પ્રવાસ મુલાકાત

પારનેરા ડુંગર અને તિથલ બીચ ની મુલાકાત

દક્ષિણ ગુજરાતના પ્રવાસનું આયોજન ઘણા સમયથી મનમાં ઘોળાતુ હતું એનો સુભગ સંયોગ 26 મી સપ્ટેમ્બર ના રોજ સર્જાયો જ્યારે મેં દક્ષિણ ગુજરાતમાં આવેલા નવસારી, વલસાડ, સાપુતારા, દાંડી, ચીખલી અને સુરત મુલાકાતનુ મન બનાવી લીધુ. એમાંય એ નવસારી, સાપુતારા , દાંડી અને ચિખલીની મારી પ્રથમ મુલાકાત હતી. વલસાડ અને સુરત તો અગાઉ હું જઈ આવેલો. આ વખતેની મુસાફરી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કરવી એવુ નક્કી પણ કરી લીધુ જેનાથી અનોખા પ્રવાસની મઝા સાથે સાથે ત્યાંના લોકજીવનનો ધબકાર પણ સાંભળી શકાય.

વરસાદની સંભાવનાઓ વચ્ચે ૨૭, સપ્ટેમ્બરની વહેલી સવારે નવસારી બસસ્ટેશન ઉપર ઉતર્યો એ પહેલાં એક ખાસ વાત એ કરવાની કે GSRT બસ સુવિધા મને સંતોષકારક લાગી. સરકારી સ્લીપર બસમાં કોઈ જ તકલીફ ન પડી વ્યાજબી ભાડાથી સરળ મુસાફરી કરી શકાય એવી સરસ સુવિધા GSRT બસમાં જોવા મળી. મોટેભાગે બસમાંના સહયાત્રીઓ અને ડ્રાઈવર કન્ડકટરનો મુસાફરી દરમિયાન એકબીજા પ્રત્યેનો વર્તાવ સહકારની ભાવના વાળો હોય છે એવું જ કંઈક મને પારિવારિક ભાવના જેવું અનુભવવા મળ્યું, જેથી કરીને પાલનપુરથી નવસારીનો લાંબો ટ્રાવેલિંગ પથ સરળ બન્યો. બસમાં નવસારી બાજુની નાની દીકરીઓ પણ સહયાત્રી તરીકે મુસાફરી કરી રહી હતી તેઓની વચ્ચે નવસારીની મીઠી ભાષામાં થતી અભ્યાસ અંગેની ચર્ચા સાંભળવાની મઝા પડી ગઈ.

GSRT બસમાં આરામદાયક મુસાફરી કર્યા બાદ ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૭મી તારીખે અને બુધવારના દિવસે વહેલી સવારે નવસારીની ભૂમિ ઉપર પ્રથમવાર પગ મુક્યો એની આગલી રાત્રે નવસારીમાં વરસાદ પડેલો એટલે એની અસર રૂપે જુના બસ સ્ટેન્ડ ઉપર કાદવ કીચડ વધુ હતો . નવસારીનું એસ.ટી બસ સ્ટેન્ડ હજુ જુનુ જ છે એટલે ત્યાં વધુ સમય બેસવુ ગમે એવુ નથી.

