તારમાં ચાલતા વનવાસી બાળકો માટેના સંસ્કાર કેન્દ્રમાં સેવાકીય પ્રવૃતિઓ અર્થે પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપના શ્રી જયેશભાઈ સોની દ્વારા તા. ૧૦, માર્ચ, ૨૦૨૪ને રવિવારના રોજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મને આમ પણ પ્રકૃતિ અને પહાડોનું બચપણથી આકર્ષણ એટલે જ્યારે આવા આયોજનો થાય એટલે સ્વભાવિક બધા કામ પડતા મુકીને મને જંગલો અને પહાડો તરફ જવાની અદમ્ય ઈચ્છા જાગૃત થાય.
૧૦, માર્ચની વહેલી સવારે છ કલાકે હું મારા વતન વડગામથી એકલો જ મારી ગાડી લઈને નીકળ્યો. અડધો એક કલાકમાં હું કર્માવાદ આશ્રમ પહોંચી ગયો , જ્યાં ગ્રુપના ૨૫ એક સભ્યો પાલનપુરથી પહોંચી ચુક્યા હતા. કર્માવાદ આશ્રમ મુકામે અમે સૌ એ ચા-પાણી નાસ્તો કર્યો અને ત્યારબાદ તળેટીમાં આવેલ પ્રાચીન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા. વર્ષોથી આ સ્થાન અપૂજ છે. જે ગામમાં શિવપૂજા થાય એ ગામ કલ્યાણના રસ્તે વળે છે. શ્રાવણમાસમાં સિદ્ધેશ્વર મહાદેવના દર્શને દરેક ગામના લોકો આવતા. અત્યારે શ્રી શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવસ્થાન સેવા સમિતિના યુવાનો આ સ્થાનનો વિકાસ થાય તે માટે કાર્યરત છે. ગુરુ મહારાજની જય નો જયઘોષ કરતા આશરે ૩૦૦૦ ફૂટની ઊંચાઈ એ બિરાજમાન શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ ગુફા તરફ પ્રયાણ શરૂ કર્યું. ગ્રુપમાં યુવાન મિત્રોની સંખ્યા વધુ હતી એટલે સ્વાભાવિક રીતે અમારે તેમની સાથે કદમ મિલાવવાના હતા. યુવાનો સાથે હોય એટલે આપણને પણ થોડી સ્ફૂર્તિ અને શક્તિ મળી રહે એટેલો ઉત્સાહ એમનામાં જોવા મળે. હું વર્ષો પહેલા એક વખત મુમનવાસ બાજુના પાણિયારી રસ્તે ગુરૂ દર્શને ગયેલો અને આ વખતે જલોતરા પાસેના કર્માવાદ રસ્તે ગુરૂ દર્શને જઇ રહ્યો હતો એટલે મનમાં નવા રસ્તા અને રસ્તા વચ્ચેની પરિસ્થિતિ જોવાનો થોડો રોમાંચ પણ હતો. વહેલી સવારનો મંદ મંદ ઠંડો વાયરો લહેરાતો હતો એટલે અમને ચઢાણમાં થોડી રાહત રહેવાની હતી એ નક્કી હતું. અહી અમારે પગથીયા ની જગ્યાએ પથ્થરોના સહારે ચઢાણ કરવાનું હતું. જંગલના વૃક્ષો ઉપર પાનખરની પરાકાષ્ઠા હતી એટલે ચોમાસામાં જોવા મળે એવા હરિયાળા જંગલની જગ્યાએ અમારે સુકા જંગલમાં સફર કરવાની હતી , જો કે વૃક્ષો અને વનસ્પતિ ઉપર વસંતની કુંપળો ફૂટું ફૂટું થઇ રહી હતી. ડુંગરાના નાના મોટા પથ્થરો વિવિધ આકારમાં દર્શનીય લાગી રહ્યા હતા તો દુરથી ડુંગરા રળિયામણા નાતે દુર દુર ફેલાયેલી અરવલ્લીની ગિરિમાળાઓ દર્શનીય લાગી રહી હતી.

