પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ )

૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો આગળનો પ્રવાસ ડાંગના ગીચ જંગલો વચ્ચે આવેલ ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાતનો હતો. સાપુતારાથી કોઈ શટલીયા વાહનની સુવિધા નહી, એટલે બસમાં જ અમારે આગળની મુસાફરી કરવી પડે એમ હતી અને એ પણ લોકલ બસમાં કારણકે અમારે સાપુતારાથી ૫૦ કિમીના અંતર બાદ જે જગ્યાએ ઉતારવાનું હતું એ જગ્યાએ કદાચ એક્સ્પ્રેક્ષ્ બસ સ્ટોપ ના કરે.  આમ પણ ડાંગના આ વિસ્તારમાં બસની ફ્રીક્વ્ન્સી ખૂબ ઓછી જોવા મળી પણ સદ્દભાગ્યે અમને સવારમાં રાત્રે સાપુતારામા રાત્રે હોલ્ટ થયેલ લોકલ બસ મળી ગઈ. અમે સાપુતારા બસ સ્ટેશન ઉપર સવારનો ચા – નાસ્તો કરી GSRTC ની બસમાં બેઠા. બસ સાપુતારાથી જ ઉપડતી હોવાથી ખાલી ખમ હતી અને હિલ સ્ટેશનની મુલાકાતે આવનારા અમારા જેવા મુસાફારો તો ભાગ્યેજ હોય જે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરતા હોય, એટલે અમે તો એમ માન્યું કે જાણે આખે બસ અમે હાઈજેક કરી હોય એટલે શરૂઆતમાં જ પહેલી સીટ ઉપર બેસી ગયા. થોડીવારમાં કંડકટર કાકા આવ્યા અમને કહે આ બસ તો આગળ જતા ખીચોખીચ ભરાઈ જશે એટેલે તમને આ જગ્યા એ બેસવામાં તકલીફ પડશે એટેલે અમે એમની વાત માની થોડાક પાછળ જતા રહ્યા અમને એમ થયું કે કે એવી તો બસ કેવી ભરાતી હશે તે આપણને એ જગ્યાએ બેસવામાં તકલીફ પડશે.? છતાં અમે એ વડીલ કંડકટરની વાતમાં કંઈક તથ્ય હશે એમ માન્યું. અમારે સાપુતારાથી ગીરા ધોધ સુધીનું અંદાજિત પચાસેક કિમીનું ટ્રાવેલિંગ બસ મારફત કરવાનું હતું. સાપુતારાની ટોચેથી બસ નીચે ઉતરી રહી હતી જેમ સાપુતારા આવતી વખતે અમે બસમાં બેઠા બેઠા જેમ ડાંગના જંગલોનું સૌન્દર્ય માણ્યું હતું એમ પરત જતા પણ પાછુ એ જ ખીણો , વૃક્ષો, નદી , ઝરણારૂપી કુદરતના અખૂટ સૌન્દર્યને માણતા માણતા અને એ જ રીતે સર્પાકાર વળાંકો વાળા ખૂબસુરત રોડ ઉપરથી પસાર થતી બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી. રસ્તા માં ઠેર ઠેર વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે એ બાબત ચેતવણી આપતા બોર્ડ જોવા મળતા હતા અને અહી ગીચ વન હોવાથી વિવિધ પ્રકારના વન્ય જીવો નું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં હશે એવું ચોક્કસ માની શકાય એટલે અજાણ્યા લોકો એ આવા વિસ્તારમાં કોઈ જાણકાર વ્યકિતને સાથે રાખી પ્રવાસ કરવો જોઈએ. ધીમે ધીમે જેમ રસ્તામાં ગામડાઓ આવતા ગયા એમ એમ બસમાં પેસેન્જરોની ભરતી ભયંકર દરિયાઈ મોજાની માફક થવા માંડી અમને હવે કન્ડકટર કાકાની વાત સાચી લાગી સાપુતારાથી ૨૦ -૩૦ કિમી ના અંતરમાં તો બસ હકડેઠ ભરાઈ ચુકી હતી. મોટે ભાગે અભ્યાસ અર્થે અને નોકરી ધંધાર્થે જતા ડાંગી વનવાસીઓ હતા એમની ડાંગી ભાષામાં થતી વાતચિતમાં અમને કોઈ ખ્યાલ તો આવતો ન હતો પણ એમની ભાષા એટલી તો મીઠી હતી કે સમજણ ન પડતી હોવા છતાં સંભાળવાનો આનંદ આવતો હતો. ડાંગી આદિવાસી બાળકોમાં હવે શિક્ષણનું પ્રમાણ ખાસું એવું વધ્યું હોય એમ લાગ્યું. બાળકો ફેશનેબલ અંદાજ માં તૈયાર થઇ ને આવ્યા હતા એમની વચ્ચે થતી વાતચિત દરમિયાન એમના હસમુખા ચહેરા જોઈને એમ લાગે કે પ્રકૃતિ વચ્ચે રહેનાર બાળકોને જન્મજાત પ્રાકૃતિક વિરાસત વારસામાં મળેલી  હોય. અગાઉ જણાવ્યું એમ બસ ભરપુર માનવ ભીડથી ઉભરાઈ રહી હોવા છતાં કોઈ જાતનો કકળાટ કે અવ્યવસ્થા બસમાં જોવા ન મળી.

