પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત ઉપર ટ્રેકિંગ કરવા જઈ રહ્યો હતો. મારી સાથે જેશોર ટ્રેકિંગ ના અનુભવી ટ્રેકર અને પક્ષીઓની ગણતરીમાં જેમની મહત્વપૂર્ણ કામગીરી છે એવા મિત્ર કૈલાશભાઈ જાની અને આધ્યાત્મિક જગતના અનુભવી કેશરભાઈ ડેલ જોડાયા હતા એટેલે સ્વાભાવિક છે કે જેશોર ટ્રેકિંગ અભ્યાસપૂર્ણ પણ બનાવનું હતું. અમે રાત્રી રોકાણ જેશોર પર્વત ઉપર કરવાનું નક્કી કર્યું હતું એટલે રાત્રી ભોજન માટે જરૂરી શાકભાજી અને બીજા દિવસ માટે જરૂરી થેપલા-દહી અને જરૂરી સામગ્રી લઈને અમે ૩૦ ડીસેમ્બરને બપોર પછી જેશોર તરફ પ્રયાણ કર્યું.

સાંજે ૩.૩૦ કલાકે જેશોર તળેટી પહોંચી અમે જાજરમાન જેશોર નું ચઢાણ શરૂ કર્યું. આજુબાજુ વિસ્તરેલી વિવિધ વનસ્પતિઓનું નિરિક્ષણ કરતા કરતા, ચોમાસુ વરસાદને ત્રણ – ચાર મહિના થઇ ગયા હોવા છતાં ક્યાંક ક્યાંક ઝરણાનો નાદ ધ્વની તન-મનને પ્રફુલિત કરતો હતો. કુદરતના કરિશ્માને નિહાળતા નિહાળતા કેદારનાથ માહાદેવ તરફ આગળ વધી રહ્યા હતા. કેદારનાથ મહાદેવ સુધી પગથીયાની વ્યવસ્થા કરેલી અને કેદારનાથ મહાદેવ સુધી લોકોની ચહલ -પહલ પણ વધુ જોવા મળે છે. કોઈ શાળા માંથી બાળકોનો પ્રવાસ આવેલો હતો એટલે શાંત વાતાવરણમાં ઘોંઘાટ વધુ હતો. અંદાજીત એક કલાક ના ચઢાણ બાદ અમે કેદારનાથ મહાદેવ પહોંચ્યા.

પહાડ અને જંગલો વચ્ચે ઘેરાયેલ આ વિસ્તાર વનવૈભવથી ભર્યો છે. વિવિધ પ્રજાતિના વન્ય પશુઓ અને વૃક્ષ વૈભવથી સમૃદ્ધ આ વિસ્તાર રીંછ અભ્યારણ તરીકે પણ જાણીતો છે. કેદારનાથ મહાદેવજી પરિસરમાં ગંગા જમાના કુંડ આવેલો છે , આ કુંડમાં વર્ષો થી પાણી ખૂટ્યું નથી. દુષ્કાળના સમયે પણ આ કુંડ માં પાણી સચવાઈ રહ્યું છે. સતયુગમાં ભગવાન કેદારનાથ સ્વંયભુ પ્રગટ થયા બાદ દ્રાપરયુગમાં પાંડવોએ વનવાસ દરમિયાન અહી રાત્રી નિવાસ કર્યો હતો એ સમયે અહીં પાણીની વ્યવસ્થા ન હતી ત્યારે પાંડવોએ શિવ-આરાધનાથી અહીં ગંગાજી – જમનાજીની ધારા પ્રગટ કરી હતી. ત્યારથી આ જળ અંખડ અવિરત છે. પાંડવો એ આ જળ દ્વારા કેદારનાથનો અભિષેક કર્યો હતો. ત્યારથી આજદિન સુધી આ જળ ગંગાજી – જમનાજીનું જળ જ છે. આ જળનો દરેક શુભ કાર્યોમાં ઉપયોગ થાય છે. આ જળ વડે સ્નાન કરવાથી ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અહી દાન કરવાથી ગંગાતટના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પાંડવો વનવાસ દરમિયાન બનાસકાંઠા માંથી પસાર થતી અરવલ્લીની ગિરિમાળાઓમાં વધુ ભ્રમણ કર્યું છે એના પુરાવા અનેક છે.

