પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ )

૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે અસહ્ય ભાદરવી બફારો પડી રહ્યો હતો. ખાસ કરીને ગામડાઓ માંથી અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ – વિદ્યાર્થીનીઓ હતા, પણ એ બધા પોતપોતાના મોબાઈલમાં અત્યંત વ્યસ્ત હતા. અમે ચિખલી જવા બસ આવવાની રાહ જોઈ રહ્યા હતા અમારે અહી થી પચાસ એક કિમી અંતર દૂર આવેલ નવસારી જીલ્લાના તાલુકા મથક એવા ચીખલી પહોંચવાનું હતું. વધઈથી ચિખલી જવા કોઈ શટલિયા વાહનની સગવડ નથી અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ ખૂબ સીમિત માત્રા માં આવતી હોય એવું લાગ્યું. વધઈ બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જોતા જોતા ભારે ગરમી વચ્ચે લગભગ અડધો કલાક થી વધુ સમય પસાર થઇ ગયો હતો અમારે નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત સાંજે ૩.૦૦ કલાકે ચીખલી પહોંચવું જરૂરી હતું. દરમિયાના ચીખલીથી મિત્ર રિકીભાઈ પટેલ સતત મોબાઈલ મારફત અમારા સંપર્કમાં હતા. ભાદરવાના બપોરની ગરમી એવી કાળઝાળ હતી કે અમારા શરીરની ચામડી બાળતી હતી. એકબાજુ ગરમી અને બીજીબાજુ બસની રાહ જોતી પેસેન્જરોની ભીડ વચ્ચે અમારી અધીરાઈ વધી હતી એટલે અમે સ્થાનિક એક ટ્રાવેલિંગ કંપની વાળાનો સંપર્ક કર્યો તો એણે અમને ૫૦ કિમી દુર એના પ્રાઈવેટ વાહન મારફત ચીખલી ઉતારી જવાના રૂ.૧૫૦૦ અને રૂ ૨૫૦૦ જેટલું વાહન ના પ્રકાર મુજબનું ભાડુ કહ્યું પણ એટલા માં નશીબ જોગે ચિખલી તરફ જતી એક બસ આવી એમાં અમને સહેલાઈથી જગ્યા મળી ગઈ એટલે નિરાંત થઇ. ચીખલી અમે સાંજે ચાર વાગ્યા આસપાસ પહોંચ્યા થોડાક ફ્રેસ થઇ અમે રિકી ભાઈને ફોન કર્યો તો તે અમને નિર્ધારિત સ્થળે લેવા આવ્યા.ચિખલીમાં સાંજની શરૂઆત થઇ ચૂકી હતી અમે ગીરા ધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત લઇ પબ્લીક ટ્રાન્સપોર્ટ માં ભારે ગરમીનો સામનો કરતા કરતા વાયા વધઈ ચિખલી પહોંચ્યા હતા એટલે સ્વાભાવિક રીતે થાકની અસર શરીર ઉપર વર્તાતી હતી પણ આજે ચીખલી અને આજુબાજુ આવેલ ગામોમાં થતી ખેતી જોવાની ઉત્સ્તુકતા હતી અને પાછુ નવસારી પરત જતા પહેલા ચિખલી રૂટમાં વચ્ચે આવતું હતું. ચીખલી એ નવસારી જીલ્લા માં આવેલ તાલુકા મથક છે.

