જળસંચય પર્યાવરણ

ભૂગર્ભ જળ અને નદી

મૃત નદીને સજીવન કરી શકાય ? જવાબ છે હા કરી શકાય પણ એક શરતે એના માટે સંત(ઈજનેરો, તજજ્ઞો, આ ક્ષેત્રના જાણકાર મહાનુભાવો),સમાજ અને શાસક સાથે મળી સહીયારા પ્રયત્નો કરે તો ચોક્કસપણે મૃતપ્રાય નદીને પુનઃ જીવિત કરી શકાય. તરૂણભારત સંઘ નામની સ્વૈચ્છિક સંસ્થા એ રાજસ્થાનની આઠ, મહારાષ્ટ્રની બે અને કર્ણાટકની એક મરી ચુકેલી નદીને પુનઃ જીવીત કરી બતાવી છે. નદી એ માત્ર વહેતુ જળ માત્ર નથી પરંતુ એક સંપૂર્ણ વ્યવસ્થા છે જેમા અનેક નાના મોટા જીવજંતુના જીવન પોષણથી લઈને અનેક લોકોનો જીવન નિર્વાહ ચાલે છે. વૃક્ષો છે , વેલા છે, જીવંત અને નિર્જીવ પદાર્થો છે. પથ્થર છે, પર્યાવરણ છે, સમગ્ર જીવ સૃષ્ટિ નો આધાર છે નદી. ઈકોલોજીનો પ્રાણ છે નદી. નદીઓ વિશ્વની સંસ્કૃતિ અને સભ્યતાઓનો આધાર રહી છે. નદીની પરિભાષા સમજાવતા જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહ જણાવે છે કે હિમજલ, વર્ષા,ભૂજલ, અવિરતતા, નિર્મલતા,સ્વતંત્ર વહે છે. જીવસૃષ્ટિ પૂરક અને પોષક નાતો જોડી પ્રવાહિત નદી નીર,જલ,જીવન, પ્રકૃતિને જન્મ આપી પ્રવાહ બનાવે છે. આમ નદીનો વિશાળ અને વ્યાપક અર્થ છે.

હું નશીબદાર છું કે બાલારામની એ સમયની એટલે કે 40 વર્ષ અગાઉ બારમાસી નદીના કિનારે અમારો ઉછેર થયો હતો એટલે અમને અનુભવ છે કે નદીની એ સમયે કુદરતી પ્રવાહીતા સાથેની સમગ્ર ઈકોસિસ્ટમ શું હતી અને આજે પરિસ્થિતિ શું છે. 40 વર્ષ અગાઉ ઘણા લોકોએ પોતાની આસપાસ વહેતી સમગ્ર ઈકો સિસ્ટમને સાચવીને વહેતી બારમાસી નદીઓ જોઈ હશે તો પછી છેલ્લા વર્ષોમાં એવુ તો શું બન્યુ કે મોટાભાગની નદીઓ સુકાઈ ગઈ? મૃતપ્રાય બની ગઇ જેનાથી સમગ્ર ઈકો સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ…કારણ શોધતા એની પાછળ નદીના બેસીન વિસ્તારમાં આવેલું પરિવર્તન, નદીના બેસીન વિસ્તારમાં કરવામાં આવતું પાણીનું અંધાધુન દોહન તેમજ પ્રદૂષણના લીધે નદી ઉપર વિપરિત અસર પડતી હોય છે. બીજુ મોટુ કારણ છે મોટા બંધ. મોટા બંધોના પરિણામ સ્વરૂપ નદીના પુરા પરિસ્થિતિ તંત્રમાં પરિવર્તન આવે છે. બંધોને પરિણામે માછલીઓના સ્થાળાંતરીત માર્ગોમા અવરોધ આવે છે. કારખાનાઓ માટે નદીઓ પ્રદૂષણ છોડવાનો આસાન માર્ગ બની ગયો છે. શહેરોથી જોડાયેલી નદીઓ શહેરના ગંદા પાણીને પરિણામે સંકટમાં છે. આજકાલ ખેતી ઉપયોગમાં આવી રહેલ રાસાયણિક કીટનાશકોના અંશ પણ આખરે તો નદીમાં જાય છે. નદી ઉપર અતિક્રમણ પણ વધી રહ્યું છે. ખેતીઅને ઉદ્યોગો પાછળ વધતો પાણીનો ઉપયોગ , અનિયમિત ચોમાસા, વોટર રિચાર્જ અને જળ સંચયની કમી, વસ્તી વિસ્ફોટ વગેરે કારણો જણાવી શકાય.

