જળસંચય પર્યાવરણ પ્રવાસ મુલાકાત

સરસ્વતી પરિક્રમા – ૧ જુન થી ૫ જુન – ૨૦૨૨

વિશ્વમાં ભૂગર્ભ જળ જે પ્રમાણે ઘટી રહ્યું છે અને વસ્તીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, એ જોતાં આવનાર સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની મહિલા મીના થાબા એ આ સમસ્યા પ્રત્યે દુનિયાનું ધ્યાન દોરાય અને જનજાગૃતિ આવે એ આશયથી ૧ જુનથી પાંચ જુન-૨૦૨૨ વચ્ચે રન ફોર રીવર નામે એક અભિયાન ચલાવ્યું હતું. અમે પણ પાંચેક મિત્રો આ અભિયાનમાં જોડાયા જેમાં અમે અમારા વિસ્તાર વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીની પરિક્રમાએ જવાનું નક્કી કર્યું. અંબાજીના કોટેશ્વરથી ઉદ્દગમન પામી કચ્છના નાના રણમાં લુપ્ત થતી સરસ્વતી નદી ઘણા વર્ષોથી માત્ર ચોમાસું નદી બનીને રહી ગઈ છે હવે એ બારમાસી નદી નથી. ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં વધુ વરસાદ પડે અને નદીમાં પાણી આવે તો વડગામ તાલુકના મોકેશ્વર ગામ નજીક બાંધવામાં આવેલ મુક્તેશ્વર ડેમ ભરાય એટલી એની ઉપયોગીતા રહી ગઈ છે.


પરિક્રમા માટે અમે સરસ્વતી નદી પસાર થતી હોય તેવા ત્રણ પોઈન્ટ નક્કી કર્યા (૧) લુખાસણ થી ઉમરેચા ડેમ (૨) શેરપુરા –શેભર (૩) મુક્તેશ્વર. અમે શરૂઆત કરી સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામથી. લુખાસણ ગામના સરપંચ પણ અમારી સાથે જોડાયા. ગામથી પૂર્વ દિશાએ આગળ જતા ઉમરેચા ડેમ આવે છે. લુખાસણ ગામમાં સરસ્વસ્તીને કિનારે હનુમાનનું મંદિર આવેલું છે. આ મંદિર પરિસરની જગ્યાને રીનીવેટ કરવામાં આવે તો સરસ્વતી નદીને કિનારે રમણીય ધાર્મિક અને પર્યાવરણીય સ્થળ તરીકે વિકસી શકે એમ છે.

અમે કોરી નદીની પરિક્રમાની શરૂઆત કરી એટલે સ્વાભાવિક છે કે થોડી નિરાશા જરૂર થાય. કુંવારિકા બે કાંઠે વહેતી હોય તો એનું રૂપ અને આસપાસનું વાતાવરણ કેવું હોય એની કલ્પના અમે કરી શકતા હતા. ૨,જુન ૨૦૨૨ ના રોજ લુખાસણથી સવારે ૬.૩૦ કલાકે સરસ્વતીના પટમાં પરિક્રમા માટે અમે ઉતર્યા એટલે અલૌકિક અનુભૂતિ જરૂર અનુભવી એટલો અહેસાસ તો થયો કે નદી વહેતી હોય કે સુકી એની ઔરા અલગ જ હોય છે અને એનો અનુભવ અમને ક્ષણે ક્ષણે થઈ રહ્યો હતો. આડેધડ ર્રેત ખનન થી નદીના પટની દશા અને દિશા બદલાઈ ચૂકી છે. આપણી કલ્પનાનો સપાટ દેખાવો જોઈતો નદીનો પટ જોવા મળ્યો નહી.