નવસારી બસ સ્ટેન્ડમાં બસમાંથી ઉતર્યા બાદ મારે ત્યાંથી આઠ એક કિ.મી. દૂર આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટી પહોંચવાનું હતું એટલે યુવા મિત્ર સુરેશે આપેલી સલાહ મુજબ સ્થાનિક લોકલ બસ પકડી મેં એરૂ ચોકડીની ટીકીટ લીધી અને કન્ડકટરને કહ્યું કે મને એરૂ ચોકડી આવે એટલે કહેજો પણ કન્ડકટર ભાઈ અન્ય મુસાફરો સાથે વાતે વળગ્યા એટલે એરૂ ચોકડી ઉતારવાનું ભૂલી ગયો અને હું બસમાં એરૂ ચોકડી ઉતરવાની જગ્યાએ એરૂ ચોકડીથી લગભાગ એક કિ.મી. દુરના અંતરે પહોંચી ગયો. દરમિયાન મારી સાથે પ્રવાસમાં નવસારીથી જોડાવાનો હતો તે યુવા મિત્ર સુરેશ મારી સાથે મોબાઈલ ઉપર સતત સંપર્કમાં હતો , એરૂ ચોકડી પહોંચતા તે મને બાઈક લઈને લેવા નીકળ્યો પણ રસ્તા માં એનું બાઈક ખોટવાઈ ગયું એટલે બાઈક મૂકી અને મને ચાલતો સામે લેવા આવ્યો. અમે બંને એક બે કિમીનું અંતર પગપાળા કાપી નવસારી કૃષિ યુનિવર્સીટી પહોંચ્યા. વેટરનરીમાં અભ્યાસ કરતો ૨૦ વર્ષનો તરવરિયો યુવાન સુરેશ ચૌધરી હવે મારી સાથે દક્ષિણ ગુજરાતની યાત્રાના પાંચ દિવસ મારી સાથે યાત્રા કરવાનો‌ હતો. સુરેશ માત્ર ૨૦ વર્ષનો અને મારી ઉમર બાવન (૫૨) વર્ષ , પણ અમારા વચ્ચે વૈચારિક સામ્યતા એટલે પ્રવાસ દરમિયાના ખાસ કાઈ વાંધો આવે એવું ન હતું. સુરેશને ટેકનોલોજીનો વ્યાપક અનુભવ અને પાછો સ્થાનિક વિસ્તારનો ભોમિયો પણ ખરો એટલે એક રીતે ગાઈડની ભૂમિકામાં પણ હતો એટલે મારા માટે એક યુવાનનો સાથ મારી પ્રવાસ યાત્રાને વધુ સરળ બનાવવા મદદરૂપ થવાનો હતો..!!

જે વિસ્તારમાં દર વર્ષે સરેરાશ ૫૦ થી ૧૦૦ ઈંચ વરસાદ વરસતો હોય એ વિસ્તાર પ્રાકૃતિક રીતે તો સમૃદ્ધ હોય જ એટલે પ્રવાસની મઝા બેવડાની હતી, પણ મારા આશ્ચર્ય વચ્ચે દક્ષિણ ગુજરાતના જંગલો, પર્વતો, નદી, દરિયા વચ્ચે ના વિસ્તારમાં રઝળપાટ દરમિયાન ભાદરવાની ગરમી અને બફારો બેસુમાર હતો છતાં નવા સ્થળો અને અજાયબ અજાણી ભોમકાના દર્શન હેતુ મનમાં પ્રવાસનો વૈભવી ઉમંગ છલકાતો હતો.

પ્રવાસના સ્થળોની મુલાકાતની લેખમાળા શરૂ કરતાં પહેલાં મારા પ્રવાસને સગવડયુકત બનાવવામાં કોઈ ને કોઈ રૂપે મદદરૂપ બનનાર સહહૃદયી મિત્રોનો સહયોગ તો કેમ ભુલાય?

પરમ મિત્ર શ્રી મનોજભાઈ પ્રજાપતિ (સુરત) , સુરેશ ચૌધરી(નવસારી) , શ્રી ગોવિંદભાઈ મારૂ (નવસારી) , શ્રી રાકેશભાઈ પટેલ (આમદરા) , શ્રી બીપીનભાઈ પટેલ (રૂમલા) વગેરે મિત્રોએ મને મારા દક્ષિણ ગુજરાત ના પ્રવાસ દરમિયાન મને કોઈ અગવડ ન પડે એ હેતુ ક્યાંકને ક્યાંક મદદરૂપ બની મારા પ્રવાસને સુવિધાયુક્ત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી એ બદલ તમામ મિત્રોનો પ્રવાસ વર્ણનની શરૂઆતમાં જ હ્રદયથી આભાર માની લઉ છું.

