પ્રવાસ મુલાકાત

હરિશ્ચંદ્રગઢ : સહ્યાદ્રીની ગોદમાં વસેલો ઇતિહાસ, આસ્થા, સાહસ અને કુદરતી સૌંદર્યનો અનોખો વારસો

સહ્યાદ્રીની પર્વતમાળાની મુલાકાતનો મારો આ ત્રીજો અવસર હતો. સહ્યાદ્રીની પર્વતમાળામા આવેલ વલસાડના પારનેરા ડુંગર ઉપર બે વાર ટ્રેકિંગ કરેલું બાદ સાપુતારાની મુલાકાત કરેલી અને ત્રીજી વખત ગાંધીનગર સ્થિત પર્વતમ ટ્રેકિંગના મિત્રો સાથે મહારાષ્ટ્રના નાસિક નજીક એહમદનગર જિલ્લામાં આવેલ હરિશ્ચંદ્ર ગઠ ટ્રેકિંગ માટે જવાનો સુઅવસર પ્રાપ્ત થયો.

પર્વતમ ટ્રેકિંગ ગ્રૂપ માં આ ટ્રેકિંગ ટુર સાથે જોડાયેલા મોટાભાગના મેમ્બર્સ યંગસ્ટર હતા એટલે સમગ્ર ટ્રેકિંગ ટૂર ઉર્જાવાન રહેવાની પહેલેથી ખાતરી હતી. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા,સુરત થી વિવિધ ક્ષેત્રે કાર્યરત અંદાજીત ૩૬ વ્યક્તિઓનું ગ્રૂપ ૧૧, મી જુનની સાંજે ગાંધીનગરથી વાયા અમદાવાદ, વડોદરા, ભરૂચ, સાપુતારા થઈ મહારાષ્ટ્રમાં આવેલ હરિશ્ચંદ્ર ગઢની ચઢાઈ કરવા વહેલી સવારે પહોંચ્યા. જો કે રસ્તામાં અન્ય મિત્રોને લેવાના હોવાથી તેમજ ટ્રાફિક સમસ્યાને લિધે અમારે સવારે ૬.૦૦ વાગે પહોંચવાની જગ્યાએ સવારના નવ વાગી ગયા એટલે આયોજકોએ તળેટીમાં જમીને જ હરિશ્ચંદ્ર ગઢ ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું. જમવાનું બને ત્યાં સુધી અમારી જોડે ખાસ્સો એવો સમય હતો એટલે પર્વતમ ટ્રેકિંગના આયોજકો અનુક્રમે પ્રિતેશભાઈ અને અજયભાઈ એ નજીકમાં આવેલ હમચાગોડા ટ્રેક નું આયોજન કરી દીધું અને અમે સૌ અમારી રીતે સવારની દૈનિક ક્રિયાઓ ઝટપટ આટોપી ચા- નાસ્તો કરી ઝડપભેર તૈયાર થઈ ગયા. ટ્રેકિંગ ની જગ્યાઓ મોટેભાગે જંગલમાં હોય અને એમાંય એક બે દિવસ રોકાવાનું હોય ત્યારે ત્યાં કોઈ વિશેષ સુવિધાઓ ન મળે તમારે પરિસ્થિતિઓને એડજસ્ટ થતાં શીખી જવું પડે. અમારી સાથે ટ્રેકિંગ માં જોડાયેલ બધા જ મિત્રો આ બાબતે એકટીવ હતા અને સૌએ પોતાને પરિસ્થિતિઓ સાથે એડજસ્ટ કરી લીધા હતા. ઝડપભેર તૈયાર થઈ અમે હરિશ્ચંદ્ર ગઢ વિસ્તારમાં જ આવેલ સુંદર પોઈન્ટ જોવા રવાના થયા. અદ્દભુત પ્રાકૃતિક જગ્યા હતી. વનવિભાગે આ જગયાને ટુરિઝમ પેલેસ તરીકે વિકસાવવા પ્રયત્ન કરી રહ્યું છે.

