સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાતનું આયોજન એહમદભાઈ હાડા, રાજુભાઈ બારોટ, અસરફભાઈ બિહારી અને સ્થાનિક ગાઈડ મિત્ર વિક્રમસિંહ સાથે ગોઠવાયું.
વરસાદની આશંકા વચ્ચે વાદળભર્યા વાતાવરણમાં વહેલી સવારે પાલનપુરથી વાયા દાંતા, હડાદ લેબડીયા રસ્તે પોશીના જવા પ્રયાણ કર્યું. દાંતા પહોંચી ગરમાગરમ ચા- નાસ્તો કર્યા બાદ જ્યારે અમે દાંતાથી હડાદ તરફ આગળ વધ્યા ત્યારે ચડાવ – ઉતરાણ વાળી સુંદર સડક ઉપર અદ્દભુત દ્રશ્યો સાથે વહેલી સવારનો ઠંડો વાયરો અહલાદક લાગી રહ્યો હતો. અનુભવી ફોટોગ્રાફર મિત્રો સાથે હોય એટલે યોગ્ય સ્થળ મળે એટલે એની યાદો કેમેરાની આંખે ઝડપી લેવાની કોઈ તક ચુકાય નહીં એટલે વહેલી સવારના સુંદર દ્રશ્યો કેમેરામાં કંડારી અમે વાયા હડાદ લેબડીયા તરફ આગળ વધ્યા.
વચ્ચે અમારા સ્થાનિક સ્નેહી શ્રી કાંતિભાઈ પ્રજાપતિએ અમને આગ્રહ પૂર્વક ચા- પાણી કરાવ્યા. હડાદ તરફ જતા સ્થાનિક ભાષામા કિડી-મકોડી તરીકે ઓળખાતી રૂપ રૂપના અંબાર સમ લાગતી નદીના દર્શન થયા. નદી મળે એટલે એના પ્રત્યે જરૂર અહોભાવ થાય એટલા ઉપકાર એના માનવ સભ્યતા- સંસ્કૃતિ ઉપર છે. હડાદ એ બનાસ કાંઠાના દાંતા તાલુકાનું અંતિમ ગામ પછી સાબરકાંઠા ની સરહદ શરૂ થાય એટલે હડાદથી અમારે બનાસકાંઠાની બોર્ડર ક્રોસ કરી સાબરકાંઠાના લેબડીયા અને પોશિનાની મુલાકાત લેવાની હતી. ખેડબ્રહ્માથી અલગ પડી પોશીનાએ હવે તાલુકાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્થાનિક લોકો ખેડબ્રહ્માને ટૂંકમાં ખેડ કહીને સંબોધે છે. લેબડીયાથી સ્થાનિક મિત્ર કમ ગાઈડ વિક્રમસિંહને સાથે લઈ અમે પોશિના તરફ આગળ વધ્યા.
બન્ને કાંઠે વહેતી જીવનદાયીની લોક્માતા સાબરમતી નદીના દર્શન કરી અમે પ્રવાસની શુભ શરૂઆત કરી. લેબાડિયા-પોશિના વિસ્તારના તળાવો કુદરતી સૌંદર્યથી પરિપૂર્ણ છે. અહીં તમે ચારેબાજુ હરિયાળી, શાંતિ અને સ્વચ્છ પાણીનો આનંદ માણી શકો છો. સૌ પ્રથમ લેબડીયાથી પોશિના વચ્ચે આવેલ પ્રસિધ્ધ ચુલીધોધ જોવા પહોંચ્યા. સેઈ નામની નદી અહીં વિવિધ આકારના વિશાળ પથ્થરોને કંડારતી , પથ્થરો સાથે લય મેળવતી દર્શનિય ધોધ સ્વરૂપે સાબરમતીના નીરને મળવા ઝડપભેર ઉતાવળે પ્રવાહીત થઈ રહી હતી. ચોમાસું વિત્યાને ત્રણ-ચાર મહિના પસાર થઈ ગયા હોવા છતાં નદીના પાણીનો પ્રવાહ અવિરત હતો. અમે આ જ્ગ્યાએ કોઈ બીજી દુનિયામાં પ્રવેશ કર્યો હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો. અહીંના પથ્થરોની રચના અને પાણીનો પ્રવાહ અદ્દભુત લાગી રહ્યો હતો. વર્ષોથી કુદરતી અને માનવ થપાટો ખાતા પથ્થરોની રચના એવી રીતે ઘડાણી છે કે તમે શારીરિક અને માનસિક રીતે સક્ષમ હો તો જ ઊંડે સુધી આ પથ્થરો ઉપર પરિભ્રમણ કરી શકો, છતાં ખૂબ ખ્યાલ રાખવો પડે એવી માયાજાળ અહીંના લપસણા પથ્થરોએ સર્જી છે.