વલસાડ જીલ્લાના  પારનેરા ડુંગર અને તિથલ બીચની મુલાકાત

૨૭ મેં તારીખે હું સવારે નાવસારી પહોંચ્યો અને એ જ દિવસે  સવારે રૂમ ઉપર ફ્રેશ થઇ  હું અને સુરેશ નવસારી કૃષિ યુનિવર્સીટી થી એક કિલોમીટર ચાલતા નવસારીના એરૂ ચોકડી ઉપર આવેલ નવસારીની પ્રખ્યાત બોસ્ટન કીટલી ઉપર સવારની મસ્ત બોસ્ટનની સ્ફૂર્તિદાયક ચા નો ચુસ્કી માણી ત્યાંથી રિક્ષા દ્વારા નવસારી રેલ્વે સ્ટેશન પહોચ્યા. નવસારીમાં ટ્રેનો ની ફ્રીકવન્સી સારી છે. ત્યાના લોકો પણ દૈનિક અપડાઉન માટે ટ્રેનોનો વિશેષ ઉપયોગ કરે છે. અમારે જે ટ્રેનમાં જવાનું હતું, એમાં સાત જનરલ કેટેગરીના ડબ્બા હતા એટલે ટ્રેન માં સરળતાથી બેઠક મળી ગઈ. અમારે નવસારીથી વલસાડ સુધીનું 50 કિમી જેટલુ અંતર ટ્રેન મારફત જવાનું હતું . ટ્રેનની મુસાફરીએ અમને ઝડપથી વલસાડ રેલ્વે સ્ટેશને પહોંચાડી દીધા. આકાશ માથેથી વરસાદી વાદળો હટી ગયા હતા અને સૂર્યદાદા જાણે અમારી પરીક્ષા લઇ રહ્યા હોય એમ અમને બરાબરના ભાદરવી તાપમાં તપાવવા તૈયાર થઇ ને બેઠા હતા. અમે વલસાડ રેલ્વે સ્ટેશન ઉતર્યા ત્યારે ટ્રેન આવવાથી સ્ટેશન વિસ્તારમાં ચહલ પહલ વધુ હતી અમે ત્યાં રેલ્વે સ્ટેશન બહાર મુકેલ ઐતિહાસિક ડીઝલ એન્જીનના ફોટોગ્રાફ્સ લઇ ભીડભાડ વાળા રસ્તે થોડુંક ચાલી ચાર રસ્તા થી સટલિયા રિક્ષામાં બેસી વલસાડથી ચારેક કીલોમીટરના અંતરે આવેલા પારનેરા ગામના ઐતિહાસિક પારનેરા ડુંગર તરફ જવા આગળ વધ્યા. અમે જગ્યાના અજાણ્યા અને રિક્ષા વાળો પણ પાછો એવો ધૂની કે અમને નિર્ધારિત સ્થળે ઉતારવાની જગ્યાએ ૨ કિમી દુર લઇ ગયો. અમારી કરમની કઠણાઈ કે ભીષણ ગરમીમાં પાછુ કોઈ વાહન મળ્યું નહિ અને પાછા બે કિમી પગપાળા ચાલીને પારનેરા ડુંગરની તળેટીમાં પહોંચ્યા અને ડુંગર ઉપર ચઢાણ શરૂ કરીએ એ પહેલા એ તો ગરમીએ અમને પરસેવા થકી બરોબરના ભીંજવી દીધા હતા. ભાદરવાની ગરમીના બાફ્માં અમે સારી રીતે શેકાઈ રહ્યા હતા.

અસંખ્ય એવા લીલાછમ સાગના વૃક્ષોથી ઘેરાયેલ પારનાર ડુંગર ઉપરનું ચઢાણ મારા માટે એટલું અઘરૂ પણ ન હતું , કેમ કે ડુંગરા ઉપરના ચઢાણથી તો અમે બચપણ થી આજસુધી ટેવાયેલા હતા. એ દિવસે ગણેશ વિસર્જન હતું એટલે પારનેરા ડુંગર ઉપર કોઈ માનવીય ભીડભાડ ન હતી. ચઢાણનો માર્ગ સુમસામ હતો. અમે ધીમે ધીમે પગથીયા ચડવાનું શરૂ કર્યું એટલે બફારારૂપી ગરમી પણ અમારા અંગે અંગમાં જબરજસ્તીથી ચડવા માંડી આગળ ઉપર જતા વચ્ચે સોડા વાળો આવ્યો તો અમે બે-ત્રણ ગ્લાસ લીંબુ સોડા ગટગટાવી લીધા. સોડા વાળા એ એટલા મસ્ત સોડા બનાવ્યા કે અમારામાં શરીરમાં ટાઢક વળવાની સાથે નવીન ઊર્જાનો સંચાર થયો અને અમે થોડોક આરામ કર્યા બાદ બાકી રહેલા પગથીયા ઝડપભેર ચડવા લાગ્યા.