રીકીભાઈએ અમને પોતાની ગાડીમાં પ્રથમ ચીખલી મુકામે આવેલ તેમના મામા ભરતભાઈ પટેલના ખેતરમાં હળદરની ખેતી જોવા લઇ ગયા. અમે ખેતરમાં પહોંચ્યા એટલે મજુરો લીલી હળદર અને અંબા હળદરનું શોર્ટિંગ કરી રહ્યા હતા.ભરતભાઈ અમને ખેતરમાં ઉભેલી હળદર જોવા લઇ ગયા અને હળદરની ખેતી વિશે વિગતે માહિતગાર કર્યા. ભરતભાઈને હળદરની ખેતી થકી પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે એ જાણી વિશેષ આનંદ થયો. ભરતભાઈએ અમને થોડીક લીલી હળદર અને આંબા હળદર આપી અમે એનો ભેટ તરીકે સહર્ષ સ્વીકાર કરી એમનો આભાર માન્યો. આમ પણ તમે જોજો ખેડૂતની વાડીએ તમે ક્યારેક જાઓ તો મોટેભાગે એ ખેતરમાંથી કંઈક ને કંઈક તમને આપશે એટલું એનું દિલ વિશાળ હોય છે. આ વિસ્તારમાં જમીન ફળદ્રુપ અને સિંચાઈ માટે નહેરો ની સુવિધા વર્ષો થી એટેલે અહી ખેડૂત બે પાંદડે થયો છે. અમારે ઉત્તર ગુજરાતમાં જમીનમાં એટલો બધો કસ નહિ અને ભૂગર્ભ પાણીની અછત એટલે ખેતી એ ફજેતી જેવી સ્થિતિ છે પણ નવસારી જીલ્લો આ બાબતે સમૃદ્ધ જીલ્લો ગણી શકાય એની અસરરૂપે ખેડૂતો પણ અહી હળદર, સુરણ, ડાંગર , શેરડી, શાકભાજી અને નવસારી કેશરની કેરી ની ખેતી થકી ખેતીને પોષણક્ષમ બનાવી રહ્યા છે. ભરતભાઈના ખેતરની મુલાકાત બાદ અમે મિત્ર રીકીભાઈના વતન અમાદરા નજીક આવેલા સાદકપોર ગામ ખાતે આવેલ તેમના ખેતરની વાડીની મુલાકાતે ગયા જ્યાં રીકીભાઈ એ અંબા , શેરડી અને હળદરની ખેતી કરી છે. કેશર આંબાઓ અને હળદર થકી લહેરાતું ખેતર શોભી રહ્યું હતું. શેરડીનું વાવેતર તેઓએ હમણાં જ કર્યુ હતું. શેરડીની ખેતીમાં ખેડૂતોને ટન દીઠ ૩૫૦૦ થી ૪૦૦૦ જેવો ભાવ મળતો હોય છે અને એક વીઘામાં ૩૦ ટન જેટલી શેરડી પાકે અને એ કોન્ટ્રાક્ટ સિસ્ટમાં હોય એટલે શેરડી પાકે એટેલે સુગર સહકારી ફેક્ટરી વાળા એમના મજૂરો દ્વારા વળતર ચૂકવી શેરડી ખેતરમાંથી લઇ જાય એવી સિસ્ટમ. શેરડી અને અન્ય ખેતપાકો નહેરો ની સિંચાઇ થઇ થાય એટલે ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા જતા જેમ ખેડૂતની આર્થિક કમર બોર કરી કરી વાંકી વળી જાય એવું અહી જોવા ન મળે જો કે અમે કેરીની સિઝન પુરી થયા બાદ કેરીના આંબાની વાડીની મુલકાતે ગયા હતા એટલે અમને કેરીનો સ્વાદ તો માણવા ન મળ્યો પણ ઉજ્જડ ખેતીના અનુભવ વાળા અમે લહેરાતી ખેતી જોઈને અમારું મન બાગ બાગ થઇ ગયું. ત્યાં નજીકમાં જ સાદકપોર ગામમાં જ રિકી ભાઈના અન્ય એક મામા નું ખેતર હતું જેમણે પોતાના ખેતરમાં સુરણ , શેરડી અને રીંગણની ખેતી કરી હતી એમાં પણ શેરડી અને સુરણ ની ખેતી એક જ ખેતરમાં સાથે જોઈ. ઘણીવાર તેઓ ત્રણ ખેતપાકો પણ એક સાથે લેતા હોય છે. ખેતરમાં ક્યાંય નિંદામણ ન જોવા મળે કે ન જોવા મળે એકેય નબળો છોડ એટલી ચોકસાઈ સાથે તેઓ ખેતી કરતા હોય છે એમની ખેત પધ્ધતિ સમજવી એ પણ એક અલગ અભ્યાસનો વિષય છે.

