આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્. જલધંર મહારાજ ટ્રેકિંગનું આયોજન પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુસેવા ગ્રુપના માધ્યમથી ૨૦૨૫ની ૨૮ ડિસેમ્બરે આયોજિત થયું. ઋષિકેશ મંદિરથી જલંધર ગુફા સુધી વિવિધ દેશી વૃક્ષોથી શોભતા સમૃદ્ધ જંગલ વચ્ચેથી અંદાજિત ચાર કિમી જેટલો ચઢાણવાળો કેડી માર્ગ પસાર કરી પહોંચવું કામ‌ મુશ્કેલ હતું એનો અંદાજ અમને ન હતો.

પહેલા પડાવરૂપ શાનકા મહાદેવ સુધીનો‌ માર્ગ તો સરળ હતો. શાનકા મહાદેવ પાસે નાનકડું ઝરણું વહે છે. પ્રાકૃતિક રીતે સુંદર જગ્યા છે પણ અહીં માનવીય હસ્તક્ષેપ થકી ગંદકીનું પ્રમાણ વધ્યું છે તો ઝરણાના પાણી પણ દૂષિત થયા છે પણ અમને‌ ક્યાં ખબર હતી કે આ દૂષિત પાણી અમારે ઉતરાણ વખતે કેટલું જરૂરી બનવાનું હતું. ગાઈડ તરીકે અમારી સાથે પાલનપુરથી અનુભવી સોલો ટ્રેકર અને National Cyclist મેહુલ મોદી જોડાયા હતા તો સ્થાનિક ગાઈડ તરીકે અમારી સાથે જંગલના જાણકાર એવા દિપુ મહારાજ જોડાયા હતા. દિપુ મહારાજ ની ઉંમર ૬૦ વર્ષ પણ એમના ઉપર પ્રકૃતિના આશિર્વાદ એવા કે તેઓ સતત સ્ફુર્તિમય લાગે. વૃક્ષોથી સમૃદ્ધ જંગલોની કેડીઓ ભુલભુલામણી વાળી હોય છે તો જંગલની અજાણી જગ્યાઓની જાણકારી હોવી જરૂરી હોવાથી સ્થાનિક વ્યક્તિ આ બાબતે મદદરૂપ બની શકે છે.

જંગલની પ્રાકૃતિક વિવિધતા માણતા માણતા તો જંગલની જમાવટનો આસ્વાદ માણતા અમે સૌ ગંતવ્ય સ્થાન તરફ‌ પ્રયાણ કરી રહ્યા હતા. પર્વતના ચઢાણ દરમિયાન થતી શ્વાસની ગતિશીલ આવનજાવન થકી ફેફસાં શુદ્ધ ઓક્સિજન ભરી રહ્યા હતા તો ક્યાંક ક્યાંક અરવલ્લી પહાડો સાથે તળેટીના નયનરમ્ય દ્રશ્યો મનને પ્રફુલ્લિત કરી રહ્યા હતાં. જલંધર ટ્રેક માં વૃક્ષોનું પ્રમાણ વધુ હોવાથી તડકાનો સામનો ઓછો થતો‌ હતો જેથી પર્વતના ચઢાણ દરમિયાન ગરમીનો અહેસાસ ઓછો થતો હતો. જંગલોના ટ્રેકિંગ માં અંતર સતત વધતું લાગે એટલી વિશાળતા અરવલ્લીના સાનિધ્યમાં ઉછરેલા આ જંગલો ધરાવે છે. પુષ્કળ વાંસ ના વૃક્ષો થકી શોભાયમાન આ જંગલની સમૃધ્ધી ખરેખર સમજવા જેવી માણવા જેવી છે.

વનસંપદાના સુંદર દ્રશ્યો સાથે પ્રકૃતિની અફાટ શક્તિને માણતા બપોરે સાડા બારે અમે જલંધર ગુફા પહોંચ્યા. ચારેક કિમી જેટલું ચઢાણ પસાર કરતા અમને સાડા ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો. જલંધર ગુફા ઉપરના દ્રશ્યો કોઈ સ્વર્ગની અનુભૂતિ કરાવી રહ્યા હતા. અરવલ્લીનું ચારેબાજુ વેરાયેલું સૌંદર્ય અદ્દભુત લાગી રહ્યું હતું. અહીં કોઈ જ પ્રકારની જરૂરી સુવિધાઓ નથી. શુદ્ધ પ્રાકૃતિક સ્વરૂપ જોવા મળે. કોઈ સંન્યાસી અહીં એક ગુફામાં આસન જમાવી બેઠા છે. થોડું ઘણું વરસાદના પાણીને તલાવડી બનાવી સંગ્રહ કરવાનું કામ ચાલી રહ્યું છે. નીરવ શાંતિ આપણને અલૌકિક ધ્યાન તરફ લઈ જાય એવી ક્ષમતા ધરાવતું આ કુદરતી સ્થળ છે. સાંકડી અને અંધારી ગુફામાં અંદર જવું યોગ્ય ન લાગતાં અમે એ ટાળ્યું પણ કહેવાય છે કે ગુફાની અંદર શિવલિંગ છે.