નાના ધોધરૂપે ખાબકતો પાણીનો અવિરત પ્રવાહ કર્ણપ્રિય સંગીત ની અનુભૂતિ કરાવે છે. પ્રકૃતિ પ્રેમી અને અભ્યાસુ મિત્રો માટે આખો દિવસ,ઓછો પડે એટલી વિવિધતા અહીં જોવા મળે છે. પ્રિ વેડીંગ શુટિંગ કે ફિલ્મ શુટિંગ માટે ઉત્તમ સ્થળ છે.અહી ફોટોગ્રાફી કરવાની પણ એક અલગ મજા છે. અમારી ટીમમાં ફોટોગ્રાફી ના અનુભવી કલા કસબી એવા મિત્રો હોય અને અદભૂત દ્રશ્યો કેમેરામાં ઝીલાય એટલે તો આપણે આઠે પહોર લીલા લહેર જેવી યાદો આજીવન સચવાઈ જાય અને બન્યું પણ એવું જ. આ જગ્યાએ યાદગાર ફોટોગ્રાફી કરી અને પથ્થરોની જાદુઈ જુગલબંધી નીહાળી અમારી ઊર્જા ને નવું બળ મળ્યું. ચુલી ધોધની અવિસ્મરણીય મુલાકાત બાદ પોશીના નજીક આવેલા લાખિયા ગામના લાખિયા તળાવની મુલાકાતે અમે પહોંચ્યા.
સંપૂર્ણ તળાવ કુદરતી આવરાના પાણીથી છલોછલ ભરેલું હતું. સામે પર્વતો અને પાણીમાં પક્ષીઓ વિહાર કરી રહ્યા હતા એટલે બર્ડ વોચિંગ અભ્યાસુ મિત્રો માટે પણ આ યોગ્ય સ્થળ ગણી શકાય. તસવીરો માટે પણ ઉત્તમ સ્થળ. આ સ્થળની થોડીક યાદગાર ફોટોગ્રાફી કરી અમે નજીક આવેલ કોળદ ગામમા આવેલ ગુજેશ્વર મહાદેવના દર્શને ગયા. નાનકડું પણ તોતીંગ વૃક્ષો વચ્ચે બાલારામની યાદ અપાવતુ આ મંદિર પાસે વહેતો પાણીનો નાનકડો ધોધ આ સ્થળને વધુ રમણીય બનાવી રહ્યો હતો. સ્થાનિક આદિવાસી સમાજના લોકો શિવની સાક્ષીએ કોઈ સામાજિક ચર્ચા હેતુ મિટીંગ કરી રહ્યા હતા. આવા સ્થળોએ યોજાતી મીટીંગોનું ખાસ મહત્વ રહેલું છે. ત્યાંથી આગળ વધતા ગાઈડ વિક્રમસિંહ વચ્ચે આવતા વિવિધ ઉપયોગી વૃક્ષો વિશે માહિતગાર કરી રહ્યા હતા. આ જુઓ કડાયાનુ વૃક્ષ જેના ગુંદનો ઉપયોગ મેડીસીન અને ટેક્ષ્ટાઈલમાં થાય છે અને ખુબ ઊંચા ભાવે આ વૃક્ષનો ગુંદ માર્કેટમાં વેચાય છે. આ કડાયાનુ વૃક્ષના પાંદડા ખરી જાય એ પછી આ વૃક્ષ સુંદર લાગે છે. વિક્રમસિંહ અમને વિવિધ ઝાડવાઓની વિગતવાર ઉપયોગી માહિતી પીરસી રહ્યા હતા. મેં કડાયાના વૃક્ષની વિગતે ઓળખાણ પ્રથમવાર કરી. કોળદ ગામના નામે જ ઓળખાતુ બીજુ એક કોળદ ગામને નામે ઓળખાતું કોળદ તળાવ જોવા ગયા, જે કુદરતી પાણીના આવરાથી ભરેલું હતું. આ વિસ્તારને ઉદેપુરની જેમ ઝીલો ની નગરી કહી શકાય. આજુબાજુના ડુંગરાઓ અને જંગલોના પાણીએ આ વિસ્તારને પાણીની અછતથી દુર રાખ્યો છે એવું તો લીલાછમ ખેતરોમાં લહેરાતા પાકથી જરૂર માની શકાય.