ચીખલી તાલુકાના સાદકપોર ગામના પ્રગતિશીલ ખેડુતોના ખેતરની મુલાકત લઇ અમે નજીકના રૂમલા ગામમાં પોતાની ૩૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા શ્રી બીપીનભાઈના મારૂતિ મંથન ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લેવા અમે પહોંચ્યા. સાંજ ઢળવા આવી હતી. શ્રી બિપિનભાઈ પોતે ગ્રીન કાર્ડહોલ્ડર , એમના પુત્ર મુંબઈમાં KPMG India Service LLP માં ડાયરેક્ટર તરીકે છે તો પુત્રી વિદેશમાં સ્થાયી થઇ છે પોતે પણ વિદેશથી પરત આવીની પોતાના વતનમાં પ્રાકૃતિક ખેતીમાં હાથ અજમાવ્યો અને સફળતા મેળવી. તેમના ફાર્મમાં પ્રાકૃતિક રીતે ઉત્પાદિત દરેક ખેતપેદાશોનું તેઓ જાતે જ પ્રોસેસ અને મુલ્યવર્ધન કરી એમના ગ્રાહકોને પુરી પાડે છે, પછી તે હળદર હોય ,મગ, ડાંગર, શેરડી હોય કે પછી કેરી હોય ,એમની નવસારી કેશર કેરી તો વિદેશોમાં પણ નિકાસ થાય છે. એમને પોતાના પ્રાકૃતિક ફાર્મમાં ઉત્પાદિત ખેત પેદાશ ક્યાય બહાર વેચવા જવું પડતું નથી. એમના ફાર્મ ઉપરથી જ ખાતરી બંધ પ્રાકૃતિક હળદર, ગોળ, ચોખા , મગ ,કેરી લોકો ખરીદ કરીને લઇ જાય છે. ફાર્મની જમીન ફળદ્રુપ છે. કુવામાં પાણી પુષ્કળ છે. જીવામૃત ના ઉપયોગ થકી જમીનને ફળદ્રુપ બનાવી છે. પોતાના ફાર્મ ઉપર કુલ ૨૦૦૦ જેટલા કેશરના આંબા છે. એક જ ખેતરમાં આંબા વચ્ચે ડાંગર અને હળદર જેવા પાકો ખૂબ સારી રીતે થાય છે. સમગ્ર ફાર્મની મુલાકાત દરમિયાન મને એક પણ પાક નબળો ન લાગ્યો એટલી સરસ પ્રાકૃતિક ખેતી શ્રી બિપિનભાઈ પોતાના પ્રાકૃતિક કરી રહ્યા છે.

બિપિનભાઈના ફાર્મની મુલાકાત બાદ તેઓ તેમના ઘરે અમને ચા-પાણી માટે લઇ ગયા અને એમના ખેતરમાં જ ઉત્પાદિત શેરડી ના ગોળની મસ્ત મઝાની ચા અમને પીવડાવી મેં મારી જિંદગીમાં આવી ચા નો મસ્ત સ્વાદ માણ્યો ન હતો. એમના ફાર્મમાં ઉત્પાદિત દેશી ગોળની એક અલગ વિશેષતા એ છે કે આ ગોળના ઉપયોગ થકી બનતી ચા ફાટી જતી નથી. અમને એમના ખેતેરમાં જ ઉત્પાદિત હળદર ને પ્રોસેસ કરીને બનાવેલ હળદર પાવડર અમને બતાવ્યો તો એની સુગંધ પરથી જ ખયાલ આવેલ કે કેટલી ઉત્તમ હળદરનું તેઓ ઉત્પાદન અને પ્રોસેસ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી ને પોષણક્ષમ કેવી રીતે બનાવી શકાય તે બિપિનભાઈ જોડેથી જાણવા તેમજ શીખવા જેવું છે. શ્રી બિપિનભાઈ પટેલને ઉત્તમ પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ અને અનેક સન્માન પણ મળેલા છે.