કેદારનાથ મહાદેવજી, ગંગા-જમના કુંડ ઉપરાંત આ જગાએ એક અલૌકિક ગુફા પણ અવેલી છે , જ્યાં તપસ્વી સંત પૂ. શિવગીરી બાપુએ અખંડ ધુંણી ધખાવી તપસ્યા કરી હતી. કેદારનાથ મહાદેવ, ગંગા – જમાના કુંડ અને પૂ. શિવગીરી બાપુની ધુંણીના દર્શન કર્યા . દેવસ્થાનના પૂજારીએ અમને આગ્રહપૂર્વક ચા પીવડાવી. આ જગ્યાએ હનુમાન ભક્ત વાનરો મોટી સંખ્યામાં જોવા મળે છે. દસ-પંદર મીનીટ વિરામ કર્યા બાદ અમે આગળ ઉપરના પડાવ મુનિજી ગુફા તરફ આગળ વધ્યા. હવે ખરો ટ્રેકિંગ પોઈન્ટ શરૂ થઇ રહ્યો હતો. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અમારા ત્રણ સિવાય કોઈ ચહલ પહલ ન હતી. આ વિસ્તાર એવો હતો કે જ્યાં રીંછ, દીપડા, ઝરખ કેવા વન્ય પ્રાણીઓ નિવાસ કરે છે અને મોટે ભાગે વન્યપ્રાણીઓ નિશાચર હોય છે એટલે સૂર્યાસ્ત બાદ તેઓ ખોરાકની શોધમાં બહાર આવતા હોય છે , તેમની પ્રકૃતિ વિષે પુસ્તકોમાં વાંચેલું એટલે ઘણી વખત વધુ પડતું જ્ઞાન પણ ભયનું કારણ બને. મનમાં દા’ડો આથમે એ પહેલા મુનિજી મંદિરે પહોંચી જવાની ઉતાવળ હતી . ઝાડી -ઝાંખરા વચ્ચે આવેલી પથરાળી કેડીએ અમે ક્યાંક ક્યાંક શાંત વાતાવરણ વચ્ચે સંભળાતા પક્ષીઓના કર્ણપ્રિય અવાજ ને માણતા માણતા આગળ વધી રહ્યા હતા. પક્ષી બોલે એનો અવાજ સાંભળી સાથી મિત્ર અમને એક પક્ષીઓનો પરિચય પણ જણાવતા રહેતા હતા. આખરે એક ક્લાકના ટેકિંગ બાદ મુનિજીની ગુફાએ પહોંચ્યા.

જંગલ અને પર્વતો પાસે અસીમ શક્તિ છે જેના આધારે તો માનવજીવન ટકી રહ્યું છે એમાં પણ સંતો -મહંતો -તપસ્વીઓની તપોભૂમિ અને એના દર્શન કરવા કોને ન ગમે. સંસાર ની તમામ સમસ્યાઓનું સમાધાન મળી જાય એવી ભૂમિ એટલે જંગલ , જંગલ અને પર્વતો માં તમને કુદરતના અનેક રહસ્યો ઉકેલાતા જોવા મળે.કુદરતનું રૂપ મનમોહક લાગે.