આખરે અમે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવતા પારનેરા ડુંગર ઉપરના ૭૫૦ પગથીયા જાણે ૧૫૦૦ પગથીયા ચડ્યા હોય એવી અનુભૂતિ સાથે પાર કરી ડુંગર ઉપરની ખુશનુમા હવાના સંપર્કમાં આવ્યા. ડુંગરનું ચઢાણ એટલું મુશ્કેલ નથી પણ ગરમીનું વાતાવરણ અમને પરેશાન કરી રહ્યું હતું. પારનેરા મંદિર ઉપર હનુમાન દાદા,ચામુંડા માતા, રામેશ્વર મહાદેવ અને મહાકાળી માતા ના ઐતિહાસિક મંદિરો આવેલા છે. દરેક મંદિરના શ્રધાપૂર્વક દર્શન કર્યા. ડુંગર ઉપરથી વલસાડ શહેર પાસે જ વહેતી પાર નદી ,વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, પારડી, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮, અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે. ચોમાસામાં આ ડુંગર પર રમણીય વાતાવરણ જોવા મળે છે. તેમજ આજુબાજુનો વિસ્તાર નયનરમ્ય લાગી રહ્યો હતો. સ્વયંભુ પ્રગટ થયેલ અને પથ્થરો ની ગુફામાં આવેલ મહાકાળી માતાજીની મૂર્તિ ના ખરેખર વારંવાર દર્શન કરવા જેવા છે એટલું એમનું સ્વરૂપ જીવંત લાગે છે.. પથ્થરની ગુફાઓ વચ્ચે આવેલ મહાકાળી માતાજીના સ્થાનકને એમને એમ રહેવા દઈ મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું છે. ડુંગરની ટોચ ઉપર આશરે પંદરમી સદીમાં બનેલ પ્રાચીન કિલ્લો જોવાલાયક છે. એવું કહેવાય છે કે છત્રપતિ શિવાજી આ કિલ્લામાં આવતા જતા અને મહાકાળી માતાજીનું જે મંદિર ગુફાની અંદર એ પણ આ કિલ્લાની અંદર આવેલ છે. કિલ્લાની દક્ષિણ દિશામાં એક બારી બનાવવામાં આવેલ છે, જે સ્થાનિક લોકોમાં નાઠાબારી તરીકે ઓળખાય છે. વાયકા છે કે આ જગ્યા પરથી સુરત ઉપર ચડાઈ કરીને પાછા ફરતી વેળા શિવાજી અહીંથી પલાયન કરી ગયા હતાં.

પારનેરાના ડુંગર પરનો આ ઐતિહાસિક કિલ્લો રાજ્યના રહિશી માટે કોઈ હિન્દુ રાજાએ બનાવડાવ્યો હતો. પ૦૦ ફૂટ ઉંચા ડુંગર પર ચણાયેલા કિલ્લાના આજ પર્યત સચવાયેલા અવશેષોની મજબૂતાઈ અને કિલ્લાની સંરચનાનું આયોજન જાઈએ તે વખતની કુશળ ઈજનેરી વિદ્યાનો ખ્યાલ આવે છે. આ કિલ્લાનો લગભગ ૧પમી સદી સુધી ધરમપુર રાજ્યને (તે વખતના રામ નગર રાજ્ય) હસ્ત રહેલો. ૧પમી સદીના અંતમાં સુલતાન મહમ્મદ શાહ બેગડાએ આ કિલ્લો જીતી લીધો. ૧૬મી સદીમાં દમણના હુમલાખોરોએ તેનો નાશ કર્યો. જા કે એક ઐતિહાસિક તથ્ય પ્રમાણે જ્યારે દમણમાં મુગલ શાસન હતું ત્યારે ફિરગીઓ એ દમણ પર આક્રમણ કયુ ત્યારે દમણનો હબસી સુબેદાર પારનેરા કિલ્લામાં સંતાયો હતો તેથી ફિરંગીઓ તેમને શોધતા અહીં આવ્યા અને ત્યારે કદાચ આ કિલ્લાનો નાશ કર્યો હોય. ત્યારબાદ ઈ.સ. ૧૬૬૪માં અને ઈ.સ. ૧૬૭૦૧માં શિવાજીએ સુરત પર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે પારનેરા દુર્ગ પરથી પસાર થયા હતા ત્યારે અહીં ધમસાણ યુદ્ધ થયું હતું.

