પ્રવાસ

ગુરૂશિખર ટ્રેકિંગ – માઉન્ટ આબુ

૭, મે, ૨૦૨૩ના રોજ પાલનપુર સ્થિત જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા માઉન્ટ આબુ સ્થિત ગુરૂશિખર ટ્રેકિંગનું આયોજન થયું. મે મહિનામાં ઉનાળાની ગરમી ચરમસીમાએ હોય એટલે મન ટ્રેકિંગમાં જોડાવા હાલક ડોલક થતુ હતુ. પરંતુ લોકેશન માઉન્ટ આબુનું ગુરૂશિખર હોવાથી ત્યાં પાલનપુર કરતા તાપમાન ઓછુ હશે એમ સમજી શકાય એમ હતુ અને પાછો જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપના જયેશભાઈનો ખાસ આગ્રહ પણ ખરો એટલે મન મક્કમ કરીને ફાઈનલી ટ્રેકિંગ માં જોડાવાનું નક્કી કર્યુ.

વહેલી સવારે ચાર વાગે ઉઠી ઝટપટ તૈયાર થઈ સવા પાંચ વાગે રીપોર્ટિગ સ્થળ દિલ્હી ગેટ ,પાલનપુર પહોંચી ગયો, જ્યાં ટ્રેકિંગ માં જોડાનાર મિત્રો મારાથી પણ વહેલા પહોંચી રાહ જોતા ઊભા હતા. સવારે સાડા પાંચે અમે માઉન્ટ આબુ તરફ જવા પ્રયાણ શરૂ કર્યુ. દોઢેક કલાકના ટ્રાવેલિંગ બાદ અમે સવારે સાત વાગે માઉન્ટ આબુ પહોચ્યા. હિલ સ્ટેશનનો સવારનો ખુશનુમા પવન અમને તાજગીનો અહેસાસ કરાવી રહ્યો હતો. પ્રથમ અમે ચા – પાણી – નાસ્તા માટે જવાઈ નામના ખૂબસુરત સ્થળે આવેલી હોટલે પહોચ્યા. હિલ સ્ટેશનના આહલાદક વાતાવરણ વચ્ચે મસ્ત મઝાની ચા સાથે પૌંઆનો નાસ્તો કરી ફ્રેશ થઈ અમે ગુરૂશિખર તરફ આગળ વધ્યા. અમારે ગુરૂશિખરથી ટુ વે ટ્રેકિંગ કરવાનું હતું. શરૂઆતમાં ગુરૂશિખરથી પાંચ કિલોમીટર તળેટીમાં આવેલ ઉતરજ ગામ સુધી અમારે પગપાળા જવાનું હતું, ત્યારબાદ ઉતરજથી ગુરૂશિખર પાંચ કિલોમીટર ચઢાણ કરવાનું હતું. અમારી સાથે ટ્રેકિંગ કોચ મિત્ર કૈલાશભાઈ જાની તેમજ ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર એહમદભાઈ હાડા સાહેબ જોડાયા હતા એટલે ટ્રેકિંગ યાદગાર બનવાનો હતો, એનો અમને પહેલેથી જ ખ્યાલ હતો. ટ્રેકિંગમાં ઓગણીસ વર્ષથી માંડી ઓગણસાઈંઠ વર્ષ સુધીના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ હતા એટલે પ્રાકૃતિક વિવિધતાની સાથે સાથે ટ્રેકિંગ ટીમમાં પણ વિવિધ પ્રકૃતિના લોકો જોડાયા હતા એટલે ટ્રેકિંગ પણ વિવિધતા વાળો માણવાનો હતો.