તળેટીથી ત્રણ કલાક જેટલું ચઢાણ કરીને અમે તપસ્વી સંત શિરોમણી 1008 દેવશ્રી મુનીજી મહારાજની ગુફાએ સાંજે છ વાગ્યા આસ પાસ પહોચ્યા. પૂ. મુનિ મહારાજે આ ગુફામાં ૫૦ વર્ષ સુધી મૌન પાળી આકરી તપસ્યા કરી હતી .અમીરગઢ ની પવિત્ર ભુમી પર દેવ ડુંગરપુરી, શિવગીરી બાપુ અને મૂનીજી મહારાજ જેવા સંતોના ભક્તિ સુરોથી આ ધરાને દેવભૂમિ નું બિરુદ મળેલ છે. મુનિજી ની ગુફા નજીક ભક્તો દ્વારા શ્રાવણ માસમાં ભજન કીર્તન થાય છે પણ અમે ગયા એ દિવસે પુજારી સહિત ત્યાં સેવા કામ કરતા બે વ્યક્તિ અને અમે ત્રણ એમ કુલ છ જણ અને આજુબાજુ અસીમ જંગલ , સાંજે પુજારી દ્વારા થતો શંખનાદ અને આરતી સમયે ઘંટનાદ , નગારા અમને આ પવિત્ર ભૂમિ ઉપર આધ્યાત્મિક અનુભવની સાથે સાથે અનહદ આનંદ આપી રહ્યો હતો ઉપર આકાશમાં ગાઢ અંધકારમાં ચમકતા આધ્યાત્મિક જગતના કુદરતી તારલીયા અને નીચે તળેટી માં આવેલ ગામડાઓમાં દેખાતા ભૌતિક જગતના ઇલેક્ટ્રિક તારલિયા અને પર્વતની ઊંચાઈ આ બે તારલીયાઓની વચ્ચે અમે. શું એ અદ્દભૂત દ્રશ્ય લાગતું હતું પર્વતની ઊંચાઈની જેમ અમે જાણે આધ્યાત્મિક ઊંચાઈ પણ પહોંચી ગયા હતા. મુનિજીની ગુફામાં પણ અમે આરતી સમયે જોડાયા. પવિત્ર ગુફામાં આરતી સમયે અલૌકિક અનુભૂતિ અનુભવાઈ રહી હતી જાણે અમે કોઈ બીજા લોકમાં આવી ગયા હોય એવું લાગી રહ્યું હતું.

લિમ્બારામે ચુલા ઉપર માટેની તવી ઉપર મસ્ત મજાના રોટલા બનાવ્યા એટલું જ સરસ શાક બનાવ્યું સાથે સાથે થોડાક મરચા વઘાર્યા. રાત્રે મુનિજી ગુફાએ આવેલા રસોડામાં અમે સાત્વિક વનભોજન લીધું. અહી આપણે અમુક નિયમો પાળવા પડે છે. ભોજન બાદ અમે જંગલનો રાત્રી નજારો માણી રહ્યા હતા. થોડી વારમાં અમે સિતારને સંગ ભજનની મઝા માણી અને ત્યારબાદ નિદ્રાદેવી ને શરણે ગયા…રાતભર જંગલમાં ચરતી ભેંસો ને ગળે બાંધેલી ટોકરીઓ રણકતી રહી અને હું જંગલની માયાને સમજવા મથતો રહ્યો.

વહેલી સવારે ૬.૦૦ વાગે ઊઠી તૈયાર થઇ ચા – પાણી કરી અમે મુનિજી મહારાજ ગુફાથી અગાઉનો પડાવ કહો કે ચઢાણ અમારે ત્રણ કલાક ટ્રેકિંગ કરી ગુજરાતના બીજા નંબર ના સૌથી ઊંચા અને તળેટીથી ૩૬૦૦ ફૂટ ઊંચા શિખર પર અમારે પહોંચવાનું હતું અને અમે એ માટે અમે સવારે સાત વાગે જંગલ માર્ગે કપરું પ્રયાણ શરૂ કર્યું.

સૂર્યોદય થવાની તૈયારી હતી અમે એકાંત વનમાં આછા અંધારામાં આગળ વધી રહ્યા હતા. અહી થી જંગલની અસલ રંગત ચાલુ થાય છે. ઉતાર ચઢાવ કરતા તમારે નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધવાનું હોય છે. જંગલ એટલું ગીચ કે સવારના સૂર્યનો પ્રકાશ આપણને અનુભવાય નહી. વિવધ પ્રજાતિના ઊંચા વ્રુક્ષો વચ્ચે ચાલતા ચાલતા અમે એ વૃક્ષો વિષે વિશેષ માહિતી મેળવતા મેળવતા એ વૃક્ષો ઉપર ટહુકતા , કલરવ કરતા પક્ષીઓ વિશે વિશેષ માહીતી પ્રાપ્ત કરતા કરતા પ્રકૃતિ નો અનહદ આનંદ માણતા માણતા અમે જંગલની ભવ્યતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેમ જેમ ઉપર તરફ જઈ રહ્યા હતા એમ એમ ઢંડી હવાનું જોર વધતું જતું હતું . જેશોર પર્વતનો વિસ્તાર એવો છે જ્યાં ટ્રેકીંગ કરતી વખતે પગમાં ટ્રેકિંગને અનુકુળ બૂટ ન પહેર્યા હોય તો વારંવાર લપસી પડવાનું , પડી જવાનું જોખમ તોળાતું રહે છે.