લુખાસણ થી ઉમરેચા ડેમ વચ્ચેની નદીનો પટ એટલો વિશાળ નથી. રેત ખનન માટે આવતા વાહનોથી નદીના પટ્ટની વચ્ચે કાચા ધુળીયા રસ્તાઓનું નિર્માણ થયું છે. ઠેર ઠેર કોઈ મંદિરના ભગ્ન અવશેષો પડેલા જોવા મળ્યા. કોઈ વખત નદીના પ્રવાહમાં ઢસડાઈને આવ્યા હોય અથવા તો રેત ખનન દરમિયાન દટાયેલા નીકળ્યા હોય એ બની શકે. નદીનો પટ ચોખ્ખો છે. બાવળિયા, ઝાડી –ઝાંખરા ઓછા ઉગ્યા છે તેમજ આ પટ માં કચરાનું પ્રમાણ નહીવત છે. અમારી સાથે નદીની પરિક્રમા કરી રહેલા લુખાસણ ગામના સરપંચ અમને નદીના ભવ્ય ઇતિહાસ અને સ્થાનિક પરિસ્થિતિ વિષે અવગત કરાવી રહ્યા હતા. કોરી નદીના કોતરો અને પટની ધૂળના દર્શન કરતા કરતા અમે સરસ્વતી નદી પર બાંધવામાં આવેલા ઉમરેચા ચેક ડેમ પહોંચ્યા અન્ય ચેક ડેમોની તુલનાએ આ તો મીની ડેમ જ કહેવાય એટલો મજબૂત અને જમીન સંપાદન સહીત કુલ ૨૭ કરોડના ખર્ચે આ ચેક ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ પરીણામ શૂન્ય કારણકે ટીપુંયે પાણી આ ચેકડેમમાં જોવા મળ્યું નહિ. ઈમારત બુલંદ પણ પરીણામ શૂન્ય. સરસ્વતી ચોમાસામાં વહે તો થોડું પાણી ચોક્કસ ભરાય પણ મોટેભાગે તો સરસવતી નદી બારમાસી નદી ન હોવાથી કોઈ વર્ષ ભારે વરસાદની લોટરી લાગે તો જ આ ડેમ જીવંત બને પણ એ શક્યતાઓ ખૂબ ધૂંધળી બની ચૂકી છે. ઉમરેચા ડેમ થી પાંચ- છ કિમી દૂર લુણવા ગામે ધરોઈ કેનાલ આવે છે આ કેનાલ મારફ્ત ઉમરેચા ચેક ડેમ ને જીવંત કરી શકાય બીજા ઓપ્શન માં ડાવોલ સુધી નર્મદાનુ જે પાણી આવે છે એણે ઉમરેચા ચેક ડેમ સુધી લાવી શકાય. આ ડેમ ભરવામાં આવે તો વડગામ તેમજ સિદ્ધપુર તાલુકાના ૧૦ કિમી ના અંતરમાં આવેલ ૨૫ ગામોને આ ચેક ડેમના પાણીનો લાભ મળી શકે છે. લુખાસણથી ઉમરેચા ડેમ સુધીની પરિક્રમા પૂર્ણ કરી નદીની વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરી પરત ફર્યા.


સરસ્વતી નદીની પરિક્રમાના બીજાં દિવસે અમે શેરપુરા શેભરથી પસાર થતી નદીના પટમાં રાબેતા મુજબ સવારે ૬.૩૦ કલાકે પહોંચ્યા શેરપુરા થી શેભર જવા નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે જેથી સરળતાથી વાહનો શેભર જઈ શકે. સરસ્સ્વતીના આ વિસ્તારની નદીના પટની દશા દયનીય છે. જો કે શેભરના ભોખરાઓને લીધે દ્રશ્ય થોડું રમણીય લાગે ખરું પણ નદીના પટમાં અસંખ્ય બાવળિયા ઊગી નીકળ્યા છે તો આડેધડ રેત ખનનનો પ્રશ્ન અહી પણ એટલો જ જોવા મળ્યો. ધાર્મિકતાના નામે અહી મૂર્તિઓ કચરા સ્વરૂપે જવા મળી નદીના પટને ડમ્પીંગ સાઈટ બનાવી દેવામાં આવ્યો છે. નદી એનું અસલ સ્વરૂપ ખોઈ ચુકી છે. નદીના પટનો વિસ્તાર કેટલો હશે એ શોધવું મુશ્કેલ પડે એવું છે. ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી આવે ત્યારે આવી જગ્યાઓએ ન્હાવા ઉતારવું જોઈએ નહી કારણ કે રેત ખનન ને કારણે નદીના પટમાં અનેક ખાડાઓનું નિર્માણ થયું છે. કાંટાળા બાવળીયા ઉભા છે. પુલ જોડે પથ્થરો પડ્યા છે એટલે ચોમાસામાં પાણી જોઈને વગર વિચારે કુદી પડવું નહી દુર્ઘટના સર્જાવાની શક્યતા સર્જાઈ શકે છે. વહેતી નદી આ વિસ્તારનું સમગ્ર સ્વરૂપ બદલી શકવા સમર્થ છે પણ એ દિવસો ક્યારેક ચોમાસા માં સારો વરસાદ થાય તો જ જોવા મળી શકે કારણક કે વડગામ માંથી પસાર થતી સરસ્વતી બારમાસી નદી રહી નથી.