સરકારી બસમાં મુસફરી કરવાથી સ્થાનિક વિસ્તારની મોટાભાગની વાસ્તવિકતાથી વાકેફ થઇ શકાય છે. આખરે બસ ગીરા ધોધ ના પાટિયે આવી પહોંચી અમે હાઈવે ઉપર સ્થિત ગીરા ધોધ જવાના પાટિયે બસમાં ઉભેલા શિસ્તબદ્ધ  મુસાફરોને લીધે હકડેટ ભીડ માંથી અસાનથી ઉતરી શક્યા. ગીરા ધોધ જવાના પાટિયા પાસે એક  નાની હાટડી અને ચા ની લારી હતી અહી અમે ચા–પાણી – નાસ્તો કરી થોડા ફ્રેશ થયા. દુકાનમાં વેચાતી વસ્તુઓ પૈકી ગિલોલ પર મારી નજર પડી પણ એ ટકાઉ ન લાગતા એને લેવાનું માંડી વાળ્યું. હાઈવે ઉપર શ્રી ગીરા ધોધ જવાનું બોર્ડ મારેલું એમાં અંતર ૧.૫ કી.મી લખેલું. અહી શટલિયા વાહનોની કોઈ જ સુવિધા નથી એટલે અમારે પગપાળા જવાની માનસિક તૈયારી રાખવા સિવાય કોઈ વિકલ્પ નહતો. વાતાવરણમાં ગરમી વર્તાતી હતી અને પાંચ એક કિલો વજન ધરાવતી ટ્રાવેલિંગ બેગ ખભે ભરાવી શ્રી ગીરા ધોધ તરફ જવા પ્રયાણ કર્યું. ગીરા ધોધ પહેલી વાર જોવા જતા હોવાથી મનમાં એક ગજબનો ઉત્સાહ હતો એટેલ પગ પણ એ દિશામાં સાથ આપી રહ્યા હતા. પગપાળા જવાથી એક ફાયદો એ થયો કે આજુબાજુ પ્રકૃતિથી સમૃદ્ધ વાતાવરણ ગરમીમાં મનને ટાઢક આપી રહ્યું હતું. હું અને સુરેશ વાતો કરતા કરતા અને આજુબાજુ ના દ્રશ્યો ને માણતા માણતા આગળ વધી રહ્યા હતા રસ્તામાં સ્થાનિક વાંસ બનાવટની હસ્તકલા ની ઉપયોગી વસ્તુઓ વેચતી નાની હાટડીઓ જોવા મળી અમે એની પણ મુલાકાત લીધી. પાંચેક રૂપિયાનો ટેક્ષ ચુકવીને અમે ગીરા ધોધ વિસ્તારમાં પ્રવેશ કર્યો તો ત્યાં અંદાજીત ૩૦ ફૂટ જેટલી ઊંચાઈ થી ખાબકતો ગીરા ધોધ દર્શનિય લાગી રહ્યો હતો. ચોમાસાને હજુ પૂરું થવાને થોડો સમય બાકી હતો એટલે અંબિકા નદીમાં પર્વતોમાંથી સારા એવા પ્રમાણમાં પાણી આવી રહ્યું હતું અને એનો સ્પષ્ટ પ્રભાવ ગિરા ધોધ ઉપર જણાઈ રહ્યો હતો. આશરે ૩૦૦ ફૂટ પહોળાઈ ધરાવતો ગિરા ધોધ મીની નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખાય છે. ડાંગના જંગલોની ભરપુર વનરાજી વચ્ચે આવેલો ગિરા ધોધ મનમોહક લાગે