વર્ષા જલ 167 કી.મી. પ્રતિ કલાકની ઝડપે જમીન ઉપર ટકરાય છે અને અંદાજિત 7 મી.મીના ડાયામીટરનો હોલ કરે છે જેના પરિણામસ્વરૂપ પાણી જમીનમાંની માટી પોતાની સાથે લઈ આગળ વહી જાય છે એટલું જ નહી પાણી સાથે વહી જતી માટી જમીનની ફળદ્રુપતાને તો અસર કરે જ છે પણ આ માટી આગળ જતાં નદી સહીતના જળ સ્ત્રોતોની પાણી સંગ્રહની ક્ષમતાને પણ ઘટાડે છે.આ સ્થિતિમાં વૃક્ષોનું મહત્વ અનેકગણુ વધી જાય છે. આ વર્ષાની બુંદો સીધી જમીન ઉપર પડવાની જગ્યાએ એને આ વૃક્ષોના પાંદડા ઝીલે છે એના પરથી આ વર્ષાબુંદો નીચેના પાંદડા અને નાની વનસ્પતિઓ ઉપર પડે છે અને અંતે એ જમીન ઉપરના ઘાસ ઉપર પડી ધીમે ધીમે જમીનમાં સંચય થાય છે. હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે જળ સંચયમા વૃક્ષો અને વનસ્પતિઓ કેટલી ઉપયોગી છે.પણ આપણે વૃક્ષવિનાશનું જાણે અભિયાન માંડી બેઠા છીએ. બુંદ સે ગઈ વો હોજ સે નહી આતી. વર્ષા જલ જમીનમાં ઉતરે એ અતિ મહત્વનું એટલા માટે છે કે જમીનની અંદર જે નાના મોટા એકવીફાયર જે જળનો સંગ્રહ કરે છે એને આપણે ટ્યૂબવેલો થકી મસમોટી મોટરો મુકી ઊલેચી નાખ્યા છે. આ એકવીફાયરો ખાલી હોય ત્યારે નદી પણ ખાલી રહેવાની એ સ્વાભાવિક છે. આપણે ત્યા મોટાભાગની નદીઓ વર્ષા આધારિત છે એટલે આ વર્ષા જળ સારી માત્રામાં સંચય થઈ ખાલી પડેલા એકવીફાયર ભરે તો લાંબા ગાળે આવા પાણી જમીન ઉપર આવવાથી પાંચ દસ વર્ષે મૃતપ્રાય નદીઓ જીવંત બને અને એના માટે નદી આસપાસના તમામ ગામડાઓએ સામુહિક પણે પોતાના ગામડાઓમાં વોટરશેડ વિસ્તારો નક્કી કરી વર્ષા જળને જમીનમાં ઉતારવાના પ્રયત્નો કરવામાં આવે , ગામના તળાવો ઊડા કરી ભરવામાં આવે, પાણીના આવરાઓને ખુલ્લા કરવામાં આવે, નાના જોહડ બનાવી વહી જતા પાણીને રોકી વધુ મા વધુ પાણી સંચિત કરી જમીનનું પેટ ભરવામાં આવે , ખેતરનું પાણી ખેતરમાં સિમનું પાણી સીમમાં રોકવામા આવે તો સરવાળે અમુક સમય પછી જમીનમાં રહેલા એકવીફાયર ભરાશે સામે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામા આવે તો ધીમે ધીમે આ સંચિત પાણીનું લેવલ ઉપર આવશે . તળાવો અને જોહડો માથી જે પાણી ઓવરફલો થાય એને નદી સાથે લિંક અપ કરી નદીમા છોડવામાં આવે તો ધીમે ધીમે નદીનો પ્રવાહ વહેવા માંડશે. એક અભ્યાસ મુજબ વરસાદના કુલ પાણીનું 13% જ પાણી જમીનમાં ઉતરે છે. એક તો ભૂગર્ભ જળ વધુને વધુ ઉલેચાતા જાય છે બીજી બાજુ અબજો લિટર વરસાદી પાણી વેડફાઈ જાય છે આથી જળ સમતુલા ખોરવાઈ રહી છે. ભારતમાં કેટલાક વર્ષોથી વધુને વધુ વિસ્તારો દુષ્કાળ કે અર્ધ દુષ્કાળ જેવી સ્થિતિનો અનુભવ કરે છે. પાછલા કેટલાક વર્ષોથી નદી ઉપર માનવીઓનું અતિક્રમણ વધ્યું છે. નદી જાણે કચરાપેટી હોય એમ એનો ઉપયોગ થઈ રહ્યો છે. નદી વિસ્તારમાં દબાણો વધી રહ્યા છે. નદીના કિનારા તુટી રહ્યા છે. પ્લાસ્ટિક પ્રદૂષણ નો તો નદી જાણે પર્યાય બની ચૂકી છે. નદી પટનો વિસ્તાર સંકડાતો જાય છે. નદી આજુબાજુના નદી ઉપયોગી વૃક્ષો કપાતા જાય છે. નદી ઉપર નિર્ભર જીવજંતુ અને અનેક પ્રજાતિઓના રહેઠાણ નાશ પામ્યા છે. બંધોના નિર્માણ થકી નદીની સ્વાભાવિક પ્રવાહને અવરોધવાથી નદીની જીવાદોરી ટૂંકાય છે. આપણા જળ સ્ત્રોતો અથવા તો વોટરબોડીઝ કહો એવા તળાવો, નાળાઓ, ચેકડેમો જોહડો વગેરે પણ માનવ અતિક્રમણ નો ભોગ બનવાની સાથે પ્રદૂષિત બની ચૂક્યા છે. ચોમાસુ અસ્થિર થવાથી અને તાપમાન વધવાથી માટીનો ભેજ ખતમ થતો જાય છે. આપણા પૂર્વજો જે રીતે જળ સ્ત્રોતોનું નિર્માણ કરતા એની જાણવણી કરતા એનો સ્પષ્ટ ઉલ્લેખ ઈ.સ 800 વર્ષ પૂર્વેના અર્થવેદ, ઈ.સ.પૂર્વે 320 ના મૌર્યકાળમાં બહુ સારી રીતે ઉલ્લેખ કરેલો છે. ઉપરાંત ચાલુકયના જમાનામાં ટાંકા નિર્માણનું કાર્ય, બુંદેલ, ચંડેલ કાલીન તળાવ રાજસ્થાન અને બિકાનેરમાં થયેલ પાણી બચાવવાના કાર્યો નોંધપાત્ર હતા. ગાધીંજીએ સાબરમતી નદીમાંથી દાતણ પાણી માટે માત્ર એક લોટો પાણી લીધું એટલે કોઈકે પૂછ્યું કે બાપુ આ નદી બે કાંઠે વહે છે એટલું પુષ્કળ પાણી વહે છે અને આપે માત્ર એક લોટો જ પાણીનો ઉપયોગ કર્યો? બાપુએ જવાબ આપ્યો આ નદી ઉપર મારો એકલાનો અધિકાર નથી. સકલ જીવસૃષ્ટિ નો પણ અધિકાર છે. આ એક જ ઘટના ખૂબ મોટો સંદેશ આપી જાય છે. વર્ષો પહેલાં ગાંધીજી પાણીના મહત્વને સમજી શક્યા હતા. આપણે જળ સંચયની સાથે સાથે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા પણ શીખવું પડશે.