ગ્લોબલ વોર્મિંગની અસર તળે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોર ચડી ગયા એટલે પોશિના ભોજન લેવા પહોંચ્યા. હોટેલ જોઈને જમવાની ઈચ્છા ન થઈ પણ બીજો કોઈ ઓપ્શન ન હોવાથી ત્યાં જ જમવાનું નક્કી કર્યું પણ જ્યારે જમ્યા ત્યારે થયું કે દેખાવ જોઈને નિર્ણય ન કરવો હોટેલ ભલે સાદી અને અસ્વચ્છ લાગે પણ જમવાનું એટલું જ સસ્તું ,પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગ્યું જેનાથી ભોજન પછીની ઊભી થનાર પરિસ્થિતિથી અમે બચી શક્યા. પોશિના તાલુકાનું સ્થળ હોવા છ્તાં હજુ જરૂરી સુવિધાઓથી વંચિત વિસ્તાર છે એટલે થોડીક અગવડો જરૂર પડે પણ એના મોટાભાગના પ્રાકૃતિક સ્થળો મહદઅંશે સચવાઈ રહ્યાં છે એ આશ્વાસનરૂપ જરૂર ગણાય.
પોશિનાના સાલેરી ગામે આવેલ ટેરાકોટા ઘોડા મંદિર કે જ્યા ભાખર બાબજી બિરાજમાન છે તે પણ આ વિસ્તારનું આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરનુ મુખ્ય આકર્ષણ છે ટેરાકોટામાં બનાવેલા ઘોડાની મૂર્તિઓ. સ્થાનિક લોકો ઇચ્છાપૂર્તિ માટે માટીના ઘોડા ચઢાવે છે. લોકઆસ્થા અને કલા બંનેનું અનોખું સંયોજન અહીં જોવા મળે છે. હસ્તનિર્મિત મૂર્તિઓનો સુંદર સંગ્રહ છે અહીં. દેશ વિદેશથી અનેક શ્રધ્ધાળુઓ પોતાની ઈચ્છાપૂર્તિ હેતુ માનતા પુરી કરવા વર્ષ દરમિયાન નિયમિત આવે છે. .
ટેરાકોટા ઘોડા મંદિરની મુલાકાત બાદ અમે પોશિના પાર્શ્વનાથ જૈન તિર્થકર મિરર આર્ટ જૈન મંદિરના દર્શને ગયા જ્યાં મંદિરની અંદર દિવાલો અને છત પર અદ્દ્ભૂત મિરર વર્ક છે જે પ્રકાશ પડતા ઝગમગી ઉઠે છે. જૈન સંસ્કૃતિનું શાંત, પવિત્ર સ્થળ છે અહીંની અદ્વિતીય કાચકળા (Mirror Art) જોવા જેવી છે.
અંતે અમે સૌ ૧૪મી સદીમા નિર્મિત પ્રાચિન શિવ મંદિર જોવા પહોંચ્યા જ્યાં નિલકંઠ મહાદેવ મંદિરની પાસે સતિયા શેરી છે જ્યા અનેક સ્ત્રીઓએ પોતાના પતિના મૃત્યુ બાદ સતી થઈ એમના સ્મરણરૂપે છત્રીઓના સ્મારક સમાંતર જોવા મળે છે. દુઃખદ બાબત એ છે કે આ જગ્યાએ દબાણ અને ગંદકીનું સામ્રાજય છવાયું છે અને આ પ્રાચીન સ્મારકોની જોઈએ એવી જાળવણી થઈ શકી નથી એટલે આ વિસ્તારની મુલાકાતથી થોડી ગ્લાની અને નિરાશા અનુભવી. જેમ મોટાભાગના વિસ્તારોમાં ઐતિહાસિક સ્મારકોની દુર્દશા જોવા મળે છે એ જ રીતે અહીં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી. આપણે આપણા ઐતિહાસિક સ્મારકો પ્રત્યે કેટલા ઉદાસીન છીએ એ સમજવાની તાતી જરૂર છે.
છેલ્લે હડાદ પાસે અકબરભાઈ ચાવડા દ્વારા સ્થાપિત સણાલી આશ્રમ ની મુલાકાત લેવી હતી પણ સમયના અભાવે એ શક્ય ન બન્યું. પોશિના વિસ્તારમાં હજુ ઘણું જોવાનું બાકી રહી ગયું છે પણ ફરી કોઈકવાર એનું આયોજન કરીશું.
-નિતિન પટેલ (વડ્ગામ)