ઇ.સ. ૧૬૭૪માં શિવાજી ગાદીનશીન થયા ત્યારબાદ ઈ.સ. ૧૬૭૬માં તેમના સેનાપતિ શ્રી મોરો પંડિતે કિલ્લાનો કબજા લઈ ત્યાં લશ્કરી થાણું નાખ્યું તે વખતે પેશવાઈ યુગ ઝળહળતો હતો અને પેશવા રાજ્યની સરહદ પર આવેલા આ લશ્કરી મથકનું વધારે મહત્વ હતું. પરંતુ પેશવાઓનો સુવર્ણ યુગ આથમી જતા વાર ન લાગી. ઈ.સ. ૧૭પ૨માં આ કિલ્લો વડોદરાના ગાયકવાડ સરકારના હાથમાં ગયા પછી ત્રીજા પેશવા બાલાજી બાજીરાવે હુમલો કર્યો. આ લડાઈ કુલ સાત દિવસ ચાલી હતી આ લડાઈનું વર્ણન ‘પારનેરાની લોલ’ નામના ગરબામાં કોઈ કવિએ કયુ છે. ઈ.સ. ૧૭૮૦માં આ કિલ્લાનો કબજો અંગ્રેજાએ લીધો અને પીંઢારાઓનો ત્રાસ ખાળવા લશ્કર મૂક્યું. પરંતુ ઈ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે આ કિલ્લાની જાહો જલાલી ઘટી ગઈ. શેષ રહી ગઈમાત્ર ઈમારતો તેમજ મરાઠાઓની કુળદેવી ચંડિકા, અંબિકા, નવદુર્ગા, મહાકાળી અને શીતળા માતાનું ડુંગરની તળેટીમાં આવેલુ અતિ પ્રાચિન રામેશ્વર મહાદેવનું સ્વયંભુ શિવલીંગ.

ઘણા ભક્તો નવરાત્રીના દિવસો દરમ્યાન આ ડુંગર ઉપર માતાજીના દર્શન માટે આવે છે. પારનેરા ડુંગર ઉપર દર વર્ષે આઠમ નો સ્થાનિક મેળો યોજાય છે. સુરત – મુંબઈ જેવા સ્થળોએ થી પણ શ્રધાળુઓ અહી નિયમિત દર્શને આવે છે.

અમે પારનેરા ડુંગરના ઐતિહાસિક હકીકતોથી વાકેફ થઇ કંઈક અલૌકિક અનુભૂતિ સાથે પારનેરા ડુંગર પરથી હવે ઉતરાણ કરી રહ્યા હતા ત્યારે છેલ્લે પારનેરા ડુંગર ઉપર બિરાજમાન મહાદેવના દર્શન કરી ત્યાંથી મોતીચૂર લાડુનો પ્રસાદ લીધો નીચે ઉતરતા એક બહેન છાબડીમાં વલસાડી કમરખા અને ખટુબંડા વેચતા હતા અમે એક ડીસ કમરખા/ કમરત ની એમની જોડેથી લીધી. ઉપરથી મસાલો નાખેલા ખટમિઠા કમરખા નો સ્વાદ અમને મસ્ત મજાનો લાગ્યો. ગરમી માં આ ફ્ળે અમને ખૂબ રાહત આપી. પારનેરા ડુંગરના પગથીયા ઉતરતા વચ્ચે અમે પાછા સોડાવાળા પાસેથી લીંબુ સોડા પીધા એટલે અમારા માં થોડી ઉર્જાનો સંચાર અને અમે અંતે પારનેરા ડુંગરની તળેટીમાં પરત આવ્યા . અસહ્ય ગરમીના લીધે હવે વધુ ચાલવું અમારા માટે અશક્ય તો નહિ પણ થોડું મુશ્કેલ હતું ત્યાં સદ્દનશી એક રિક્ષા વાળો મળી ગયો અને અમે સીધા પહોંચ્યા તિથલ બીચ.