છે. કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુ ગિરા ધોધ નજીક જવાની ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગિરા ધોધ, વહેતી નદી અને વનરાજી વચ્ચે અમે જાણે કોઈ સ્વર્ગમાં ઉતારી આવ્યા હોય એવી અનુભૂતિ અનુભવતા હતા. ગીરા ધોધના દર્શન કર્યા બાદ અમે  નદી એટલી જોખમી વહેતી ન   હોવાથી  નદી વિસ્તારમાં ઉતર્યા ત્યાં યાદગીરીરૂપે થોડીક ફોટોગ્રાફીનો આનંદ લીધો. તડકો માથે હોવાથી મોબાઈલમાં ફોટોનું રિઝલ્ટ જોઈએ એવું મળતું નહતું. ફોટોગ્રાફી માટે હંમેશા વહેલી સવાર અને ઢળતી સાંજનો માહોલ વધુ અનુકૂળ રહેતો હોય છે પણ અમારા નશીબમાં એ હતું નહિ. થોડીક ફોટોગ્રાફી કર્યા બાદ અમે નદી એરિયામાં લાગેલા કેટલાક સ્ટોલ માંથી લીંબુ પાણી પીધું જેથી ગરમીમાં થોડીક રાહત અનુભવાય. ગિરા ધોધની જગ્યાએ ચા–પાણી-નાસ્તા અને જમવાની સ્થાનિક વ્યવસ્થા છે જેને અનુકૂળ હોય એ ચાર્જ ચૂકવીને મેળવી શકે છે પણ પ્રવાસન ધામ તરીકે વન વિભાગ દ્વારા ઠીક ઠીક વિકાસ કરવામાં આવ્યો છે પણ હજુ ઘણી વ્યવસ્થાઓનો અહી અભાવ છે. ગિરા ધોધ જોવા જવાનું થાય ત્યારે પ્રાઈવેટ વાહન અને યોગ્ય સમય પસંદ કરવો જરૂરી છે જુલાઈથી દિવાળી સુધી ગીરા ધોધ પાણીના વધુ પ્રવાહને કારણે વધુ આકર્ષક લાગે છે ત્યાર બાદ અંબિકા નદી ઉપર આગળ કોઈ ચેક ડેમ બાંધેલો હોવાથી પુરતી માત્રા માં પાણી આવી શકતું નથી પણ ચોમાસના વરસાદને કારણે જુલાઈ થી ડિસેમ્બર એમ છ મહિના સુધી ધોધને સારી રીતે માણી શકાય છે. નવસારી જીલ્લાના વધઈ નજીક ગિરા ધોધ આવેલો છે. અહી વાંસની હસ્તકલાની સારી વસ્તુઓ વેચાતી હતી પણ અમારે પગપાળા ૧.૫ કિમી ચાલી હાઈવે જવાનું હતું અને અમારી જોડે આ બધી વસ્તુઓ બેગમાં રાખી શકાય એમ ના હોવાથી અમે ખરીદી કરવાનું માંડી વાળ્યું. અહી કોઈ શટલીયા વાહનની સુવિધા ન હોવાથી અમે ગિરા ધોધની યાદગાર મુલાકત લઇ પરત ૧.૫ કિમી દુર આવેલ નેશનલ હાઈવે તરફ જવા પગપાળા પ્રયાણ કર્યું ત્યારે સુરજ દાદા બરાબરના તપી રહ્યા હતા.

જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિકલ્પ પસંદ કરીને જ્યારે તમે આવા પ્રવાસ કરો છો ત્યારે અનેક અનુભવો મળે છે સાથે સાથે આપની શારીરિક ક્ષમાતાની પણ કસોટી થાય છે. ભાદરવો બરોબરનો તપી રહ્યો હતો તો સાથે સાથે અમારા તન- મન પણ એની અસર તળે આવી ચુક્યા હતા, પણ અમારી જોડે સમય ઓછો હતો અને મુલાકાતો લેવાની વધુ હતી એટલે આરામ હરામ હૈ એ દિશામાં અમે અમારો દક્ષિણ ભારતની પ્રવાસ ખેડી રહ્યા હતા. અમે ગીરા ધોધથી ૧.૫ કિમી અંતર પગપાળા કાપી અમે પાછા નેશનલ હાઈવે આવ્યા. અહી થી હવે અમારે ગુજરાતના સૌથી મોટા નેશનલ હાઇવે ઉપર થોડેક અંતરે દક્ષિણ ડાંગ વિસ્તારમાં વધઈ નજીક આવેલ ગુજરાતના સૌથી મોટા વનસ્પતિ ઉદ્યાન જોવા જવાનું હતું.

અગાઉ જણવ્યું એમ અહી કોઈ શટલિયુ વાહન કોઈ મળે નહી અને બસનું કોઈ ઠેકાણું નહિ એટલે હવે અમે બરાબરના અટવાયા હતા ત્યાં કોઈ ભાઈ બાઈક લઈને નીકળ્યો અમે હાથ આપ્યો તો એણે બાઈક ઊભું રાખ્યું અમે કહ્યું વનસ્પતિ ઉદ્યાન સુધી લઇ જાવ તો એ વનવાસી ભાઈ દિલ નો એટલો ઉદાર કે ત્રણ સવારી બાઈક ઉપર કરાવી અમને ફટાફટ બાઈક ચલાવી વનસ્પતિ ઉદ્યાનના દરવાજા પાસે ઉતારી દીધા એ બાઈક એટલી ઝડપે ચલાવતો હતો કે મનમાં થોડો એક્સીડેન્ટ થઇ જવાનો પણ ભય હતો છતાં એણે અમારા માટે જે સહાનુભૂતિ બતાવી તે બદલ અમે તેમનો આભાર માન્યો.

ડાંગ જિલ્લાના વઘઈ વનસ્પતિ ઉદ્યાન માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરની સાથે વિદેશમાં વસતા કુદરતપ્રેમીઓ માટે અનોખુ આકર્ષણ કેન્દ્ર છે. આ બોટનિકલ ગાર્ડન અમૂલ્ય દુર્લભ વનસ્પતિઓ અને વૃક્ષોનો ખજાનો ધરાવે છે. ૨૪ હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ૧૧ વિભાગો છે, જ્યાં દુર્લભ ઔષધિનો ભંડાર જોવા મળે છે. આ વિભાગમાં સૌથી આકર્ષણ ગ્રીન પ્લાન્ટનું છે જેમાં એવાં વૃક્ષોનો સમાવેશ થાય છે જે સદાબહાર ગ્રીન રહે છે. આ પ્રકારનાં વૃક્ષોની સાચવણી માત્ર આ સ્થળે જ કરવામાં આવી છે.

સમગ્ર દેશનાં અનેક પ્રકારનાં એવાં વૃક્ષો જે જોવા પણ દુર્લભ હોય છે તેની માટે આ બોટનિકલ ગાર્ડનમાં આખો એક વિભાગ બનાવવામાં આવ્યો છે. જ્યાં પ્રવેશ કરતા જ કોઈ જંગલના સાંનિધ્યમાં આવી ગયા હોય તેવો અહેસાસ થાય છે. એટલું જ નહીં, આંખોને ઠંડક મળે એવી અને અનેક પ્રકારની કુતૂહલતા થાય તેવી અલભ્ય વૃક્ષોની જાત અહીં જોવા મળે છે. આ ઉપરાંત આરોગ્ય વન, બામ્બુ પ્લોટ, ટેક્ષોનોમી પ્લોટ, ડ્રાય ડેસીક્યુઅસ પ્લોટ, સ્કલ થોર્ન ફોરેસ્ટ, ડાંગ પ્લોટ, મોઇસ્ટ ડેસીક્યુઅસ પ્લોટ, ઇન્ટર પ્રિટેશન સેન્ટર અને ગ્રીન હાઉસનો સમાવેશ થાય છે.