શ્રી બિપિનભાઈ ના મારૂતિમંથન ઓર્ગેનિક ફાર્મની મુલકાત બાદ અમે રિકીભાઈના ગામ આમદરા જવા નીકળ્યા. આખુ આમદરા ગામ કેશર કેરી ની કલમો બનાવે છે અમારે અંબાને કલમ કેવી રીતે થાય છે એની વિગતવાર સાચી પધ્ધતિ સમજવી હતી પણ સાંજ ઢળી ચુકી હતી અને આમદરા ગામ ઉપર રાત્રીનું આગમન થઇ ચૂક્યું હતું અને અમારી જોડે સમય પણ ખૂબ ઓછો હતો એટલે અમે ઉતાવળે એક બે જગ્યાએ કલમોની ખેતી જોઈ આમદરા ગામની વિદાય લેતી વખતે જતા રસ્તા માં કેશર કેરી કલમની અસંખ્ય વાડીઓ રસ્તામાં જોઈ પણ સમય ના અભાવે મુલાકાત લઇ શક્યા નહિ પણ next time કેરીની ઋતુમાં ફરી ચીખલીની મુલાકાતે જઈશું અને શાંતિથી સમગ્ર કલમ ની પ્રક્રિયા જાણીશું – સમજીશું. નવસારી માં વર્ષો પહેલા આંબાનું આટલું મોટું ઉત્પાદન કે વાવેતર ન હતું પણ વર્ષો પહેલા અમુક સ્થાનિકો જુનાગઢ થી કેશર આંબા લાવ્યા અને આજે નવસારી કેશર કેરી તરીકે નવસારીના ખેડૂતોએ અલગ બ્રાન્ડ ઊભી કરી છે ઉપરાંત હળદર, શેરડી, મગ. ડાંગર અને કેરીના મોટા વેપાર થકી બે પાંદડે થયા છે.

આમદરા થી ચિખલી પહોંચ્યા બાદ રિકી ભાઈ એ અમને સાંજના ડીનર માટે ખૂબ આગ્રહ કર્યો પણ અમને ભોજનની ખાસ કોઈ જરૂરિયાત જણાઈ નહિ એટલે રીકીભાઈ એ અમને ચિખલીમાં આવેલ પ્રખ્યાત જલારામ ખમણ અને પેટીસનો મસ્ત મઝાનો નાસ્તો કરાવ્યો. ચીખલી જવાનું જાય તો જલારામ નાસ્તા હાઉસની અચૂક મુલાકાત લેશો.

મોડી સાંજે અમે ચીખલી તાલુકામાં પ્રગતિશીલ ખેડુતો દ્વારા થતી ઉત્તમ ખેતીની જાણકારી મેળવી ચિખલી બસસ્ટેન્ડથી બસ પકડી નવસારી જવા રવાના થયા.

– નીતિન એલ. પટેલ (વડગામ )

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

પ્રાચીન અરવલ્લી અને તેની તળેટીમાં આવેલ ઐતિહાસિક કરમાવાદની મુલાકાત – ભાગ-૧

અરવલ્લીના પહાડોની તળેટીમાં વર્ષો પહેલા પાલનપુરના દિવાન કરીમદાદખાને પોતાના નામ ઉપરથી કરીમાદાદ નામનું નગર વસાવ્યું હતું, જે આજે અપભ્રંશ થઈને કરમાવાદ તરીકે ઓળખાય છે....
Read More
post-image
Uncategorized

પ્રકૃતિ દર્શન – સલીમ અલી પોઈન્ટ

૨૮ મી જુલાઈ-૨૦૨૪ ની વહેલી સવારે અમે સૌ પર્યાવરણ પ્રેમી મિત્રો પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત પ્રકૃતિ દર્શન...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ઉત્તર ગુજરાતના ઐતિહાસિક સ્થળોએ આવેલ પ્રાચીન સ્થાપત્યોની અભ્યાસ મુલાકાત.

૧૪ જુલાઈ ૨૦૨૪ ને રવિવારના રોજ ગુજરાત સ્થિત અતુલ્ય વારસો સંસ્થા દ્વારા હેરીટેજ વોક અંતર્ગત ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગરો એવા મોઢેરા , પાટણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More