જંગલ અને પર્વતોથી શોભતો સમગ્ર વિસ્તાર ભરઉનાળે પણ રમણીય લાગી રહ્યો હતો. ધીમે ધીમે અમે પથરાળ રસ્તે તો ક્યાંક ડુંગરાળ માટીના રસ્તે ખીણમાં ઊંડે ઉતરી રહ્યા હતા. અલૌકિક સ્વર્ગમાં પ્રવેશ કરી રહ્યા હોય એવી અનુભૂતિ અનુભવાઈ રહી હતી. ઘડી બે ઘડી શરીરને સ્પર્શી જતો ડુંગરાળ જંગલનો પવન અમને અનેરી તાજગી આપતો હતો. શાંત વાતાવરણ વચ્ચે વિવિધ વૃક્ષોની વનરાજી અને ખડકોમાંથી સંભળાતો પક્ષીઓનો કલરવ મન ને પ્રફુલિત કરતો હતો. અખૂટ અને અઢળક પ્રાકૃતિક સૌદર્ય ચોમેર રેલાતુ હતું . અમને મોબાઈલ કેમેરામાં શું ક્લિક કરવું અને શું ક્લિક ન કરવું એની કોઈ સુઝ પડતી નહતી એટલુ અઢળક કુદરતી સૌદર્ય અમારી આસપાસ વેરાયેલુ હતુ, પણ અમારી સાથે કુશળ ફોટોગ્રાફર હાડા સાહેબ હતા એટલે અમને એટલી તો ખાતરી હતી જ કે અમે ભલે આડેધડ ક્લિક કરીએ પણ હાડા સાહેબ નો કેમેરો મહત્વ ના દ્રશ્યો ક્લિક કરવાનું નહી ચુકે, જે ટ્રેકિંગ ને યાદગાર બનાવવા જરૂરી પણ હતું. કૈલાશભાઈ જાનીને જંગલના ટ્રેકિંગ નો ખાસ્સો એવો અનુભવ સાથે પક્ષીઓ અને વૃક્ષો વિશે સારુ એવુ જ્ઞાન એટલે વિવિધ પક્ષીઓ અને વૃક્ષોનો વિગતે પરિચય પણ સાથે સાથે અમને કરાવતા રહે. ટ્રેકિંગએ શારીરિક- માનસિક તંદુરસ્તી સાથે સાથે જ્ઞાનવર્ધક માટે પણ મદદરૂપ બની શકે. ગુફાઓ, વૃક્ષ- વનરાજી, વાવ- કુવાના મિઠા તાજગીસભર પાણી , તપસ્વિઓની ધુણી, દેવ દર્શન નો લ્હાવો માણવાની સાથે સાથે શુદ્ધ ઓક્સિજનરૂપી હવા ફેફસામાં ભરતા ભરતા , પ્રકૃતિનો રોમાંચિત કરી મુકે એવો અનેરો આનંદ માણતા માણતા અમે અમારા મુકામની દિશા તરફ આગળ વધી રહ્યા હતા. પહાડો અને જંગલોમાં તપસ્વિઓ શા હેતુ તપ કરતા હશે ? એ સમજવું અઘરૂ ન હતું. નીરવ શાંતિ વચ્ચે પ્રકૃતિમય થવું એટલે ઈશ્વરની અનુભૂતિ કરવી. બચપણમાં બાલારામના જંગલોમાં ઉછેરને કારણે જંગલો અને પર્વતોનું મને બચપણથી આકર્ષણ. કોઈ ધાર્મિક સ્થાનો કરતા જંગલો અને પર્વતો મને દેવ દેવીના અસલ સ્થાનકો હંમેશા લાગ્યા છે એટલું જ નહી એની સતત અનુભૂતિ પણ થતી રહી છે.

ટ્રેકિંગ દરમિયાન રસ્તામાં સ્થાનિક લોકોની મુલાકાત પણ થતી રહી દરમિયાન અમને આ સ્થળ વિશે રસપ્રદ માહિતી પણ પ્રાપ્ત થતી રહી..દરમિયાન રસ્તામાં એક સ્થાનિક રહેવાસીએ અમને મસ્ત મઝાની તાજી પહાડી ચા પીવડાવી. ઘણી વખત અજાણ્યા લોકો નિસ્વાર્થ ભાવે આપણી આગતા સ્વાગતા કરે કે આપણને મદદરૂપ થાય ત્યારે એમની ભાવનાને વંદન કરવાનું મન થાય .