જેશોરના જંગલમાં પશુ પ્રાણીના નીભાવ માટે કુદરેતે દરેક વ્યવસ્થા કરી છે. મને એક એવો વિચાર પણ આવ્યો કે ખેડૂતોની ખેતિને નુકશાન કરી કનડતા રખડતા ઢોરો, ડુક્કરો, રોઝડા, નીલગાય ને પકડીને જેશોરના જંગલમાં છોડી મુકવામાં આવે ઓ તો તેઓ ભૂખે પણ ન મારે અને જંગલની શોભામાં વધારો કરે અને આ એક થઇ શકે એવું કામ છે પણ આપણા વિચાર માત્રથી એવા કામ થઇ શકતા હોય તો તો શું જોઈતું હતું.

દુર થી દેખાતું શિખર જેટલું રમણીય લાગી રાહ્યું હતું એટલું જ એને ચઢવું કપરું કાર્ય હતું , પે’લી કહેવત નથી કે ડુંગરા દુર થી રળિયામણા એ તો નજીક જઈએ એટલે ખયાલ આવે કે આ રમણીય જણાતા ડુંગરા ઉપર ચડવું કેટલું કપરું કામ છે. જેશોરનું જંગલ પાછું ભુલભુલામણી જેવું છે કોઈ જાણકાર ગાઈડ વગર જંગલ અંદર પ્રવેશ્યા તો પછી અંદર અટવાઈ જવાની સંભાવના ખરી એટલે યોગ્ય જાણકાર વ્યક્તિને સાથે રાખ્યા સિવાય જંગલ પ્રવેશ કે પર્વત ટ્રેકિંગનું જોખમ લેવા જેવું નથી.

આખરે અમે મહા મુશ્કેલીએ એ ઊંચાઈ એ પહોંચ્યા જ્યાં ગુજરાતનું બીજા નંબરનું ઊંચું શિખર આમારી નજર સમક્ષ દ્રશ્ય્માન થતું હતું. અમે ધીમે ધીમે એ શિખર ઉપર પહોંચવા ચઢાણ શરૂ કર્યું અને આખરે અમે કાંટા ઝાડીઓને સહન કરતા કરતા શિખર ઉપર પહોંચ્યા તો આજુબાજુનું દ્રશ્ય રમણીય લાગી રહ્યું હતું. ટોચ ઉપર ખુબ ઓછી લાગ્યા છે એટલે આપણે ફોટોગ્રાફી કરતા હોય ત્યારે વિશેષ રાખવો અમે જેશોરની ટોચેથી થોડીક વિડીયોગ્રાફી – ફોટોગ્રાફી સુખદ સંભારણા તરીકે કરી. એ દિવસે વાતાવરણ માં ધુમ્મસનું પ્રમાણ સવિશેષ હતું એટલે અમને ટોચેથી આજુબાજુના વિસ્તાર સ્પષ્ટ દેખાઈ રહ્યા ન હતા પણ મનમાં એક ઉત્સાહ અને આત્મ વિશ્વાસ જરૂર વધ્યો હતો કે આટલી ઊંચાઈ એ પહોંચવા શારીરિક તંદુરસ્તી અનિવાર્ય છે અને એમાં અમારા શરીર ની તંદુરસ્તી એ બરાબર સાથ નિભાવ્યો હતો.