અમારી સાથેનું યુવાધન અનેરા ઉત્સાહ સાથે અમારાથી આગળ નીકળી ચૂક્યું હતું પણ મને ઉતાવળ ન હતી કારણ કે મારે તો જંગલની સફરની નિરાંતે મઝા માણવી હતી. અનેક પ્રકારના પક્ષીઓના વિવિધ અવાજો જંગલના વાતાવરણમાં જાણે શરણાઈઓના સૂર રેલાવતા હોય એવા સંભાળવામાં કર્ણપ્રિય લાગી રહ્યા હતા તો નાની નાની વનસ્પતિઓ ઉપર ફૂટતી કુંપળો આકર્ષક લાગી રહી હતી. જંગલમાં મંગલ રચાયું હોય એવું વહેલી સવારનું વાતારણ હતું અને એ વાતાવરણને અમે મનભરીને માણી રહ્યા હતા.
ગુરૂ સ્થાનક ચઢાણ વખતે આરામ કરી શકાય એવા અમુક સ્થળો આવેલ છે જેમાં હિંડોળા ખાટ, શ્રી ડુંગરપૂરીની ધૂણી – પાણીની પરબ અને જલકુંડ , હોડકા ઘાટ મુખ્ય છે. થોડાક સમય પહેલા ગુરૂ દર્શને જતી વખતે પીવાના પાણીની કોઈ જ સુવિધા ન હોવાથી ગુરૂ દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને ખાસ કરીને ઉનાળાની ઋતુંમાં પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડતી હતી એ સમયે સ્થાનિક સેવાભાવી યુવાનો ધ્વારા પીવાનું પાણી તળેટી થી અંદાજીત એક કિલોમીટર ઉપર માટલાઓમાં ભરીને માટલા ઉપાડીને અહી પાણીની પરબ સુધી લાવવામાં આવતું હતું જે ગુરૂ દર્શનાર્થે આવતા લોકો માટે આશીર્વાદરૂપ બનતુ હતું. આ સ્થળે પીવાના પાણીની સુવિધા ઊભી કરવાથી એને પાણીની પરબ એવું નામ આપવામાં આવ્યું છે. હવે તો શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવસ્થાન સેવા સમિતિના સેવકો દ્વારા ખૂબ પરિશ્રમ કરીને તળેટીથી ઉપર લગભગ ત્રણ કિલોમીટર ઉપર સુધી લેટરલ પાઈપ ગોઠવીને પાણીને ટ્રેક્ટર એન્જીનથી ઉપર ચઢાવી ચઢાણ ના માર્ગે મુકેલા પાણીના ટાંકાને ભરવામાં આવે છે એટલે અત્યારે પીવાના પાણી ની સરસ વ્યવસ્થા થઇ છે. એટલું જ નહિ ચઢાણ ના પ્રારંભિક તબક્કે આ જગ્યાએ થોડોક આરામ પણ મળી રહે. પથ્થરોંના માર્ગે ચઢાણ કરતા ચારેબાજુ અફાટ ફેલાયેલી અરવલ્લીના પહાડો આકર્ષક લાગી રહ્યા હતા તો સાથે સાથે મનમાં એવો પણ વિચાર આવ્યો કે આ પહાડોમાં