નદી પુનઃ જીવીત કરવી એ ખૂબ જ જટીલ પણ સરળ પ્રક્રિયા છે.અગાઉ જણાવ્યું એમ આ ક્ષેત્રના જાણકાર તજજ્ઞો, સમાજ અને શાસનના સહિયારા પ્રયત્નો થકી નદીને પુનઃજીવિત કરવી શક્ય છે. તળાવ અને ભૂગર્ભજળને સીધો સબંધ છે. સરોવર,તળાવની સંખ્યા જેમ વધુ હોય છે ત્યાં ભૂગર્ભ જળ સપાટી પણ સારી રહે છે. કુદરતી નાળા અને તળાવોથી ભૂગર્ભ જળ સ્ત્રોતોમાં પાણી જતું રહે છે અને તે પાણીનો પ્રવાહ જ આપણી નદીઓમાં વહે છે. બારમાસી નદીઓનો આધારભૂત પ્રવાહ ભૂગર્ભ જળ પ્રણાલીઓ પર નિર્ભર રહે છે. ગામના વોટરશેડ વિસ્તારને શોધી ચોમાસામાં પુરઝડપે દોડી જતા પાણીની ગતિને ધીમી પાડવાનો પ્રયત્ન કરીએ, ગતિ ધીમી પાડ્યા બાદ એને રોકવાનો પ્રયત્ન કરીએ, રોકાયા બાદ એને જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરી જમીનની અંદરના એકવીફાયર ને ભરવાનો પ્રયત્ન કરીએ. દરેક ખેતરનું પાણી ખેતરમાં રહે એવા પ્રયત્નો કરીએ. વિવિધ વહોળા ઉપનદીઓને મુખ્ય નદીની ધારા જોડવાની વ્યવસ્થા કરીએ. નદીના વોટરશેડ અને બેસીન વિસ્તારમાં જંગલોનું પ્રમાણ વધારી વધુ પ્રમાણમાં વૃક્ષો ઉછેરી માટી કટાવ અટકાવી આ માટી નદીમાં વહી જતી અટકાવીએ, કુવામાં કે બોરમાં પાણી ભરી આપવાનું કાર્ય વૃક્ષો પણ કરે છે, એવા વૃક્ષોને કાઢી નાખવામાં કે કાપી નાખવામાં આવે છે. ફરીથી આવા વૃક્ષો જો વાવવામાં આવે તો પાણીનો પ્રશ્ન રહે જ નહી. આવા વૃક્ષો 50 ફૂટે પાણી આપે છે. ખાખરો , ઉમરો , જાંબુડો વગેરે વૃક્ષો ખૂબ જ પાણી બનાવી શકે છે. વૃક્ષો, જંગલ કાપી નાખવાથી ઉજ્જડ ( બોડા) થયેલ ડુંગરાઓમાં બેશુમાર માટીનું ધોવાણ થાય છે. ભૂતળમાં જળ સંગ્રહ અલ્પ થાય છે અને નદીઓ સુકી થાય છે. વૃક્ષો – જંગલ વગરના ઉજ્જડ ડુંગરાઓમાં અન્ન- પાણી- ઘાસચારો- ઔષધના અભાવે માનવ, ગોવંશ અને સકલ પ્રાણી સૃષ્ટિનો નિશ્ચિત નાશ થાય છે. નદીમાં થતું પ્રદૂષણ અટકાવીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી ગમે ત્યાં રઝળતા પ્લાસ્ટિક ના લીધે ચોકઅપ થતા નાળા અટકાવીએ, નદી ઉપર અને નદી વિસ્તાર ઉપર થતું માનવીય અતિક્રમણ અટકાવીએ. નદીને સંલગ્ન જીવજંતુ અને નિર્જીવ પદાર્થોનું રહેઠાણ સુરક્ષિત રાખીએ. નદીને કચરા પેટી ન બનાવીએ. મુખ્ય નદીની સહાયક નદીઓને પુનઃજીવીત કરીએ,સીમ માં આવેલ કુદરતી તેમજ માનવ સર્જિત જળ સ્ત્રોતોના આવરા ખુલ્લા કરીએ. શહેરો અને ગામડાઓમાં ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારોમાં ભૂગર્ભ જળનો બગાડ અને દુરુઉપયોગ તત્કાલિક બંધ થવો જોઈએ, તે જ સમયે ખેડૂતો અને અન્ય તમામ લોકોએ એ સમજવાની જરૂર છે કે બગાડ અને દુરપયોગ કરાયેલ પાણીનું એક ટીપું એક મોટુ અને અક્ષમ્ય પાપ છે. જ્યારે દરેક વ્યક્તિ પાણી બચાવવા માટે કાર્ય કરે છે ત્યારે તો તે સમુદ્રમાં એક ટીપાં જેવું લાગે છે, પરંતુ જો આપણે પુરતા ટીપાં બચાવીએ તો તે સમુદ્ર બનાવવા માટે પુરતા હશે. પાછલા કેટલાય દાયકાના અનુભવથી આપણે એ પણ જાણી ચૂક્યા છીએ કે દેશમાં પાણીની નિશ્ચિતતાનો સબંધ વરસાદ અને ગરમી કરતા પણ વધારે આપણી જળ ભંડારની ક્ષમતા પર આધારિત છે. વરસાદના ચાર મહિના દરમિયાન વધુને વધુ પાણીને સ્ટોર કરીને આપણે બાકીના આઠ મહિના દરમિયાન આરામથી રહી શકીએ છીએ. જીવન ટકાવવા અને નદીઓને જીવંત રાખવા ગામ, પ્રદેશ, રાષ્ટ્ર અને જગતના ડુંગરાઓમાં ઉત્તમ જાતના દેશી વૃક્ષો , વેલા, ઘાસનું વાવેતર કરીને તેનું પ્રાણ સમાન જતન કરીએ. આ સત્કર્મ પરમ રાષ્ટ્રધર્મ અને પરમાત્મા ધર્મ છે.પાણીની બચત અને પાણીનું સ્ટોરેજ એવી બાબત છે કે જો કોઈ વર્ષે દુષ્કાળ પડે તો પણ જળભંડારની મદદથી પાણીની અછતથી બચી શકાય છે. ભૂગર્ભ જળ સપાટી અને નદી પ્રવાહ એમ બંને ઘટયા છે તેથી આપણે સમજી લેવું પડશે કે તમામ નદીઓના આધાર પ્રવાહને જાળવવા ભૂગર્ભ જળનું મોટુ યોગદાન છે.ભૂગર્ભ જળ સપાટી નીચી જવાને કારણે જ મુખ્ય નદીઓ અને એની સહાયક નદીઓમાં પાણીની માત્રા અને પ્રવાહ બંને ઓછા થયા છે. જળચર જીવોના તંદુરસ્ત નિવાસ માટે પણ પ્રવાહ નિરંતર વહેતો રહે તે જરૂરી છે. અનેક નદીઓ હવે જૈવિક મોરચે પણ મૃત થઈ ચૂકી છે. કાચબા ગાયબ છે અને ઝેરી ખાબોચિયાંમાં માછલી માટે જીવવું મુશ્કેલ છે.

