પર્યાવરણ પ્રવાસ

શ્રી કર્બેશ્વર મહાદેવના દર્શને.

જળ, જમીન અને જંગલ સાથે મારે બચપણથી લગાવ અને પ્રકૃતિ એ જ પરમેશ્વર છે એવી દ્રઢ માન્યતા એટલે જીવનના અંત સુધી એનો લગાવ છુટે એમ નથી. બાલારામમાં શિવના સાનિધ્યમાં બચપણ વિતયુ એટલે સ્વાભાવિકપણે શિવ સાથે અમારે બચપણનો નાતો એટલે અમને તો પ્રકૃતિના કણેકણમાં સહજપણે શિવના દર્શન થતા રહે. પ્રકૃતિ ની વાત આવે એટલે એમા શિવ અને શક્તિ આવી જાય એવી દ્રઢ માન્યતા બચપણથી બંધાઈ ગયેલી.

મહાશિવરાત્રીના દિવસે પાલનપુરથી અંદાજીત ૨૦ કિમીના અંતરે આવેલ છાપરા ગામ નજીક પર્વત ઉપર રમણિય વાતાવરણમાં શ્રી કરબેશ્વર મહાદેવ ગુફા આવેલ છે ત્યાં સ્થિત શિવલિંગ અને ધુણાના દર્શને જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પાલનપુર તાલુકાના માલણથી આગળ બાજોઠીયાનું પાટીયું આવે છે ત્યાંથી માંડીને હાથિદ્રા સુધીનો માર્ગ બંન્ને બાજુ જંગલ વિસ્તાર ( જો કે આ જંગલ વિસ્તાર ભરાવદાર રહ્યો નથી જંગલી બાવળના ભરપુર વૃક્ષો ઊભા છે.પણ એકંદરે હજુ જંગલ વિસ્તાર ટકી રહ્યો છે અને એના વચમાંથી રોડ પસાર થાય છે.) નીરવ શાંતિ વચ્ચે સાઈકલિંગ ,રનિંગ, વોકિંગ માટે ઉત્તમ માર્ગ છે. હાથિદ્રાથી આગળ છાપરા ગામ છે, જ્યાં સાંકળેશ્વરી માતાજીનો પર્વત છે , જે કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લાનો ઊંચામાં ઊંચો પર્વત છે, ચુલાપાણી નામનો જાણીતો પ્રાકૃતિક વિસ્તાર પણ અહીં છે. અમે અગાઉ આ બંને પ્રાકૃતિક સ્થળોની અલૌકિક મુલાકાત લઈ ચુક્યા છીએ. આ વખતે અમે છાપરા ગામના જ શ્રી કરબેશ્વર મહાદેવ ગુફા અને ધુણાના દર્શને જઈ રહ્યા હતા. આજે છાપરાના જ વતની એવા પિંકીબેન બાબુભાઈ ધ્રાંગીના ઘરે તેમની દિકરી દેવાંશીની પ્રથમ માસિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પી પ્રાર્થના કરી.

