પ્રવાસ મુલાકાત

દાંતા તાલુકાના ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત..

પહેલી વાર દાંતા તાલુકામાં આવેલ અંતરશાહ દરગાહની મુલાકાતે જઈ રહ્યો હતો મારી સાથે મેપડાના જાગીરદાર એવા મિત્ર હારૂનભાઈ હતા. દાંતા રતનપુર ચોકડીથી અમે દક્ષિણ તરફ સતલાસણા હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે મનમાં અંતરશાહ દરગાહ વિશે અનેક તર્ક વિતર્ક મનમાં ઊઠી રહ્યા હતા. ધીમે ધીમે અમારી ગાડી આગળ વધી રહી હતી તેમ તેમ મને હારૂનભાઈ આ દરગાહ વિષે થોડી થોડી માહિતી આપી રહ્યા હતા તેમ તેમ મારી ઇન્તેજારી વધતી જતી હતી. હાઈવે ઉપર થોડે દૂર જતા ડાબી બાજુએ અંતરશાહ દરગાહનું બોર્ડ જોવા મળ્યું ત્યાંથી અમે દાંતાના વન વિસ્તારમાં પ્રવેશ્યા. ગુરૂવાર અને રવિવારે આ સ્થળે અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. દરગાહના સ્થળથી એક-બે કીલોમીટર દૂર વાહન પાર્ક કરીને ચાલતા જવું પડે એવી શ્રધાળુઓની ભીડ અઠવાડિયાના આ બે વિશેષ વાર દરમિયાન જોવા મળતી હોય છે પણ અમે સોમવારે દરગાહની મુલાકાતે જઈ રહ્યા હતા એટલે શ્રધાળુઓની સંખ્યા નહીવત હતી. અમે દાંતાના જંગલ વિસતાર ના સર્પાકાર રસ્તે નિરાંતે આગળ વધી રહ્યા હતા. થોડીક જ વારમાં અમે દરગાહની જગ્યાએ પહોંચ્યા તો ત્યાં વિશાળ વન વૃક્ષો અને ધીમી ગતિએ વહેતા ઝરણાના પાણીએ અમારું સ્વાગત કર્યું. ઊંચાઈ ઉપર સ્થિત દરગાહ ની જગ્યાએ સરળતાથી જઈ શકાય તે હેતુ ટ્રસ્ટ દ્વારા સીડીની વ્યવસ્થા કરવામાં આવી છે. આજુબાજુ અરવલ્લીની ગિરિમાળાઓ અને જંગલની વનરાજીથી શોભી ઉઠતી દરગાહે પહોંચતા અનેરી સુવાસ અનુભવવા મળી અહી દરગાહ કમિટી દ્વારા પીવાના પાણી અને બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

દરેક ધાર્મિક જગ્યાઓને એમાંય ખાસ કરીને કુદરતી સ્થળે આવેલી પવિત્ર જ્ગયાઓને આપણી પ્રજાએ જ્યાં ત્યાં કચરો નાખીને એની ગરીમાને ભયંકર હાની પહોચાડી છે. એ જ રીતે પ્રાકૃતિક જગ્યાએ આવેલ હઝરત અંતરશાહ વાલી દરગાહ ના પરિસર ને જ્યાં ત્યાં કચરો નાખીને પ્રાકૃતિક સ્થળ ને ગંભીર નુકસાન પહોંચાડવાનું કાર્ય મુલાકાતીઓ દ્વારા થઈ થઈ રહ્યું છે એ ચિંતાનો વિષય છે. ખાસ કરીને ધાર્મિક અને પ્રાકૃતિક જગ્યાએ પ્લાસ્ટિક ની વસ્તુઓ લઈ જવા ઉપર નિયંત્રણ મુકવાની તાતી જરૂર છે.

દરગાહ ની બાજુમાં આવેલ ટેકરી ઉપર જવા માટે સિમેન્ટના પગથીયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટેકરી ઉપર વર્ષોથી હજારો મણ વજનની પથ્થરની મોટી શીલા નજીવા ટેકા ઉપર વર્ષોથી ઉભેલ છે  જેને એક ચમત્કારિક ઘટના તરીકે મુલાકાતીઓ માને છે. ટેકરી ઉપર જતા હિલ સ્ટેશનનો અનુભવ થવાની સાથે આજુબાજુ વનરાજી અને પર્વતોનું રમણીય સ્થળ દ્રશ્યમાન થાય છે. દરગાહના દર્શનાર્થે આવતા ભાવિકો આ સ્થળેથી કુદરતને મન ભરીને માણી શકે એવી સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એવું કહેવાય છે કે દાંતા રાણાએ પણ દાંતા ગઢથી અંતરશાહ દરગાહે આવવા જંગલ માર્ગે રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