નદી માંથી પાણી લેવાના વિજ્ઞાનને તો આપણે જાણીએ છીએ, પરંતુ નદીમાં પાણી પરત લાવવાનું જ્ઞાન અધુરુ છે.બુંદેલા રાજપૂતો પાણીના અસરકારક આયોજન માટે જાણીતા હતા, જે તેમની સિંચાઈ તથા જળ સંગ્રહની વ્યવસ્થાથી જાણી શકાય. જળ ગ્રહણ પ્રબંધનનું જ્ઞાન મહત્વનું છે. જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ યોગ્ય સર્વે કરી તજજ્ઞોના માર્ગદર્શન અને સ્થાનિક લોકોના જ્ઞાનનો ઉપયોગ તેમજ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની તેમજ વેડફાતુ પાણી બચાવવાની સમજ સાથે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો પરિણામ સ્વરૂપ જમીનમાં આવેલ એકવીફાયર ભરાતા ભૂગર્ભજળની સમસ્યા તો હલ થશે જ સાથે સાથે નદી વિસ્તારને પણ તેની લાંબાગાળે અસર થવાથી નદી માર્ગ પણ ધીમે ધીમે જીવંત બનશે એટલુ નહી નદી વિસ્તાર પ્રવાહિત થવાથી ભૂગર્ભ જળની સમસ્યા નો કાયમી ઉકેલ મળશે.
માનવ સભ્યતાઓ અને સંસ્કૃતિ નદી કિનારે જ ઉછરી, વિકસી અને નાશ પામી. ઈજિપ્તની સંસ્કૃતિ નાઈલ નદીને કિનારે પાંગરી તો મેસોપેટીયાની સંસ્કૃતિ નદીને કિનારે પાંગરી, સિંધુ સંસ્કૃતિ ગંગા નદીને કિનારે વિકસી તો ચીનની સંસ્કૃતિ પીળી નદીને કિનારે પાંગરી,ઋષિ પરંપરાની અનેક કથાઓ જળસ્ત્રોતોના કિનારે જ વિકસી અને વિસ્તરી છે. ગામે ગામ હજારો તળાવો છલકાયા છે, સરોવરો ભરાયા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.આમ વિશ્વની માનવ સભ્યતાના વિકાસમાં નદીઓનો મહત્વપુર્ણ ફાળો રહેલો છે.
નદીને જીવંત રાખવાની સમગ્ર કુદરતી પ્રક્રિયા ને માનવીઓએ વિકાસને નામે એટલો મોટો વિનાશ કર્યો મોટાભાગની બારમાસી નદીઓ મૃતપ્રાય થઈ ચુકી છે.