કોઈ હોલીવુડ ફિલ્મના સેટ ઉપર આવી ગયા હોય એવી વિવિધ આકાર ધરાવતા પથ્થરોની ભવ્ય ખાઈ ધરાવતી આ જગ્યા અતિ સુંદર લાગી રહી હતી .અહીં ધોધ પડતો હોય એ નજારો અલૌકિક જોવા મળે પરંતુ હજુ વરસાદ પડ્યો ન હોવાથી અમને ઝરણાં અને ધોધ જોવા ન મળ્યા. આ જગ્યાએ ફોટોગ્રાફી કરી અમે તળેટીના બેઝ કેમ્પ પરત ફર્યા ત્યારે બપોરના બાર – સાડાબાર વાગી ચુક્યા હતા. જમવાનું તૈયાર હતું. અમને સૌને ભૂખ પણ બરાબરની લાગી હતી એટલે સ્વાદિષ્ટ ભોજન કર્યા બાદ હરિશ્ચંદ્ર ગઢ ઉપર ટેન્ટ માં રાત્રી રોકાણ કરવાનું હોવાથી જરૂરી સામાન પેક કરી હરિશ્ચંદ્ર ગઢ ટ્રેકિંગ માટે તૈયાર થઈ ગયા. અહીં પાણીની ખૂબ જ તકલીફ છે એટલે પીવાના પાણીની મોંઘી બોટલો ખરીદ કરવી પડે કારણ કે ટ્રેકિંગ દરમિયાન પીવાના પાણીની જરૂરિયાત સૌથી વધુ રહેવાની. બપોરે ૨.૩૦ વાગે ગરમી માં હરિશ્ચંદ્ર ગઢ નું ટ્રેકિંગ શરુ થયું. ખરા બપોરે તો કોઈ પર્વતનું ટ્રેકિંગ હું પહેલી વાર કરી રહ્યો હતો અને એ પણ જમ્યા બાદ એટલે આ ટ્રેકિંગ થોડું ટફ બનવાનું હતું એ નક્કી અને એમાં પણ અમે આ ટ્રેકિંગ ના થોડા સમય પહેલા ટ્રેકિંગ કરીને આવ્યા હતા એટલે પગ તો એનો જવાબ આપી રહ્યા હતા. ૨૮૦૦ થી ૩૦૦૦ ફૂટ નું ચઢાણ ખરા બપોરે શરૂ કરવું એ સૌથી મોટું સાહસ‌ હતુ પણ અમે સૌના સાથ સહકાર થકી એ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

સહ્યાદ્રી પર્વતમાળામાં કેટલાક સ્થળો એવા છે કે જ્યાં પહોંચ્યા પછી માત્ર પ્રવાસ પૂર્ણ થતો નથી, પરંતુ એક નવી અનુભૂતિની શરૂઆત થાય છે. ઘન જંગલો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો, પ્રાચીન મંદિરો, રહસ્યમય ગુફાઓ, આકાશને અડતું શિખર અને રોમાંચથી ભરપૂર ટ્રેકિંગ માર્ગો હરિશ્ચંદ્રગઢને ભારતના સૌથી વિશિષ્ટ ગઢોમાં સ્થાન અપાવે છે. મહારાષ્ટ્રના અહમદનગર અને પુણે જિલ્લાની સરહદે આવેલો હરિશ્ચંદ્રગઢ હજારો વર્ષના ઇતિહાસ, ધાર્મિક પરંપરા અને અદભુત કુદરતી સૌંદર્યનો જીવંત સાક્ષી છે. દર વર્ષે હજારો ટ્રેકર્સ અહીં આવે છે, પરંતુ અહીં પહોંચ્યા પછી દરેકને લાગે છે કે તેઓ માત્ર એક ગઢ નહીં, પરંતુ ઇતિહાસના જીવંત પાનાંઓ વચ્ચે ફરી રહ્યા છે.