એવરગ્રીન પ્લોટ દક્ષિણ અને પૂર્વ ભારતમાં જોવા મળે છે. જેની ૩૨૮ જેટલી વનસ્પતિઓની જાતો છે. જ્યારે મોઇસ્ટ ડેેસીક્યુઅસ પ્લોટ ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લામાં જ જોવા મળે છે. જેની ૩૨૩ જાતો આ ગાર્ડનમાં ઉપલબ્ધ છે. જેમાં લેગર્સટ્રોમિયા, શોરિયા, ટેકનોનિક, ડિલેનિયા, અલેબીમીયા જેવી જાતોનો સમાવેશ થાય છે. આરોગ્યવનમાં વિવિધ પ્રકારની ઔષધિ ઉપયોગ અને ઓળખ માટે રાખવામાં આવી છે. ૪૬૮ જેટલી ઔષધિ આ ઉદ્યાનમાં છે. અતિ દુર્લભ ગણાતા ૧૪૨ જાતના કેક્ટર્સ અહીં જોવા મળે છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ જગ્યાએ આવા કેક્ટર્સ હશે. રોઝ પ્લોટમાં ગુલાબની વિવિધ જાતો ઉછેરવામાં આવી છે. અહીં જોવા મળતાં ગુલાબની એક અલગ જ ઓળખ છે.

૪૨ પ્રકારની જાતોનો સમાવેશ કરતા સૂકું પાનખર જંગલ પણ અહીં આવેલું છે. જેમાં ટર્મીનેલીયા, એનોગાયસીસ, ડાયોસપાયરસ સેમી કાર્પસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ક્રબ અને કાંટાળા જંગલમાં ૧૦૧ જાતો જોવા મળે છે. રણ પ્રદેશના જંગલ વિભાગમાં કેપરીસ, ટમચીક્ષ, ટેકોમેલા, યુફોરબીયા, પેરેનીયલ ઘાચી જેવી વનસ્પતિઓ આવેલી છે. વિશ્વમાં વાંસની લગભગ ૧૦૦ જાતો છે, જેમાંથી ૨૧ જાતો ભારતમાં જોવા મળે છે. આ ૨૧ જાતોમાંથી પાંચ જાતો વઘઈના બોટનિક્લ ગાર્ડનમાં છે.


વાનસ્પતિક દવાઓના વિભાગમાં અનેક એવી વનસ્પતિ છે. જે દવાઓ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદ, યુનાની હોમિયોપેથીમાં વપરાતી દવાઓને લગતી વનસ્પતિની ૨૫૭ જાતો છે. જ્યારે પામ વિભાગમાં પામની સાત જાતો જોવા મળે છે. ઓર્કિડ મ્યુઝિયમમાં ઓર્કિડની જુદી-જુદી અનેક જાતો જોવા મળે છે.

આપણા દેશી પ્રજાતિના પણ અસંખ્ય વૃક્ષો અહી જોવા મળે છે. વિવધ વૃક્ષો અને ફૂલ છોડ ધરાવતો આ બોટનીકલ ગાર્ડનની મુલાકાત માટે એક દિવસ તો ઓછો પડે એટલી વિવિધતા નહિ છે. અહી મુખ્ય ખામી એટલી છે કે મુલાકાતિઓ માટે કોઈ વિશેષ સુવિધા અહી જોવા મળી. ખાસ તો મહત્વપૂર્ણ વૃક્ષો અને ફુલછોડની વિગતે જાણકારી મળી શકે એવી કોઈ ગાઈડ ની વ્યવસ્થા અહીં ઊભી કરવી જોઈએ.

એકંદરે નિરાંતે અભ્યાસ મુલાકત લઇ શકાય એવો વધઈ નો વનસ્પતિ ઉદ્યાન છે. હવે સાંજ પડી ચુકી હતી અને અમારે ૬૦ કિમી દુર ચીખલી ગામે કેટલાક ખેફૂતોની મુલાકાતે જવાનું હતું. વનસ્પતિ ઉદ્યાન થી પાછા ચીખલી જવા હાઈવે ઉપર કોઈ બસ આવે તો રાહ જોઈને ઊભા હતા ત્યાં વળી કોઈ દિલદાર વનવાસી મિત્ર બાઈક લઈને જતો હતો તેને હાથ કરતા તે અમને ત્રીપલ સવારી હેલીકોપ્ટર ની જેમ ઉડાડતો વઘઈ બસસ્ટેન્ડ ઉતારી ગયો. વધઇ બસસ્ટેન્ડ બસ ની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓથી ભરચક હતું. (ક્રમશ : )

– નીતિન એલ. પટેલ (વડગામ )

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More