આપણે ત્યાં કુલ સિંચાઈના અડધાથી વધુ હિસ્સો ભૂજળ પર નિર્ભર છે. જળવાયુ પરિવર્તનનો આપણા ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે. જળવાયુ પરિવર્તનને લીધે આપણી આવકોમાં 25% સુધીનો ઘટાડો આવી શકે એમ છે. ભારતમાં 50% કરતા વધુ ખેડૂતો વર્ષાજળ ઉપર નિર્ભર છે. મૃતપ્રાય બની ચુકેલી નદીઓ તેમજ ઘટતા ભૂગર્ભ જળને પરિણામે ખેડૂતોને પલાયન માટે મજબૂર થવું પડશે. પાણીને લઈને ભવિષ્યમાં પરિસ્થિતિ ખૂબ જ બિહામણી બની શકે એવા સંકેતો જણાઈ રહ્યા છે. ભારતમાં જે મુજબ ભૂગર્ભ જળ ખેંચવામાં આવી રહ્યું છે એનાથી ભૂગર્ભ પાણીનું સ્તર દર વર્ષે 0.4 મીટર ઘટી રહ્યું છે.એક અંદાજ મુજબ 2038 સુધીમાં 60% ભૂગર્ભ જળ ખલાસ થઈ જશે.