એવી કેટલીય અજાણ પવિત્ર જગ્યાઓ હશે જ્યાં સુધી હજુ માનવી નહિ પહોંચ્યો હોય એટલે મનમાં થાય કે આ પહાડો ઉપર સમયાંતરે સમય મળે ત્યારે નિરાંતે પરિભ્રમણ કરવું છે એનો રોમાંચ બે ઘડી મનમાં હલચલ મચાવી રહ્યો હતો. સાથી મિત્રો ખુશનુમા વાતાવરણમાં પોતપોતાના ગ્રુપમાં અલક મલકની વાતો કરતા કરતા ટ્રેકિંગનો આનંદ માણી રહ્યા હતા અમે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા હતા. સાથે સાથે હું બોટલમાં સાથે લાવેલ લીંબુ પાણીનો સ્વાદ આવા યોગ્ય વાતાવરણમાં માણી રહ્યો હતો. આવા સ્થળે આવા પીણા ખૂબ મદદરૂપ બનતા હોય છે. પથ્થરોની અસ્તવ્યસ્ત પથારી ઉપર ચાલવાનું હોવાથી ટ્રેકિંગ દરમિયાન આજુબાજુના દ્રશ્યો નિહાળવાની સાથે સાથે નીચે પણ ધ્યાન રાખવું જરૂરી છે નહિ તો અકસ્માત થવાની ભીતી સતત રહેતી હોય છે, અને એ એ પણ મારા જેવા પચાસ ની વાય વટાવી ચૂકેલાઓએ તો ખાસ ધ્યાન રાખવું પડે પરંતુ ગુરૂકૃપા થકી અસ્ક્સ્માતોના બનાવો ભાગ્યે જ બને છે.
મને ટ્રેકિંગ દરમિયાન એક સૂચના બોર્ડે વિશેષ ધ્યાન ખેંચ્યું અને આવા બોર્ડ ટ્રેકિંગ ના રસ્તે ત્રણ ચાર જગ્યા એ મુકવામાં આવ્યા છે જેમાં કચરો ગમે ત્યાં ફેંકશો નહિ, પર્યાવરણ પ્રકૃતિને નુકશાન કરશો નહી, કચરો અને પ્લાસ્ટિક યોગ્ય જગ્યાએ નિકાલ કરવો એ આપણી નૈતિક ફરજ છે.પાણીનો બગાડ કરશો નહી, હાથ મો ધોવા નહી. શ્રીફળ નિશ્ચિત કરેલ સ્થાને જ વધેરવું, ચૌલક્રિયા પછી બાબરીના બાલ નિશ્ચિત કરેલ સ્થાને મુકવા, નાસ્તો કર્યા પછી સફાઈ જાતે કરવી વગેરે મહત્વપૂર્ણ સૂચનાઓ આ સૂચના બોર્ડમાં લખવામાં આવી હતી છતાં ટ્રેકિંગ ના રસ્તામાં ઠેર ઠેર પ્લાસ્ટીકની બોટલો અને પ્લાસ્ટિક દ્રષ્ટિ ગોચર થતું હતી. આપણે જ્યારે પણ જંગલ ટ્રેકિંગ માટે જઈએ ત્યારે પુરી સભાનતા અને જવાબદારી પૂર્વક જવું જોઈએ. વન્ય જીવો કે વનસ્પતિઓને કોઈ નુકસાન ન થાય અને પ્રાકૃતિક સ્થળોની સ્વછતા અને પવિત્રતા જળવાય એવા ભાવ સાથે પ્રકૃતિ દર્શન અને પ્રકૃતિનો આનંદ મેળવવો જોઈએ.