તિથલ બીચ ઉપર આવેલી રેસ્ટોરન્ટમાં ભેળ નો નાસ્તો અને ચા લીધા. નાસ્તા કે ચા માં કોઈ દમ ન હતો. આપણ એ જે તે વસ્તુનું યોગ્ય મૂલ્ય ચૂકવવા છતાં સંતોસકારક પરિણામ ન મળે ત્યારે થોડું દુખ જરૂર થાય. એટલે ઘણીવાર નામ બડે દર્શન ખોટે એવા અનુભવો આપણે ત્યાં આમ પણ ઠેર ઠેર જોવા મળે છે. અહી બીચની જગ્યાએ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં કેટલાક આકર્ષક વૃક્ષો ઉભેલા હતા એમાંના એક વિશિષ્ઠ વૃક્ષને જોતા અમે એનો પરિચય જાણવા થોડા ઉત્સુક હતા એટલે મારી સાથે મુસાફરી કરી રહેલ સુરેશે એ વૃક્ષના પાંદડાને અડવાનો પ્રયત્ન કર્યો તો એ પાંદડા ઉપર એક મધમાખી બેઠેલી એણે સુરેશને વૃક્ષનો પરિચય તો ન આપ્યો પણ એના ઝેરી ડંખનો પરિચય જરૂર આપી દીધો. વધુ મધમાખીઓનું ઝુંડ એમને ઝપટમાં લેશે એવી આશંકા થઇ એટલે અમે વૃક્ષનો પરિચય મેળવવાનું પડતું મૂકી મંદિર તરફ આગળ વધ્યા પણ બપોરનો સમય હોવાથી મંદિર બંધ હતું જે ચાર વાગે ખુલે એમ હતું એટલે અમે મંદિર મુલાકાત માંડી વાળી તિથલ બીચ તરફ આગળ વધ્યા. તિથલ તટે આવેલ અરબી સમુદ્રનો ઘૂઘવાટ ભારે હતો , બપોર ઢળતી હતી એમ એમ દરિયામાં ભરતી ધીમે ધીમેં વધતી હતી . અફાટ અરબી સમુદ્રનું દ્રશ્ય અદ્દભૂત લાગતું હતું. દરિયા વિસ્તાર હોવા છતાં ગરમી સહેજે મચક આપતી ન હતી. છતાં અમને દરિયા ની તેમજ દરિયા ના બીચ ઉપરની અદ્દભૂત દુનિયા જોવાની મઝા આવતી હતી. દરિયાની ભરતીના મોજા ક્યારેક ઘાતક બની જાય એની વાતો સાંભાળેલી એટલે ઓટ હોય ત્યારે પણ દરિયાના ઓસરેલા પાણીમાં દૂર સુધી જાવું હિતાવહ નથી એટલે અમે ગાંડું ગાંડપણ કરવાનું માંડી વળ્યું અને તિથલ ના દરિયાને દુરથી નમસ્કાર કરી એની ભવ્યતાના દર્શન કરી યાદગાર રૂપ ફોટા ક્લિક કરી ત્યાંથી નજીકમાં એક લારી પરથી મસ્ત મઝાના નારિયેળનું પાણી પીધું અને પછી વલસાડ રેલ્વે જવા ત્યાંથી એક ઓટો રીક્ષા માં રવાના થયા . વલસાડ રેલ્વે સ્ટેશન પહોંચી નવસારી જવા માટે ની ટીકીટ લીધી પછી ત્યાં ટ્રેનની રાહ જોતા મુસાફરો ના ટોળામાં અમે પણ સામેલ થઇ ગયા. હું ટ્રેન ની મુસાફરી ઓછી કરૂ એટલે મને આ જનરલ ડબ્બાની ભીડભાડ વાળી મુસાફરી થોડી અકળાવનારી બનવાની હતી. રેલ્વે સ્ટેશન ઉપર આજકાલ આત્મહત્યાના બનાવો બહુ બનતા હશે એને ધ્યાને રાખીને નવસારી તેમજ વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર આત્મહત્યા ના કરો એવા મોટા હિડીંગ જોવા મળ્યા.આપણે તો નક્કી કરીને આવ્યા હતા કે દરેક પ્રકારની મુસાફરીનો દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન આનંદ લેવો છે એટલે ભીડભાડ વચ્ચે ભીડભાડ વાળા ડબ્બા માં ગોઠવાઈ જવાની માનસિક તૈયારી હતી. જેવી ટ્રેન આવી કે પ્લેટફોર્મ ઉપર ટ્રેન ની રાહ જોઈએને ઉભેલું ટોળું આક્રમણ ના અંદાજમાં ટ્રેનના ડબ્બામાં કુદી પડ્યું અમે પણ સાથે સાથે ક્યારે ટોળા સાથે ડબ્બા માં જતા રહ્યા એનો કોઈ ખ્યાલ પણ ન રહ્યો. પેસેન્જરો થી હકડેઠાઠ ભરેલા ડબ્બામાં જગ્યા તો ક્યાંથી મળે એટલે ઊભા ઊભા મુસાફરી કરવી પડી પણ એવા એવા ચિત્ર વિચિત્ર લોકો , એવી એવી બોલી અને એવી એવી ભાષા અને એવા એવા ચહેરા અને એવી એવી પરિસ્થિતિ જોવા મળી કે આપણને એમ લાગે કે ખરેખર શું જીવન જીવે છે પ્રજા ? આખરે અમે ઊભા ઊભા પણ ટ્રેનના જનરલ કોચના ડબ્બાની મઝા માણતામાણતા ક્યારે નવસારી આવી ગયા એનો ખ્યાલ પણ ના રહ્યો અને ભીડના ધકકા સાથે પાછા નવસારી રેલ્વે પ્લેટફોર્મ ઉપર ઉતરાણ કર્યું .