હરિશ્ચંદ્રગઢનો ઇતિહાસ લગભગ 1400 વર્ષથી પણ વધુ જૂનો હોવાનું માનવામાં આવે છે. વિવિધ ઐતિહાસિક સંદર્ભો દર્શાવે છે કે રાષ્ટ્રકૂટ, ચાલુક્ય અને યાદવ રાજવંશોના સમયમાં આ વિસ્તારનું વિશેષ મહત્વ હતું.
પછીના સમયમાં બહમની સલ્તનત, મુઘલો અને મરાઠા સામ્રાજ્યના શાસન હેઠળ પણ આ ગઢ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રહ્યો હતો. સહ્યાદ્રીના અગત્યના ઘાટમાર્ગો પર નજર રાખવા માટે ગઢનો ઉપયોગ થતો હતો.

હરિશ્ચંદ્રગઢનું નામ સાંભળતાં જ સત્ય અને ધર્મનિષ્ઠાના પ્રતિક રાજા હરિશ્ચંદ્રની યાદ આવે છે. લોકમાન્યતા મુજબ ગઢનું નામ તેમના પરથી પડ્યું હોવાનું કહેવાય છે. જોકે ઇતિહાસમાં તેનું સ્પષ્ટ પ્રમાણ ઉપલબ્ધ નથી.
બીજી માન્યતા અનુસાર ગઢ પર આવેલ હરિશ્ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કારણે ગઢને હરિશ્ચંદ્રગઢ તરીકે ઓળખવામાં આવવા લાગ્યું. ગઢના મધ્ય ભાગમાં આવેલ હરિશ્ચંદ્રેશ્વર મહાદેવ મંદિર તેની ભવ્યતા અને કોતરણી માટે પ્રસિદ્ધ છે. કાળા પથ્થરમાંથી બનેલું આ મંદિર મધ્યયુગીન સ્થાપત્યકલાનું ઉત્તમ ઉદાહરણ છે.
મંદિરની આસપાસનું શાંત વાતાવરણ અને પર્વતોની વચ્ચે ગુંજતો ઘંટારવ પ્રવાસીઓને એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે.

ગઢ પર આવેલી કેદારેશ્વર ગુફા હરિશ્ચંદ્રગઢના સૌથી રહસ્યમય સ્થળોમાંની એક છે. પાણીથી ઘેરાયેલા વિશાળ શિવલિંગને જોવા માટે મુલાકાતીઓ ઠંડા પાણીમાંથી પસાર થાય છે.પણ‌ અમે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી એ સમયે પાણી ભરાયેલુ ન હતું ,કદાચ વરસાદના સમયે એમાં પાણી ભરાતું હશે એવું માની શકાય. શિવમંદિર અને કેદારેશ્વર ગુફા ભૂગર્ભમાં છે. સ્થાનિક લોકકથાઓ અનુસાર ગુફાના ચાર સ્તંભ ચાર યુગોનું પ્રતિક છે. આજે માત્ર એક સ્તંભ બાકી રહ્યો હોવાનું માનવામાં આવે છે.

રાત્રી રોકાણ હરિશ્ચંદ્ર ગઢ ઉપર જ ખુલ્લી જગ્યામાં ટેન્ટ બાંધી ને કર્યું. રાત્રે ભારે ઠંડો પવન અને વાદળોએ અમને જાણે ભરડામાં લીધા હોય એવું ભારે ધુમ્મસ કોઈ કોઈને દેખાય નહીં એવો ઘાટ ઘડાણો. વાતાવરણ માં આવેલ અચાનક પલટાને લીધે થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ આ તો સફરની મજા છે જ્યાં કંઈ પણ નિશ્ચિત નથી. રાત્રે ઝોલા ખાતા ટેન્ટમાં પણ મસ્ત નિંદર આવી. વહેલી સવારે વાતાવરણની પરિસ્થિતિમા કોઈ ફેર પડ્યો ન હતો ભારે ધુમ્મસ વચ્ચે અમે સૌ તારામતિ શિખર સર કરવા આગળ વધ્યા.