આપણા ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વન વિસ્તાર ખુબ ઓછો છે. ગુજરાતમાં કુલ સાત પ્રકારના જંગલો જોવા મળે છે. તે પૈકી વલસાડ, ડાંગ, ભરૂચ, નવસારી , સુરત, તાપી, નર્મદા , છોટા ઉદેપુર , દાહોદ, પંચમહાલ જિલ્લાઓમાં રાજ્યનો આશરે ૪૦ ટકા વન વિસ્તાર જોવા મળે છે , જ્યારે જુનાગઢ , રાજકોટ,અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના ડુંગરાળ પ્રદેશોમાં ગીચ જંગલો જોવા મળે છે., જ્યારે ઘાસવાળા જંગલો સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. જ્યારે દરિયાઈ ભરતીવાળા જંગલો દેવભૂમિ દ્વારકા , કચ્છ , પોરબંદર, જુનાગઢ, ભાવનગર . ગીર સોમનાથ અને જામનગર જીલ્લામાં જોવા મળે છે. બનાસકંઠા, સાબરકાંઠા , અમરેલી, રાજકોટ , મોરબી, ભાવનગર , બોટાદ, સુરેન્દ્રનગર , અરવલ્લી , મહેસાણા, મહીસાગરમાં મોટેભાગે સુકા અને કાંટાવાળા પાનખર જંગલો જોવા મળે છે. અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલો ગુરૂનો ભાંખરો પણ સુકા અને કાંટાવાળા પાનખર જંગલો વચ્ચે આવેલો છે એટલે ટ્રેકિંગ દરમિયાન જંગલ કરતા ભોખરાઓની રમણીયતા અમારે વધારે માણવાની હતી.

ત્રીજો પડાવ હોડકા પોઈન્ટ છે જ્યાં હોડકા આકારના પથ્થર ઉપર પાણીનું ટાંકુ મૂકીને અહી પીવાના પાણીની વ્યવસ્થા અગાઉ જણાવ્યું એમ તળેટીથી કરવામાં આવી છે. અહી મસ્ત મજાની ચા મુકીને અમે સૌ એ એની મજા માણી નશોમાં ચાના નશાના અહેસાસે મંદ મંદ લહેરાતા ડુંગરી વાયરા સાથે અનેરી સ્ફૂર્તિનો અહેસાસ કરાવ્યો. અહીથી આગળનું ચઢાણ થોડું મુશ્કેલ છે આગળ જતા પાણીયારી તરફથી આવતો રસ્તો અને કર્માવાદ આશ્રમ તરફથી આવતો રસ્તો મળે અહી થી તમે પાણિયારી તરફ ઉતરાણ કરી શકો છો તો પાણીયારી તરફથી ચઢાણ કરો તો કરમાવાદ આશ્રમ તરફ ઉતરાણ કરી શકો છો એટલે ખરેખર તો આ અનુભવ લેવા જેવો છે કે એક તરફથી ચઢાણ અને બીજી તરફ ઉતરાણ તો એક પંથ અને દો કાજ જેવો ઘાટ થાય. અમે આ બન્ને રસ્તા ના સંગમ પોઈન્ટ પર ઊભા રહી કુદરતનો નજારો માણી રહ્યા હતા.

પાણીયારી તરફથી આવતો રસ્તો અને કર્માવાદ તરફથી આવતો રસ્તો જ્યાં મળે છે ત્યાંથી હવેનું ચઢાણ થોડું કપરું છે. જો કે ઘોડીયાલ ગામના શ્રી જીવરામ પંચાલે અને કરશનપુરા ગામના શ્રી ગંગારામ પંચાલ તરફથી અમુક જગ્યાએ લોખંડ ની નિસરણીઓ મુકવામાં આવી છે જેથી ચઢાણ થોડુંક સરળ બને છે. ડુંગરા ઉપર આવી વ્યવસ્થા કરવી ઘણી જ મુશ્કેલ હોય છે જે આપણે પાણીની બાબતમાં જોયું એવું જ નિસરણી બાબતમાં પણ ઘણી શકાય કારણકે આટલું વજનદાર લોખંડ આટલી ઊંચાઈ એ શ્રમદાન થકી લાવવું અને એને યોગ્ય રીતે સુરક્ષિત રીતે ગોઠવવું એ ગુરૂની કૃપા સિવાય કેવી રીતે બની શકે એ સત્ય સમજાયા વિના ન રહે. આટલી ઊંચાઈએ નાના – મોટા અનેક શ્રધાળુઓ – ભાવિક ભક્તજનો આવતા હોવા છતાં કોઈને કોઈ અઘટિત ઘટના ન બને એ ગ્રુરૂકૃપા વિણ શેને શક્ય બને.?