સરસ્વતી નદીના ત્રીજા દિવસે અમે વહેલી સવારે મુક્તેશ્વર પહોંચ્યા. મુક્તેશ્વર એ વડગામ તાલુકાનું રમણીય સ્થળ ડુંગર અને ડેમને કારણે તો કુદરતી સૌન્દર્ય વધે જ છે પણ એનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ છે. પાંડવો વનવાસ દરમિયાન અહી રોકાયા હતા. પિતૃ તર્પણ નો પણ અહી અનેરો મહિમા છે. સરસ્વસ્તીનું જે ઉદ્દગમ સ્થાન છે તે અંબાજીના કોટેશ્વર પાસે પણ ધાર્મિક વિધિઓ થાય છે તેમજ ત્યાં અંતિમધામ પણ છે એ જ રીતે વડગામ તાલુકાના મુક્તેશ્વરમાં પણ સરસ્વતી નદી કિનારે ધાર્મિક વિધિઓ થાય છે તેમજ આજુબાજુના ગામડાઓના લોકો દ્વારા સરસ્વતી નદી નવીન અંતિમધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આગળ જતા સિદ્ધપુર મુકામે પણ સરસ્વતી નદી કિનારે માતૃ તર્પણ વિધિ તેમજ આધુનિક મુક્તિધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ સંબાજી ના કોટેશ્વર થી પ્રગટ થઈ વાયા મુક્તેશ્વર (વડગામ), સિદ્ધપુર, પાટણ વરાણા થી વાવલથી નીકળી રાફૂ જોડે નીલકંઠ મહાદેવથી નીકળી રણમાં વિલીન થાય છે એ સરસ્વતી નદી બારમાસી નદી ભલે ન રહી હોય પણ એનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ કેટલું છે એ સમજી શકાય છે ઉપરાંત ક્રોન્ક્રીટના જંગલો ઊભા કરવા નદીનું પેટ ચીરીને આડેધડ રેત ખનન કરીએ છીએ, એના ઉપર અતિક્રમણ કરીએ છીએ, કૂડો કચરો ઠાલવિએ છીએ મૃત નદીનો આવો અને આટલો ઉપયોગ કરીએ છીએ છતાં આપણે ક્યારેય નદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે?? સરસ્વતીનું અસલરૂપ જોવું હોય તો ક્યારેક ચોમાસામાં ભારે વરસાદ પડે એટલે દર્શન કરી આવજો. નદીનું સમગ્ર ઇકો સિસ્ટમ જાળવામાં કેટલું યોગદાન છે એ સમજાઈ જશે. અમે મુક્તેશ્વરમાં સરસ્વસ્તીની સાક્ષીએ વહેલી સવારનો આનંદ માણી રહ્યા હતા.

દરમિયાન અમે ડેમ વિસ્તારમાં જવાનું નક્કી કર્યું કારણ ડેમની અંદર જઈ શકાય એટલું ઓછું પાણી જીવનમાં પહેલીવાર જોયું. અમે ડેમ વિસ્તારમાં પ્રવેશ્યા એટલે પહેલી નજરે એવું ભ્રમણા થઈ કે શું સ્ર્સ્વસ્તી નદી વહી રહી છે એક જીવંત નદી વહેતી હોય એવો આભાસ થયો કારણ કે અમારી પરિક્રમા દરમિયાન અમને પહેલી વાર નદી જેવું વાતાવરણ આ ડેમના લીધે જોવા મળ્યું. જો કે ડેમ પણ મુક્તેશ્વર નદી ઉપર જ બાંધવામાં આવ્યો છે. ડેમના પાણી ઓસરતા એની કાંપની ફળદ્રુપ માટી ખેતી માટે કેટલી ઉપયોગી થઈ શકે એ સમજાયું. ઠેર ઠેર છીપલાં વેરાયેલા પડ્યા હતા. ડેમની ભીની કાંપ ની માટી ઉપર ચાલવું જોખમ ભરેલું હતું કારણ કે ક્યારે અંદર ઉતરી જવાય એનું નક્કી નહી. શુદ્ધ હવા અને કુદરતી વાતાવરણ મનને પ્રફુલ્લિત કરી રહ્યું હતું. ડેમ પાસે જૂની પુરાણી હોડકી પડી હતી પાંડવા સરપંચે અમને જળચર જીવો વચ્ચે ડેમમાં બોટિંગ કરાવ્યું. જો નદીને જીવંત કરવાના પ્રયાસો કરવામાં આવે તો સમગ્ર વિસ્તાર એક ટુરીસ્ટ પ્લેસ તરીકે વિકસી શકે એમ છે. વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીના માધ્યમથી ભૂગર્ભ જળ સમસ્યા ના ઘણા ઉકેલ મળી શકે એમ છે એનુ વિગતવાર સંશોધન અને માહિતી અમે આ બ્લોગ ના માધ્યમથી લખતા રહીશું. અમારી સમગ્ર માઈક્રો પરિક્રમા દરમિયાન અમારી સાથે સહભાગી થનાર પ્રો. અશોક્ભાઈ ચૌધરી (ગુંજા) , પ્રો. મેહુલભાઈ પટેલ (વડગામ) , હારૂનભાઈ વિહારી (મેપડા), સરપંચ શ્રી (લુખાસણ) , ચામુંડા માતાજી મહંત મધુરગીરી બાપુ , ઈજનેર શ્રી આર.ડી. ચૌધરી (મુક્તેશ્વર ડેમ ), સરપંચ શ્રી (પાંડવા ) , જાગીરદાર આગેવાન (પાંડવા) , મિત્ર જુલ્ફિકાર આ તમામ નો આભાર માનું છું. સ્રસ્વસ્તી ની આગામી પરિક્રમા / મુલાકાત તેમજ સ્રસ્વસ્તી નદીને જીવંત કરવા શું કરી શકાય એના ઉપાયો શોધતા નવી નવી માહિતીઓ આપ સમક્ષ મુકતા રહીશું. આપ સૌ એ આટલા સુધી રસપૂર્વક સરસ્વતી પરિક્રમાનો લેખ વાંચ્યો તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.

સરસ્વતી નદી પરિક્રમા ના ભાગ – ૧ થી ભાગ -૩ ના વિડીયો નીચે મુકેલ છે જે આપ જોઇ શકો છો.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More