પાણીનું સંરક્ષણ અને નિયમન હવે એક અગત્યનો મુદ્દો બની ગયો છે. ઘટતા ભૂગર્ભ પાણી અને સુકાતી નદીઓ પ્રત્યે આપણે જે રીતે બેધ્યાન છીએ તેમજ મુળભૂત જરૂરિયાતો જેવી કે જળ, જમીન અને જંગલને જે રીતે અવગણી રહ્યા છીએ એ જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આપણી ભૂલની સજા આપણી સાથે ભાવી પેઢીને પણ ભોગવવી પડશે.આપણી આવનારી પેઢીઓ પાણી માટે તરસસે તે વાત નક્કી લાગી રહી છે. વોટર મેનેજમેન્ટ ખાડે જાય છે ત્યાં જ પાણી પાણીના પોકારો થવા લાગે છે. આકાશમાંથી વરસતા વરસાદી પાણીનો સંચય કરવામાં આવે તો બારેમાસ પાણી ચાલી શકે પરંતુ કમ ભાગ્ય એ છે કે ચોમાસામાં ઘૂંટણ સમા પાણીમાં ડૂબાડૂબ વિસ્તારો ઉનાળામાં પાણી માટે વલખાં મારે છે. પાણી ભૂગર્ભમા ઉતારવું આપણા સૌના હાથમાં છે. કાર્ય કરવાનો સમય હવે છે.કાલે બહુ મોડુ થઈ જશે. એક સારો વિચાર કે કાર્ય આખા ગામ ,નગર કે દેશને ઉન્નત બનાવી શકે છે.

-નિતિન એલ.પટેલ (વડગામ)

6 Comments
  1. Sameer Vaja 3 years ago
    Reply

    ખૂબ જ માહિતીસભર આર્ટિકલ.

  2. Pulin Bhatt 3 years ago
    Reply

    આંખ ઉઘાડતો લેખ.. આવનારી પેઢી નું ભવિષ્ય વિચારી ને ય અમલ માં મુકવા જેવું ખરું.. જળ એ જ જીવન

  3. Zalak Amin 3 years ago
    Reply

    Very useful and informative article. Thanks for posting it.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More