હરિશ્ચંદ્રગઢની મુલાકાત તારામતી શિખર વિના અધૂરી ગણાય. સમુદ્ર સપાટીથી આશરે 1,431 મીટર (4,695 ફૂટ) ઊંચાઈ ધરાવતું તારામતી શિખર હરિશ્ચંદ્રગઢનો સૌથી ઊંચો બિંદુ છે. સહ્યાદ્રીના આ ભવ્ય શિખર પરથી આસપાસની ખીણો, પહાડો અને દૂર સુધી ફેલાયેલ કુદરતી દૃશ્યો નજરે પડે છે. સૂર્યોદય સમયે અહીંનું દૃશ્ય અદભુત હોય છે. ધીમે ધીમે સૂર્યના કિરણો વાદળો અને પહાડો પર પથરાતા જાય છે અને આખી સહ્યાદ્રી સોનેરી રંગમાં રંગાઈ જાય છે. કમનશીબે અમે જ્યારે હરિશ્ચંદ્ર ગઢથી તારામતિ શિખર સુધી ટ્રેકિંગ કરી પહોંચ્યા એ સમયે વાતાવરણમાં જબરજસ્ત પલ્ટો આવ્યો હતો અને ભયંકર ધુમ્મસ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી આ શીખર પરથી આજુબાજુનું આહલાદક વાતાવરણ અને‌ સૂર્યોદય જોવાનો નઝારો અમે ચૂકી ગયા. ઘણા ટ્રેકર્સ માટે તારામતી શિખર સુધી પહોંચવું સમગ્ર ટ્રેકનો સૌથી યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ હોય છે એની અનુભૂતિ અમે ભરપૂર માણી.

હરિશ્ચંદ્રગઢનું સૌથી પ્રસિદ્ધ આકર્ષણ કોકણકડા છે. અર્ધચંદ્રાકાર આ વિશાળ ખડક સહ્યાદ્રીના સૌથી ભવ્ય દૃશ્યબિંદુઓમાંનો એક ગણાય છે. અહીં ઊભા રહીને હજારો ફૂટ ઊંડી ખીણો અને દૂર સુધી ફેલાયેલો કોકણ વિસ્તાર જોઈ શકાય છે. ચોમાસામાં વાદળો જાણે તમારા પગ નીચે વહેતા હોય એવો અનુભવ થાય છે.
સૂર્યાસ્ત સમયે અહીં ઊભા રહીને કુદરતનો નજારો માણવો એ જીવનના યાદગાર અનુભવોમાંનો એક બની જાય છે.

હરિશ્ચંદ્રગઢ ટ્રેકિંગ માત્ર શારીરિક પડકાર નથી, પરંતુ કુદરત સાથેનો જીવંત સંવાદ છે. પાચનઈ માર્ગ નવા ટ્રેકર્સ માટે સરળ માનવામાં આવે છે. જ્યારે ટોલાર ખીંડ અને નાળીચી વાટ જેવા માર્ગો વધુ રોમાંચક અને પડકારજનક અનુભવ આપે છે. માર્ગમાં મળતા ધોધો, જંગલો, ખીણો અને ઠંડો પવન આખી સફરને યાદગાર બનાવી દે છે. ઘણા ટ્રેકર્સ હરિશ્ચંદ્રગઢ પર રાત્રિ રોકાણ કરવાનું પસંદ કરે છે. શહેરોના પ્રકાશથી દૂર હોવાથી અહીં રાત્રે આકાશમાં અસંખ્ય તારાઓ સ્પષ્ટ દેખાય છે. તારામતી શિખર અને કોકણકડાની આસપાસનું તારાઓથી ઝગમગતું આકાશ પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન અનુભવ આપે છે.અમારા ટ્રેકિંગ સમય દરમિયાન મોટેભાગે વાતાવરણ વાદળછાયું અને ધુમ્મસ હોવાથી આ ગઢની ઉપર અમે રાત્રી રોકાણ તો કર્યું પણ રાત્રીના સમયમાં અદ્દભુત કુદરતી દ્રશ્યો માણવાનું ચુકી જવાયું. અહીં ઇતિહાસ છે… અહીં આસ્થા છે… અહીં સહ્યાદ્રીનું ભવ્ય સૌંદર્ય છે… અહીં સાહસ છે… અહીં તારામતી શિખરની ઊંચાઈ છે… અને અહીં મનને શાંતિ આપતી કુદરતની અનંત નિરવતા છે.