લગભગ બે થી અઢી કલાક ના ટ્રેકિંગ બાદ અમે પથ્થરોની બનેલી ભેખડો વચ્ચે ગોઠવેલી આખરી નીસરણી પાર કરી ગુરૂ સ્થાનકે આવી પહોંચ્યા જ્યાં કપિરાજોએ અમારું ભવ્ય સ્વાગત કર્યું. અહી કપીરાજો ખૂબ મોટી સંખ્યામાં અડ્ડો જમાવીને રહે છે એટલે એમનો થોડો ખ્યાલ રાખવો. ગુરૂના સ્થાનકે થી આજુબાજુનો વિસ્તાર નયનરમ્ય હતો એટલે અમે યાદગીરીરૂપ થોડાક ફોટા ક્લિક કર્યા.
ગુરૂ મહારાજની ગુફામાં પ્રવેશ કર્યો તો મોટી આંખો વાળી ભવ્ય મૂર્તિ જોઈને એવું લાગ્યું કે સાક્ષાત ગુરૂ મહારાજ સામે બેઠા છે એટલો પ્રભાવશાળી ચહેરો લાગી રહ્યો હતો. આપણને એવું લાગે કે આપણે આ જગ્યાએ ધ્યાનસ્થ થઇ ચુક્યા છીએ. ગૂરૂ મહારાજની અદ્દ્ભૂત ઔરા વાતવરણને પવિત્ર બનાવી રહી હતી. અમે ભાવપૂર્વક ગુરૂના દર્શન કર્યા અને અલૌકિક અનુભૂતિ અનુભવી જાણે ડુંગર ચડવાનો થાક ઉતરી ગયો હોય અને કોઈ દિવ્ય અનુંભૂતિ અનુભવાઈ રહી હતી. અંખડ જ્યોત પ્રજવલિત છે એવી ગુરૂ મહારાજની મૂર્તિ સમક્ષ અમે ગુરૂ મહારાજની આરતી કરી અને ગુરૂ મહારાજની જય બોલાવી સર્વ જીવ જગતના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી.
ગુરૂ ના ચરણોમાં શિશ નમાવી અમે ભોખરા ની વધુ ઊંચાઈ તરફ આગળ વધ્યા જેને દત્ત ટેક નામે ઓળખવામાં આવે છે . દત્ત ટેક ઉપર આદિ ગુરુ દત્તનું સ્થાનક છે. મહાકાય પથ્થરો અને પથ્થરો વચ્ચેની ઊંડી ખાયો ઠેકી ને ત્યાં સુધી જવું મુશ્કેલ છે પણ ના મુમકીન નથી એટેલે અમે સાહસ કર્યું અને આખરે દત્ત ટેક પહોંચ્યા જ્યાં ધજા રૂપી વિજય પતાકા લહેરાતી હતી. અહી થી આજુબાજુ નું સૌન્દર્ય મનભાવન લાગતું હતું. ડુંગરા દુર થી રળિયામણા એવી કહેવત છે પણ અમને તો ડુંગરા નજીકથી પણ રળિયામણા લાગતા હતા. ડુંગરની ટોચે થી અફાટ સૌન્દર્ય માણી શકાતું હતું. કરમાવાદના પ્રાચીન તળાવની જગ્યા અહીથી સ્પષ્ટ નજર પડતી હતી. દત્ત ટૂંક ઉપર દિવાળીના દિવસે આજુબાજુના ગામડાઓમાં વસતા ઠાકોરભાઈઓ દ્વારા મેર મેરાયું પ્રગટાવવામાં આવે છે જેના દર્શન દુર દુર સુધી આજુબાજુના ગામડાઓ કરી શકે છે અને એ દ્રશ્ય દુરથી જોતા અપ્રતિમ લાગે છે.