અમે થોડોક સમય જેશોર પર્વતની ટોચેથી પ્રકૃતિનો આનંદ માણી પરત પર્વતની ટોચેથી ઉતરાણ શરૂ કયું …પર્વતનું ચઢાણ જેટલું મુશ્કેલ એનાથી પર્વતનું ઉતરાણ અનેકગણું મુશ્કેલ અને એમાંય જેશોર પર્વતનું ઉતરાણતો તકલીફ જરૂર આપે એવું લપસણું અને એમાંય નીચે તો ખાઈ જેવું લાગે એટલે મનમાં થોડો ભય પણ અનુભવાય. જંગલ અને પર્વતો આપણને કેટલું બધું આપે છે. પાણી, શુદ્ધ ઓક્સિજન, બળતણ , ખાતર , ફળ -ફૂલ , ઈમારતી લાકડું , અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન એ તો જંગલ સાથે જુગલબંધી કરો તો વધુ સારી રીતે સમજાય.

પર્વત ઉપર એક કુદરતી તળાવ છે એને વેટલેન્ડ પણ કહી શકાય. વન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ માટે કેવી સુંદર વ્યવસ્થા કુદરતે કરી છે એ આપણને અચરાચ પમાડે છે , એ જ રીતે પથ્થર ને કુદરતે એવો ઘાટ આપ્યો છે કે જેમાં ચાટ ની જેમ વરસાદી પાણી ભરાયેલું રહે. અમે સાચવેતી પૂર્વક ઉતરાણ કરતા કરતા તળાવ નજીક આવી પહોંચ્યા જેની નજીક જ જેશોર પર્વતની આસ્થા રૂપ જયરાજ મંદિર છે જ્યાં કૈલાશભાઈ અને કેશરભાઈ એ શ્રીફળ વધેરી ધૂપ કર્યો અમે સૌ એ ભાવપૂર્વક દર્શન કર્યા. આમ તો પ્રકૃતિ એ જ પરમેશ્વર છે પણ આસ્થાના પ્રતિક સમ આવા ધાર્મિક સ્થળો એ લોકો શ્રધાપૂર્વક દર્શન કરતા હોય છે.

હવે આટલું લાંબુ અને ઊંચું ચઢાણ કર્યા બાદ અમને કકડીને ભૂખ લાગી હતી, બપોર ચઢી રહી હતી અને અમે જયરાજ મંદિર જોડે જ સાથે લાવેલ દહી અને થેપલાનો નાસ્તો પ્રાકૃતિક વાતાવરણમાં પ્રાકૃતિક રીતે જ કર્યો. કેશરભાઈ પણ પોતાની જોડે થોડોક સુક્કો નાસ્તો લાવ્યા હતા , થોડાક ફળ લીધા હતા , જે રસ્તામાં અમને જરૂર પડે એનર્જી આપતા હતા. સાથે લીધેલ બોટલોમાં પાણી ઘટી રહ્યું હતું. આટલે દૂર અને આટલે ઉચે ટ્રેકિંગ કરવાનું હોય ત્યારે પાણી અને સુકા નાસ્તાનો સાથે પુરતો સ્ટોક રાખવો અનિવાર્ય છે. જંગલમાં પ્રવેશ્યા પછી જંગલની ભુલભુલામણીમાં અટવાઈ જવાય તો કામ લાગે.

પર્વતરાજના દર્શન કરી અમે હવે ડુંગર ઉપરથી નીચે ઉતરવા પરત ફરી રહ્યા હતા. જાનીભાઈ એ ઉતારાણ માટે અલગ જ રસ્તો પસંદ કર્યો જ્યાંથી ઉતરવુ ખૂબ જ મુશ્કેલ હતું અમે આવ્યા એ રસ્તાની જગ્યાએ અલગ રસ્તે પરત ફરી રહ્યા હતા. ઝાડી ઝાંખરાથી ભરપૂર રસ્તો અને કોઈ કેડી પણ ન મળે, સતત લપસી પડાય અને કાંટાઓ, ડાળખીઓ સતત શરીરને લપડાક મારતી રહે , શરીરનું કોઈ બેલેન્સ ન રહે એવી જગ્યા એક વખત તો એવું લાગ્યું કે આપણે માર્ગ ભૂલ્યા અને હવે જંગલની ભૂલ ભૂલામણી માંથી બહાર નીકળવું મુશ્કેલ મેં થોડોક ગુસ્સો પણ જાની ભાઈ ઉપર ઉતાર્યો કે નવો રસ્તો શોધવા જોખમ લેવાની ક્યા જરૂર હતી પણ જાનીભાઈ જાણતા હતા કે યોગ્ય દિશામાં ઉતરાણ થઇ રહ્યું છે પણ અમને સતત ભય લાગ્યા કર્યો કે અજાણ જગ્યા અને ગીચ જંગલ રસ્તો શોધવાની મથામણમાં ક્યાંક કોઈ દુર્ઘટના ન બની જાય પણ આખરે અમે પડતા – આખડતા હેમખેમ મુનીજીની ગુફા સુધી આવી ગયા ત્યારે મને થોડોક હાશકારો થયો. મારા આજ સુધીના ટ્રેકિંગ માં જેશોર ટ્રેકિંગ અદ્દભૂત તો રહ્યું પણ સાથે સાથે થોડુંક કઠીન પણ પડ્યું.