રિક્ષા મારફત એરૂ ચોકડી પહોચી બોસ્ટન ને ચા પીને પહોચ્યા નવસારી કૃષિ યુનિવર્સીટી.સખત ગરમીમાં સતત પગપાળા ચાલવાનું વધારે થયું હોવાથી થાક ની અસર શરીર ઉપર વર્તાતી હતી પછી રૂમ ઉપર થોડો આરામ કરી રાત્રે યુનિવર્સીટીની મેસ માં જમવા ગયા. ભોજન સાત્વિક અને સારું હોવાથી સંતોષકારક લાગ્યું. જમ્યા બાદ થોડું ચાલીને રૂમ પર પરત આવ્યા . નવસારી કૃષિ યુનિવર્સીટી ને વિસ્તાર ખાસો એવો મોટો છે એટલે ચાલવાનું ભાગે વધારે આવે. સુરેશે રૂમ ઉપર આવી રાત્રે બીજા દિવસે સાપુતારા જવા માટે બસની ટીકીટ ઓનલાઈન બુક કરાવી. અમારે સવારે વહેલા ૬.૩૦ વાગે સાપુતારા જતી બસ પકડવાની હતી અને બસ સ્ટેનશન પાછું નવસારી કૃષિ યુનિવર્સીટીથી ખાસું એવું છેટું અને પાછું નવસારી થી સાપુતારાનું ૧૨૫ કિમી જેટલું અંતર પસાર કરવાનું હતું એટલે દિવસ ભરના થાક્યા પાક્યા અમે નિદ્રાદેવીને શરણે ક્યારે પહોંચી ગયા એનો કોઈ ખ્યાલ અમને રહ્યો નહી …. (ક્રમશ: )

2 Comments
  1. Govind Maru 7 months ago
    Reply

    મારું એક્ટિવાએ તમારા પ્રવાસને દુવિધાયુક્ત કર્યો તેમ છતાં તમે હ્રદયથી આભાર માન્યો તે બદલ તમારો દિલથી આભાર. હું તમને ઉપયોગી ન થઈ શક્યો તે બદલ ક્ષમસ્વ…

    • info@readnitin.in 7 months ago
      Reply

      અમને આપનુ એકટીવા દાંડી મુલાકાત વખતે ખૂબ જ મદદરૂપ બન્યુ છે. ઉપરાંત આપે અમને આપના નિવાસ સ્થાને રહેવા – જમવા માટે પણ આમંત્રણ આપ્યુ હતું . આભાર આપનો.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More