આખરે કેતકી, ખજૂરી, થી શોભાયમાન રસ્તે અમે પ્રવેશ્યા જયાંથી અમે ઉતરજ ગામમાં પ્રવેશ કરવાના હતા. માત્ર ૪૦- ૫૦ ખોરડા ધરાવતું ઉતરજ ગામ સુધી પહોંચવા પગપાળા જ જવું પડે. શાંત, પ્રદુષણ રહિત સ્વચ્છ પ્રાકૃતિક ગામના દર્શન કરી આપણા વિકસતા ગામડાઓ કરતા મને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવતા ઉતરજ જેવા ગામ મને યોગ્ય લાગ્યા. અહી ગામનો કોઈ જ વ્યક્તિ નવરો બેઠેલો જોવા ન મળ્યો. કોઈ ગલ્લો- દુકાન નહી, કોઈ પ્રદુષણ નહી, કોઈ ઘોંઘાટ નહી. કોઈ કચરો નહી. પહાડો વચ્ચે વસેલ શાંત – નિર્મળ એવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અમે સૌ મિત્રોએ બેસી સૌ કોઈ પોતાના ઘરેથી લાવેલ સુકો નાસ્તો કર્યો. સ્થાનિક લોકો ખેતીવાડી કરે છે, તો કોઈ માઉન્ટ આબુમાં રોજગાર અર્થે દૈનિક ૧૦ કિમીનું અંતર કાપી સહજ આવ- જા કરે છે. સ્થાનિક લોકો અને બાળકોને મળી વિશેષ આનંદ થયો. આજના ચકાચૌંધ હાડમારી ભર્યા વધતા જતા શહેરીકરણ વચ્ચે શાંત, પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે વસેલ ઉતરજ જેવા નિર્મળ ગામ મહત્વપૂર્ણ સંદેશ આપે છે. સ્થાનિક રહેવાસીના ઘરે અમારી સાથે આવેલ દિકરી નિધિએ મસ્ત મઝાની બ્લેક ટી બનાવી. અમે બ્લેક ટી નો સ્વાદ માણી નવી તાજગી અને સ્ફૂર્તિ સાથે થોડો સમય આરામ કરી ફરી પાછા આકરા ઉનાળાની ભર બપોરે પાંચ કિમી તળેટીથી ગુરૂશિખરનું ચઢાણ શરૂ કર્યું. હવે અમારી ખરી કસોટી હતી. ચઢાણ આકરુ હતુ, પણ મોટાભાગના મિત્રોને ટ્રેકિંગ નો અનુભવ હોવાથી તેમજ રમણીય વાતાવરણ હોવાથી મનમાં ટાઢક હતી. થોડી થોડી વારે લહેરાતો ડુંગરાળ વાયરો પરસેવાથી તરબતર થયેલા શરીરને ઠંડકનો અહેસાસ કરાવતો હતો. કુદરતી નઝારાની મઝા માણતા માણતા તેમજ પોરો ખાતા ખાતા અમે પાછા ગુરૂશિખર તરફ ચઢાણ કરી રહ્યા હતા. સાથી મિત્રોના મન મળી ગયેલા હોઈ હળવી મજાક મસ્તી પણ અમને આનંદિત કરી રહી હતી. પર્વત ઉતરાણ દરમિયાન કરતા પર્વત ચઢાણ દરમિયાન શ્વાસો- શ્વાસ ની ગતિ વધી જતી હોય છે જે અમારા ફેફસાને કસરત આપવામાં મદદરૂપ થઇ રહી હતી. ટ્રેકિંગનો શોખ વ્યક્તિ ની સંકુચિતતાઓ દુર કરી દુનિયાને વિશાળ દ્રષ્ટિથી જોવાની ક્ષમતા પ્રદાન કરે છે. અલૌકિક આનંદનો અનુભવ કરાવે છે પણ મન હોય તો માળવે જવાય એ ઉક્તિ મુજબ ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો જ તમે પ્રકૃતિને પામી શકાય.

આખરે અમે આનંદપૂર્વક યાદગાર, અભ્યાસપૂર્ણ, ટ્રેકિંગ પુર્ણ કરી લગલગાટ અઢી વાગ્યા આસપાસ ગુરૂશિખર પરત ફર્યા .હવે અમે ટ્રેકિંગ કર્યુ હોવાથી કકડીને ભુખ લાગી હતી એટલે ઝટપટ બધા જીપમાં ગોઠવાઈ ગયા અને નખી લેક અગાઉથી બુક કરાવેલ હોટલમાં ભોજન લેવા પહોંચી ગયા. ખૂબ જ સરસ સ્વાદિષ્ટ ભોજન લઈ અમે નખી લેક તળાવની મુલાકાત લીધી, થોડીક ફોટોગ્રાફી કરી. જનસેવા એ જ પ્રભુ સેવાના શ્રી જયેશભાઈ સોની દ્વારા ટ્રેકિંગમાં ભાગ લેનાર દરેક સભ્યને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. ટ્રેકિંગ નો સહજ થાક દરેકના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો એટલે થોડોક આરામ કરી એક યાદગાર ટ્રેકિંગના અનુભવની સાથે ચા- પાણી – આઇસક્રીમની મઝા માણી પરત પાલનપુર રવાના થયા.

જનસેવા એ જ પરભુસેવા ગ્રુપ દ્વારા પાલનપુરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ અંતર્ગત ટ્રેકિંગ કેમ્પનું સરસ આયોજન કરવામાં આવ્યુ હતું.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More