હરિશ્ચંદ્રગઢ માત્ર એક કિલ્લો કે ટ્રેકિંગ સ્થળ નથી. તે સહ્યાદ્રીના ગૌરવશાળી ઇતિહાસ, આધ્યાત્મિક પરંપરા અને અદભુત કુદરતી વૈભવનું જીવંત પ્રતિક છે. કોકણકડાની ભવ્યતા, કેદારેશ્વર ગુફાનું રહસ્ય, હરિશ્ચંદ્રેશ્વર મંદિરની પ્રાચીનતા અને તારામતી શિખરની ગૌરવશાળી ઊંચાઈ દરેક પ્રવાસીને જીવનભર યાદ રહે એવી અનુભૂતિ આપે છે. જો તમે સહ્યાદ્રીને સાચા અર્થમાં સમજવા માંગતા હોવ, તો હરિશ્ચંદ્રગઢની મુલાકાત તમારા જીવનની યાદગાર સફરોમાંની એક બની રહેશે.

હરિશ્ચંદ્રગઢ્ની યાદગાર મુલાકાત બાદ પાછા ફરતા અમે પ્રવરા નદીને કિનારે સ્થિત કેમ્પ સાઇટ્મા રાત્રે ટેન્ટમા રોકાયા. અંહી પ્રાકૃતિક વાતવરણ વચ્ચે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામા આવી છે, આ અભ્યારણની જગ્યા છે જ્યા વાઘ સહીત વન્ય પ્રાણીઓનો વસવાટ કરે છે.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

હરિશ્ચંદ્રગઢ : સહ્યાદ્રીની ગોદમાં વસેલો ઇતિહાસ, આસ્થા, સાહસ અને કુદરતી સૌંદર્યનો અનોખો વારસો

સહ્યાદ્રીની પર્વતમાળાની મુલાકાતનો મારો આ ત્રીજો અવસર હતો. સહ્યાદ્રીની પર્વતમાળામા આવેલ વલસાડના પારનેરા ડુંગર ઉપર બે વાર ટ્રેકિંગ કરેલું બાદ સાપુતારાની મુલાકાત કરેલી અને...
Read More
post-image
જનરલ મુલાકાત

ટૂંડેશ્વરના ભોખરાનું ટ્રેકિંગ

૧૯,માર્ચ, ૨૦૨૬ ના રોજ પાલનપુર ટ્રેકિંગ ગ્રુપ, કાણોદર સાઇક્લિંગ ગ્રુપ, પલનપુર ડોકરા ક્લબ, પાલનપુર ગાર્ડન ક્લબના મિત્રો સાથે વડગામ તાલુકના ધોરી ગામ નજીક પસાર...
Read More
post-image
જનરલ મુલાકાત

વિપ્શ્યનામાં દસ દિવસ.

કર્મ સંયોગે ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકના બાડા સ્થિત કચ્છ વિપશ્યના  સાધના કેંદ્રમાં(ધમ્મા સિંધુ) દસ દિવસ વિપ્શ્યના કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પશ્ય...
Read More
post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More