થોડોક સમય પ્રકૃતિના આનંદને માણી અરવલ્લીની ગિરિમાળાઓને વંદન કરી અમે ઉતરાણ કરવાનું શરૂ કર્યું એ વખતે બપોરના બે વાગી ચુક્યા હતા. જલંધર ટ્રેક નું ચઢાણ જેટલું મુશ્કેલ છે એનાથી એનું ઉતરાણ વધુ મુશ્કેલ છે એની પ્રતિતિ અમે શાનકા  મહાદેવ સુધી સતત અનુભવતા રહ્યા. સીધા ઢોળાવો સાંકડી કેડીઓ ઉપર ક્યાંક કાંકરીઓ અને પાંદડાઓનુ મિશ્રણ સ્લીપ માર્ગ બની જતો હોવાથી તેમજ માર્ગમાં પથરાઓ પણ હોવાથી ખુબ સંભાળીને ઉતરાણ કરવું પડતું હતું. અહીં ક્યાંક ક્યાંક સફેદ માર્બલના પથ્થર પણ જોવા મળતા હતા. સ્થાનિક ગાઈડ દિપામહારાજ ના જણાવ્યા અનુસાર આ પર્વત ઉપર રીંછ, દિપડા, હરણ જેવા વન્ય પ્રાણીઓનો વાસ છે પણ જ્યારે માનવીય ગતિવિધિઓ એમની નજરે પડે એટલે તેઓ એમનો માર્ગ બદલી નાખતા હોય છે.

ધીમે ધીમે સાવચેતીપૂર્ણ રીતે અમે સૌ પહાડ પરથી ઉતરાણ કરી રહ્યા હતા જેથી કોઈ અકસ્માત ન થાય નહીં તો કોઈ દુર્ઘટના બને તો આટલે ઊંચે સારવાર મળવી તો દુર્લભ પણ નીચે કેવી રીતે લાવવા એ મોટો પ્રશ્નાર્થ. છતાં સૌ ટ્રેકર હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતા કરતા એક મુશ્કેલ ગણાતો ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા. જ્યારે પણ આવા ટ્રેક માં જવાનું થાય ત્યારે જરૂરી પાણી – ખોરાક – દવા – પાટાપીંડી સાથે રાખવી ઉપરાંત પોશાક અને શૂઝની પસંદગી પણ બરાબર કરવી જેથી ટ્રેક દરમિયાન ઓછી તકલીફોનો‌ સામનો‌ કરવો પડે. જેશોર, સેબલપાણી, આંબલીનાળ, મોતી મહલ ટ્રેક પોઈન્ટ બાદ જલંધર ગુફા ટ્રેક પોઈન્ટ ટ્રેકિંગ માટે બેસ્ટ પોઈન્ટ લાગ્યો જો કે પ્રથમ વખત ટ્રેક થોડોક મુશ્કેલ લાગ્યો એવી આ ટ્રેક પોઈન્ટ ની રચના છે.

લગભગ આખો દિવસ ટ્રેકિંગ માં પૂર્ણ કર્યા બાદ ભૂખ્યા તરસ્યા અમે સૌ આઠ હજાર વર્ષ જુના ઋષિકેશ મંદિરે દર્શન કરવા પહોંચ્યા. આબુ તરફ પરત ફરતા રસ્તા માં આવતા પૌરાણિક ભદ્રકાળી માતાજીના દર્શન કરી , ચંદ્રાવતી નગરી પાસે આવેલ ધાબા ઉપર પૌષ્ટિક ભોજન કરી અમે પાલનપુર તરફ‌ પરત ફર્યા. સવારે ૬.૦૦ વાગે શરૂ થયેલી અમારી અનોખી સફર રાત્રે નવ વાગે પુર્ણ થઈ.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પોશિનાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાત.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાતનું આયોજન એહમદભાઈ હાડા, રાજુભાઈ બારોટ, અસરફભાઈ બિહારી અને સ્થાનિક ગાઈડ મિત્ર વિક્રમસિંહ સાથે ગોઠવાયું. વરસાદની...
Read More
post-image
જળસંચય પર્યાવરણ પ્રવાસ મુલાકાત વીડિયો

ઉમરેચા ચેક ડેમથી સિધ્ધ્પુર સુધી સરસ્વતી નદી શોધયાત્રા

સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સરપંચ શ્રી, તેમજ વડગામના અશરફ બિહારી, ઈરફાન સાથે સરસ્વતી નદીના પટ ઉપર આવેલ ઉમરેચા બેરેજ , નાગવાસણા કોઝવે ,સંડેસરી કોઝ...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ મુલાકાત

સરસ્વતી અને તેની સહાયક મુખ્ય નદીઓનો જળ પ્રવાહ

વડગામ અને દાંતા તાલુકામાંi ૪૦ થી ૪૫ ઈંચ વરસાદ માં તળીયા ઝાટક પડેલા મુક્તેશ્વર ડેમ અને ઉમરેચા ડેમ છલકાઈ જાય એ અરવલ્લીના પર્વતોની તાકાત...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ

અર્જુની-સરસ્વતી અને ખારી નદી સંગમ સ્થળ

ભેમાણના ડુંગરો માંથી આવતી નદી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી ગામ પાસેથી આવતી હોવાથી તે ખારી નદી તરીકે ઓળખાય છે. આ ખારી નદીનો પ્રવાહ...
Read More