હઝરત અંતરશાવલી એક સાચા ફકીર હતા વર્ષો પહેલા ભૂતપૂર્વ દાંતા સ્ટેટના દાંતા ગામની બાજુમાં દક્ષિણ દિશા એ આવેલ અરવલ્લી પર્વતમાળાની ખીણોમાં ઝેર નામના ગીચ જંગલમાં તેઓ આવીને વસ્યા. ખુદાની બંદગીમાં કોઈ ખલેલ ન થાય એ માટે ભૂતપૂર્વ દાંતા રાજ્યના ઝેર નામના સૂનસાન જંગલની ભયાનક ખીણમાં તેઓએ ખુદાની બંદગી કરી. આ જગ્યા ગીચ સુનસાન એકાંતવાળી ને દિવસે પણ અંધારું રહે એવા ઘટાદાર વૃક્ષો ધરાવતી હતી તેથી અહીં વાઘ વરુ ચિત્તા દીપડા ઝરખ વગેરે હિંસક પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં રહેતા હતા ખુદાના ફકીર અંતરશાવલી દુર્વેશબાપુએ અહીં વસીને ખુદાની બંદગી કરી. ગુફામાં બેસી રાત દિવસ ઈબાદત કરતા રહેતા હતા. ગુફાની બાજુમાં જૈતુન નું વૃક્ષ હતું તેઓ એના છાંયડામાં બેસી બંદગી કરતા બાજુમાં બાપુની ધૂણી અને ચીપિયો રહેતા જે આજે પણ મોજુદ છે. વૃક્ષો અને ઘાસ પુષ્કળ પ્રમાણમાં હોવાથી આજુબાજુના ગામવાસીઓ પણ અહીં પોતાના ગાય ભેંસ ઘેટાં બકરા ચરાવવા આવતા તેઓ પણ આ ફકીરને ખુદાની બંદગીમાં લીન જોઈ આશ્ચર્યચકિત થઈ જોઈ રહેતા. બિકાનેરના માનનીય રાજમાતા મહારાણી શ્રીમતી સુશીલાકુમારી સાહેબા પણ હઝરત અંતરશાહ વલી ની દરગાહ પર અદબપૂર્વક હાજરી આપતા રહે છે . હઝરત પર એમને અટલ વિશ્વાસ છે. દાંતાના રાજમાતા સાહેબા માનનીય શ્રીમતી હિતેંદ્રકુમારી સાહેબા પણ તેમની સાથે હંમેશા આવતા રહે છે. તેઓ પણ અંતરવલી પ્રત્યે મજ્બૂત આસ્થા રાખે છે. દાંતાના રાજ્વી ઘરાણા  માટે તો બાપુની દુઆઓ છે જ કેમ કે અંતરશાહ બાપુ પહેલાંથી જ આ રાજવી કુટુંબ જોડે અનહદ પ્રેમ અને આદરભાવ ધરાવતા હતા. હઝરત અંતરવલીનો પવિત્ર સંદલશરીફ ખૂબ જ સાદગીપૂર્વક દર વર્ષે દરગાહ કમીટી દ્વારા મે માસમાં ઉજ્વવામાં આવે છે.


દરગાહથી પરત ફરતા એ જ રસ્તે થોડેક જ દૂર જતા રસ્તામાં અમે વિરાટ વડલા તેમજ અન્ય વ્રુક્ષોની શીતળ છાયા નીચે ખુરશી ટેબલ મુકેલા જોયા અમારા મનમાં કે કોઈ હોટેલ હશે અમે ત્યાં ગયા તો અમને ત્યાં નજીક અર્બુદા માતાજીનું મંદિર જોવા મળ્યું અમે અર્બુદા માતાજીના દર્શન કરીને નીકળ્યા તો થોડેક જ અંતરે આવેલ બુજ્ડા વાળી જહુ માતા, ગુરૂ ગોરખનાથ અને ગોગા મહારાજનું મંદિર જોવા મળ્યું. મંદિર નાનું હતું પણ અમને એમાં કંઈક વિશેષતા જોવા મળી એટલે અમે અટક્યા અને આ મંદિરની દર્શનાર્થે ગયા તો ખરેખર કોઈ ધાર્મિક સ્થળ નાનું હોવા છતાં કેટલું સુંદર એને પવિત્ર હોઈ શકે એનો અહેસાસ પળે પળે અનુભવાઈ રહ્યો હતો. સી.સી કેમેરાથી સજ્જ સ્વચ્છ અને વ્યવસ્થાપૂર્ણ પરિસર જોઈ અમને વિશેષ આનંદ થયો. નાની નાની બાબતો નો કાળજીપૂર્વક ખ્યાલ રાખીને વ્યવસ્થાપૂર્વક મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. બે ઘડી આપણએ ધ્યાન અને વિસામો કરવાનું મન થાય એવું નાનું પણ ભવ્ય મંદિરનો અહેસાહ થાય. આટલી સ્વછતા અને કાળજીપૂર્વક નિર્માણ કરેલ મંદિરના વહીવટકર્તા કોણ હશે એ જાણવાની ઇન્તેજારી અમને સ્વાભાવિકપણે થઈ એટલે અમે ત્યાં લખેલ એક મોબાઈલ નંબર ઉપર કોલ કર્યો તો સામેથી વાલજીકાકા બોલ્યા અમને કહે આવો મારાં ઘરે ચા પીને જાવ અમે કહ્યું કે અમે અત્યારે બહાર જવું છે એટલે નહી આવી શકીએ તો એમણે કહ્યું બેસો હું ત્યાં આવું છું.