શિવરાત્રીનો દિવસ હતો અને અરવલ્લીની પહાડીઓ વચ્ચે પર્વતીય ગુફામાં આવેલ શિવધુણી અને શિવલીંગના દર્શન કરવા અમે આગળ વધી રહ્યા હતા. સ્વચ્છ હવામાન અને ભરપુર ઓક્સિજન અમારા ફેફસાને પંપિંગ કરી રહ્યો હતો કારણ કે આગળ જતાં અમારે પ્રમાણમાં મુશ્કેલ એવું પર્વતીય ચઢાણ કરવાનું હતુ. હુ તો પ્રથમવાર આ ગુફા અને ધુણાના દર્શને જતો હોઈ એક ઉત્તેજના હતી. મહાશિવરાત્રીનું પાવન પર્વ અને આવી કુદરતમાં વ્યાપ્ત શિવદર્શન ની તક મળે એ કાંઈ શિવકૃપા વિના થોડું શક્ય બનતું હશે? મને આજે પણ વિસ્મય થાય છે કે દેવી- દેવતા શા માટે જંગલો અને ઊંચા પર્વતો ઉપર બિરાજમાન થતા હશે? કંઈક તો કારણ હશે ? હજુ મને આ પ્રશ્ન નો પ્રામાણિક ઉત્તર નથી મળયો. આખરે અમે પર્વત ઉપર ચઢાણ શરુ કર્યુ. ચારેબાજુ એટલી બધી નીરવ શાંતિ કે પ્રાકૃતિક અવાજને આપણે સાંભળી શકીએ એવું અનુભવાય કે જાણે કે શિવ અને જીવનું મિલન થયું હોય. આપણે જ્યારે સહજ પ્રાકૃતિક શક્તિ નો અહેસાસ અનુભવતા હોઈએ એવી અનુભૂતિ અનુભવાય. આપણે જાણે સ્વપ્નની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવી ગયા હોઈએ એવી કોઈ અકળ અનુભૂતિ થાય. પર્વતનો કયો પથ્થર ક્યારે ગબડી પડે અને આપણને ખીણમાં ધકેલી દે એ રીતે ધારોધાર વાંકાચુકા પથ્થરો ઉપર સંભાળીને ચાલવું પડે. વર્ષો થી આ રીતે કોઈ તપસવીની મુદ્રામાં ધ્યાનમગ્ન પથ્થરો વર્ષોનો ઈતિહાસ સંગ્રહીને માનવ જાતની પામરતાની જાણે કસોટી લેતા હોય એવુ જણાય. આખરે પડતાં, આખડતા, લપસતા અમે ધુણીની જગ્યાએ પહોંચયા. અદ્દભૂત અનુભૂતિ અનુભવી જાણે રોમે રોમ શિવમય થઈ ગયું. શિવોહમ શિવોહમનો નાદ વાતાવરણમાં ગુંજી રહ્યો હોય એવો અહેસાસ અનુભવ્યો. પ્રકૃતિ અને પરમેશ્વર નો મેળાપ થયો. પર્વતોમાં છુપાયેલી કુવા જેવી ગુફાઓમાં પ્રવેશવું એટલે જાણે પાતાળલોકમાં પ્રવેશતા હોઈએ એવું લાગે. શિવશકતિનું વાઇબ્રેસન સંપૂર્ણ વાતાવરણમાં હોઈ અમે સહજ અને સ્વાભાવિક રીતે ગુફામા ઉતરી ગયા. અંદર જે દ્રશ્ય હતુ એ તો શબ્દોમાં વર્ણવું મુશ્કેલ છે એની તો માત્ર અનુભૂતિ કરવાની હોય. યોગીપુરુષો, મહાત્માઓ એમને એમ તો જન્મારો આવા જંગલો અને પર્વતો વચ્ચે નહી પસાર કરી દેતા હોય. એક આખો જનમારો ટૂંકો પડે એટલા રહસ્ય આવી જગ્યાઓમાં છુપાયેલા પડ્યા છે.
મૂળ તો અમે જંગલો, પહાડો અને વગડાના જીવ એટલે જ્યારે જ્યારે પણ જ્ળ, જમીન અને જંગલની વાત આવે એટલે સ્વાભાવિક પણે એમાં અમને સાક્ષાત પરમાત્માના દર્શન થાય છે.અને આ પરમ તત્વ જ અમને પ્રકૃતિ સાથે જોડી રાખે છે એમા નિશંક પણે કોઈ જ અતિશયોકતિ નથી.

 

2 Comments
  1. હર્ષદ દવે 2 years ago
    Reply

    સરસ પ્રાકૃતિક સ્થળ. ઈડરના પથ્થરો જેવા જ પથ્થરો જોવા મળ્યા. અરવલ્લીની પર્વતમાળામાં આ પ્રકારના ગ્રેનાઈટ પથ્થરો જોવા મળે છે. હમણા જ ગબડી પડશે એમ લાગે પરંતુ સદીઓથી અડીખમ યોગી માફક ધ્યાનસ્થ બેઠાં છે કે એક પગે ઊભા છે. શ્રદ્ધા અને પ્રકૃતિપ્રેમથી પ્રેરાઈને આપનો આ પ્રવાસ મને પણ કરબેશ્વર મહાદેવ સુધી લઈ ગયો એનો આનંદ છે. આપના માટે તો તે અવર્ણનીય જ હશે. ધન્યવાદ.

    • info@readnitin.in 2 years ago
      Reply

      ખૂબ ખૂબ આભાર આપનો હર્ષદભાઇ…આપે મહ્ત્વપૂર્ણ જાણકારી આપતા સરસ કોમેંટ લખી છે.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદી સંશોધન : ભાગ – ૧

સરસ્વતી નદી સંશોધન અંતર્ગત વડગામ તાલુકાના મોરિયા ગામે જ્યાં અર્જુની નદી અને કુવાંરિકા નદીનું મિલન થાય છે અને અંહીથી આગળ જતાં અર્જુની અને કુંવારિકા...
Read More
post-image
પ્રવાસ

ગુરૂશિખર ટ્રેકિંગ – માઉન્ટ આબુ

૭, મે, ૨૦૨૩ના રોજ પાલનપુર સ્થિત જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા માઉન્ટ આબુ સ્થિત ગુરૂશિખર ટ્રેકિંગનું આયોજન થયું. મે મહિનામાં ઉનાળાની ગરમી ચરમસીમાએ...
Read More
post-image
જળસંચય

જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ બાસણા ગામ.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ બાસણા ગામે અમરપુરી મહારાજ ઉપર ગામની શ્રદ્ધા અને માર્ગદર્શનથી ગામે સારી પ્રગતિ કરેલ છે, જેઓએ આજથી આશરે 400 વર્ષ...
Read More
post-image
જળસંચય

જળ સંચય અભિયાન અને સરકારી ગ્રાન્ટ : ભાગ – 1

તળાવ નીમ કરાયેલ હોય તોજ સરકારી ગ્રાન્ટ મળી શકે, પંચાયતના ઉતારામાં જે તે સર્વે નંબરમાં તળાવ તરીકે ઉલ્લેખ હોવો જરૂરી છે. હવે બન્યું છે...
Read More