પ્રકૃતિનું અદ્દભુત રસપાન કરી અમે હવે સંભાળપૂર્વક ગયા એમ પરત નીચેની તરફ ગતિ કરી રહ્યા હતા . ગુરૂ ગુફા પાસે તમામ સાથી મિત્રો એ ટ્રેકના અનુભવો વર્ણવ્યા. અને ત્યારબાદ અમે તળેટી તરફ ઉતરાણ શરૂ કયું જ્યાં જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા ટ્રેકિંગની સાથે સાથે એક સેવા કાર્ય પણ થવાનું હતું.
પથરાળ ભોખારાઓ ઉપર ચઢાણ કરતા ઉતારાણ થોડું મુશ્કેલ પડે છે અને એમાંય અમારે ભાગે બપોરનો સમય આવેલો એટેલે મુશ્કેલી થોડી વધુ રહેવાની હતી પણ ગુરૂ મહારાજની અવિરત કૃપા અમારા ઉપર વરસી રહી હોય એમ અમે ધીમે પણ મક્કમ ગતિએ તળેટી તરફ પરત ફરી રહ્યા હતા. અમારી સાથેનું યુવાનોનું ટોળું તો અમારાથી ક્યાંય આગળ ડગ માંડતું તળેટીમાં પહોચી ચૂક્યું હતું .
સતત સીધા ચઢાણ વાળા પહાડોમાં કોઈ મહાન સભ્યતા વિકસવી શક્ય નથી, કેમ કે આવા સ્થાનોએ આદાનપ્રદાનની કુદરતી પ્રક્રિયા હંમેશા દુષ્કર હોય છે, છતાં ગુરૂ ધૂંધળીનાથ જેવા સંતો – મહંતો તપસ્વીઓ કઠિન તપસ્યા કરીને પહાડોને અલગ નામના અપાવે છે , ઓળખ આપાવે છે.

આખરે અમે ડુંગરિયો ગઢ જીત્યા હોય એમ વિજયી અદામાં ટ્રેકિંગ ના અવનવા અનુભવો અનુભવતા તળેટીએ પહોંચ્યા જ્યાં જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવસ્થાન સેવા સમિતિ દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્ર ના બાળકો સાથે સમૂહ ભોજન લેવાની સાથે એમને કંઈક પ્રોત્સાહન ભેટ પણ આપવાની હતી. એ અંતર્ગત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપના માધ્યમથી વનવાસી બાળકો સાથે સમૂહ ભોજન સહ તેમને શૈક્ષણીક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવસ્થાન સેવા સમિતિ દ્વારા વનવાસી બાળકોને શિક્ષણ ઘડતરની સાથે કેળવણીના પાઠ શીખવવામાં આવે છે તો સાથે સાથે ગુરૂ મહારાજ દર્શને આવતા યાત્રાળુઓ માટે સેવા -સત્સંગ -ભજન નું સુંદર આયોજન પણ કરવામાં આવે છે.
શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવસ્થાન સેવા સમિતિના શ્રી સંજયભાઈ જોશી દ્વારા શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો – જીવન ચરિત્ર અને પરિચય પુસ્તક લખવામાં આવ્યું છે , જે ગુરૂ મહારાજ અને ગુરુના ભોખરાની ઘણી અજાણ બાબતો ઉજાગર કરે છે. આ પુસ્તક લોક ઉપયોગી બનશે.આ પુસ્તકના લેખક શ્રી સંજયભાઈ અને પ્રકાશક શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવસ્થાન સેવા સમિતિને અંતરના અભિનંદન પાઠવું છું.
જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો સ્થાનિક શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવસ્થાન સેવા સમિતિ ટીમ દ્વારા જરૂરી માર્ગ દર્શન અને જરૂરી સહકાર આપવામાં આવ્યો હતો.

– નિતિન એલ. પટેલ (વડગામ)

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More