જેશોર પર્વત ઉપર ૨૪ કલાક થી વધુ સમય પસાર કરી અમે પરત તળેટી આવી ગયા હતા. તન -મન માં એક નવી ઉર્જા પ્રાપ્ત કરી અમે પાલનપુર તરફ પરત આવી રહ્યાં હતા ત્યારે લોકો ૩૧ ડીસેમ્બરની ઉજવણીમાં મસ્ત હતા અને અમે એક અલૌકિક દુનિયાનો અનુભવ મેળવી ખુશ હતા.

– નિતીન એલ. પટેલ (વડગામ)

4 Comments
  1. મુકેશ માળી 8 months ago
    Reply

    જાની કાકા જોડે જવાની જ કંઇક અલગ મજા છે અને નસીબદાર હોય તેને જ એમનો સાથ મળે છે. ૬૪ મી વખત ગયા ત્યારે અમે સાથે હતા અને એ વખતે એમણે બહુજ મજા આવી હતી.

    • info@readnitin.in 7 months ago
      Reply

      હા, જાનીભાઈ એક ઉમદા અનુભવી ટ્રેકર તો છે જ પણ સાથે સાથે એક અભ્યાસુ પ્રવાસી પણ છે, તેમની જોડે ટ્રેકિંગ કરવાથી ઘણી પ્રાકૃતિક બાબતો જાણવા અને શીખવા મળે છે. આભાર ….

  2. Harshad bhutadia 8 months ago
    Reply

    ખુબ જ સરસ તમારો અનુભવ વર્ણવ્યો છે… નીતિનભાઈ ..અમે પણ એક વખત યુથ હોસ્ટેલના ટ્રેકિંગ કેમ્પમાં એ ચઢાણ કરી અને એ બીજા નંબરની જે ગુજરાતની ટેકરી છે એના સુધી પહોંચેલા છીએ… તમે જે રીતે યથાર્થ શબ્દોનો ઉપયોગ કરીને અનુભવનું વર્ણન કર્યું છે એ વાંચતા મને એવું લાગતું હતું કે હું પોતે એ ચઢાણ કરી રહ્યો હોય એવી અનુભૂતિ મને થઈ રહી હતી…. તમારા આ લોક ઉપયોગી અને વિશિષ્ટ અનુભવોનું સંકલન પણ કરી રાખજો નીતિનભાઈ… અને જો યોગ્ય લાગે તો એને એક પુસ્તક સ્વરૂપમાં પણ સજાવજો..જેથી આવનારી પેઢીને આ વિશેષ મહત્વનો ખ્યાલ આવે… અને પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ જાળવી રાખે… અને જેના થકી પોતાનું સ્વાસ્થ્ય અને મન પ્રફુલિત રાખે

    • info@readnitin.in 7 months ago
      Reply

      ચોક્ક્સ હર્ષદભાઈ , આપણી આજુબાજુ અને નજીક એવા કેટલાક પ્રાકૃતિક સ્થળો છે જેની મુલાકાત આપણે અવશ્ય લેવી જોઈએ. હું એવો પ્રયાસ જરૂર કરીશ કે આવા સ્થળોનું સંકલન એક પુસ્તક સ્વરૂપે થાય અને એની વિગતવાર રસપ્રદ માહિતી લોકો સુધી પહોંચે. આપનો ખૂબ ખૂબ આભાર.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More