વાલજીકાકા થોડીવારમાં ત્યાં આવી પહોંચ્યા અમે એમણે મંદિર વ્યવસ્થા અંગે અભિનંદન આપ્યા એમણે અમને જણાવ્યું કે આ મંદિર અને વડલાવાળી જગ્યા તમે જઈ આવ્યા એ અમારી માલિકીની છે પણ સંપૂર્ણપણે ધાર્મિક યાત્રાળુઓ માટે ફ્રી છે.ધાર્મિક લોકો ત્યાં વિસામો કરી શકે છે કોઈ રોકટોક નથી અર્બુદા મા નું અને જાહુ માતાનું મંદિર અમે બંધાવ્યું છે અને આ સંપૂર્ણ જગ્યા લોકહિત માટે છે…આપ સો ચાલો મારા ઘરે ચા-પાણી કરીએ , પછી વાલજીકાકા અમને એમના અર્બુદા મંદિર પાસે આવેલ નિવાસ સ્થાને લઈ ગયા અને સરસ મઝા ની દેશી ગાયના દૂધની કોફી પીવડાવી સાથે સાથે એમણે જે અમારી સાથે સત્સંગ કર્યો એનાથી અમે એટલું સમજી શક્યા કે વાલજી કાકા ખરા અર્થમાં સંસારમાં રહીને પણ એક આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે. દર વર્ષે કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક સમાજના લોકોને એક પણ પૈસો લીધા વિના માગશર મહિનામાં ભોજન પ્રસાદ આપે છે. મૂળ કુંડેલના વતની વાલાજીકાકા જેવા લાગણીસભર માનવીય ગુણોથી ભરપૂર એક સજ્જન અને સાત્વિક  વ્યક્તિ વિશેષ નો અમને સાક્ષાતર થયો એમના દર્શનનો અમને લાભ મળ્યો. નિસ્વાર્થ નિર્મળ ઓલિયા જેવા શ્રી વાલાજીકાકા ને વંદન.

વાલજી કાકા નું ભાવભીનું આતિથ્ય માણી અમે દાંતા તાલુકાના ટુંડીયા વિસ્તારમાં આવેલ એક ફાર્મની મુલાકાતે આગળ વધ્યા. પર્વત વિસ્તારમાં સર્પાકાર ઢોળાવોમાં બનાવેલ રોડ આકર્ષક લાગી રહ્યો હતો. નીરવ શાંતિ અને કુદરતી માહોલ વચ્ચે પસાર થતો રોડ મુસાફરી કરવી ગમે એટલું જ નહી પણ સાઈકલીંગ, વોકિંગ અને રર્નીંગ માટે પણ ઉત્તમ સ્થળ ગણી શકાય. આખરે અમે પ્રાકૃતિક માહોલને માણતા માણતા નિર્ધારિત સ્થળે પહોંચ્યા. આ વિસ્તારમાં જમીન સારી છે સાથે સાથે ભૂગર્ભ પાણીનું સ્તર પણ સારું એવું સમૃદ્ધ છે અમે જે જગ્યા એ ગયા ત્યાં કુવામાં ૨૫ ફૂટે પાણીની સરવાણીઓ વહેતી જોવા મળી. એટલે ટુંડીયા વિસ્તારમાં આવેલ જમીન ખેતી માટે ઉતમ સ્થળ ગણી શકાય. આ જ વિસ્તારમાં અમને અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે ઘેરયેલ એક સુંદર કુદરતી તળાવના દર્શન પણ થયા જ્યાં મોટે ભાગે બારેમાસ ૩૦ ફૂટ ઊંડું પાણી ભરાયેલું જોવા મળે છે. આ તળાવ માં અમે ખરા બપોરે બોટિંગ ની મજા માણી. આજુબાજુ અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલ તળાવમાં મસ્ત મઝાના કમળ જોવા મળ્યા. પ્રકૃતિની પરાકાષ્ઠાના દર્શન થઈ રહ્યા હતા. જો કે આ કોઈ પર્યટન સ્થળ નથી પણ ક્યારેક આવી તક માણવાનો અવસર પ્રાપ્ત થાય એ કુદરતના આશીર્વાદ જ માનવા રહ્યા નહી તો આજના વ્યસ્ત અને ભૌતિક જગતમાં એક દિવસમાં કુદરત ના આટલા બધા સ્વરૂપ ક્યાં અનુભવવા મળે ??

– નિતિન એલ. પટેલ (વડગામ) 

 

 

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More