જળસંચય

વડગામ તાલુકામાં ઘટતા ભૂગર્ભ જળ સામે વોટર મેનેજમેન્ટ કેટલું જરૂરી ?

વડગામ તાલુકામાં સરકારી ચોપડે ઈ.સ. ૨૦૧૭ માં ૧૮૦.૩૩% ,૨૦૧૮ માં ૪૭.૬૮% , ૨૦૧૯ માં ૧૦૦.૭૮% , ૨૦૨૦માં ૧૨૭.૦૪% , ૨૦૨૧ માં ૧૦૧.૪૬% વરસાદ નોધાયો એટલે છેલ્લા પાંચ વર્ષમાં ચાર વર્ષ તો એવા હતા કે જેમાં ૧૦૦% ઉપરાંત વરસાદ નોંધાયો અને સરેરાશ જોઈએ તો ૧૧૧.૪૫% વરસાદ એ છેલ્લા પાંચ વર્ષના વરસાદની સરેરાશ થઈ આટલો વરસાદ વરસ્યો હોવા છતાં તાલુકામા ભૂગર્ભજળ સતત ઊંડા ઉતરતા ગયા અને આપણે ચોમાસાના ચાર દિવસ વરસાદી પાણીનો જશ્ન મનાવીને આખું વર્ષ ભૂગર્ભ જળ ખોળતા રહ્યા. ટયુબવેલો અને પાઈપો પાછળ કમરતોડ ખર્ચાનો માર ઝીલતા રહ્યા પણ આપણને આટલો વરસાદ વરસવા છતાં ભૂગર્ભ જળ કેમ ખૂટી રહ્યા છે એ જાણવા ,સમજવા અને એનો અમલ કરવાની સમજ વર્ષો વીતવા છતાં ના આવી. કુદકે ને ભૂસકે વધતી વસ્તીની પાણીની જરૂરીયાતો વધવાની કુદરત તરફતી ભેટ સ્વરૂપે મળતા પાણીને આપણે આડેધડ ઉલેચવાની સાથે વેડફવા માંડ્યા. આજે પણ ૨૦૨૨ ની ચાલુ વરસાદી મોસમમાં નદી, નાળા, ડેમ છલકાયા એટલે આપણે ચાર દિન કી ચાંદનીની જેમ હરખના માર્યા ઉછળી પડ્યા. આમ તો કુદરત ભૂગર્ભ જળ મેનેજ કરતી જ જ્યાં સુધી આપણે એના કાયદા અને કાનુનમાં રહ્યા પણ જેવો આપણે એના નિયમો તોડ્યા એટલે પરિસ્થિતિઓ બદલાઈ.

વરસાદ ૧૦૦ ઈંચ પડી જાય તો પણ ભૂગર્ભ જળ ત્યારે જ ઉંચકાશે જ્યારે આપણે સાચા અર્થમાં વોટર મેનેજમેન્ટ ને સમજી શકીશું. સરેરાશ વરસાદ તો પડે જ છે પણ આપણે પેટાળમાં ખાણખોદ ક્યાં સુધી કરીશું ? ભૂગર્ભ જળ સ્તર સમૃદ્ધ કરવા ઘણી એવી બાબતો છે જેને યોગ્ય રીતે સમજવી પડશે લોકોને સમજાવવી પડશે. આ વિષયના કેટલાક તજજ્ઞ્ય મહાનુભાવોને મેં પ્રશ્ન કર્યો કે અમારે સરેરાશ ૧૦૦ % ઉપરાત વરસાદ વરસે છે અને એમાં પણ ૨૦૧૭ માં તો ૧૮૦.૩૩ % જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ થાય એટલે નદી નાળા છલકાય .ડેમ ભરાય અને અમે રાજી રાજી પણ અમારા ભૂગર્ભ જળ અમને નિરાશ કરે એનું કારણ શું તો મને જે ઉત્તરો મળ્યા એને સંકલિત અને સંક્ષિપ સ્વરૂપે અત્રે અન્ય માહિતી ઉમેરી પ્રસ્તુત કરવાનો પ્રયત્ન  કર્યા છે.

હાલના નવસારી , વલસાડ, સુરત જીલ્લાઓ આઝાદી પછી ૧૯૬૫ સુધી સુરત જીલ્લો જ હતો. વરસાદ સરેરાશ ૧૦૦ ઈંચ જેટલો સારો. ઐતિહાસિક સંદર્ભે જોઈએ , તો ઈસ ૧૪૮૬ માં પાવાગઢ – ચાંપાનેર નો રાજા પતાઈ રાવળ ને મહમ્મદ બેગડા એ હરાવેલો , ત્યારે ત્યાંના રાઠોડ ( ઠાકોર નાતિ) , મોચી અને કંસારા નવસારી બાજુ સ્થાયી થયેલા. દક્ષિણ ગુજરાતના ગામોમાં આ રાઠોડ લોકોની ૫૦% વસ્તી એમની પાસે ૧૫-૧૬ મી સદીમાં દરેક ગામમાં સરેરાશ મોટાં ઉંડા ૩-૪ તળાવો બનાવેલા. જેમાં સમગ્ર વિસ્તારનું વરસાદનું પાણી સંગ્રહ થતું. વધારાનું પાણી માટે outlet વડે નદીમાં જતુ હતું. ૧૯૫૫ માં મુંબઈ રાજ્યમાં મેરારજી દેસાઈ મુખ્યમંત્રી એટલે તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાળ બે ડેમ બનેલા , એનું જોડાણ પણ આ તમામ તળાવો અને કુદરતી ખાડી કોતરોને આપેલું આથી ભુગર્ભ જળ ૬૦-૭૦ ફુટ પર મળે છે, પુર્વમાં વનવિસ્તાર અને મધ્યમાં બાગાયતી આંબા ચીકુ વિસ્તાર ની ગ્રીનરી છે. તમારે દરેક ગામમાં આ રીતે મોટા ઉંડા ૩-૪ તળાવો અને outlet નદી સુધી બનાવવા પડે. વ્રુક્ષ ઘનિષ્ઠ વાવેતર કરવું પડે.કુવા રીચાર્જ વરસાદી પાણી ભુગર્ભ માં ઉતારવું પડે. પાણીના કરકસરથી વપરાશ માટે ૧૦૦% ડ્રીપ સીસ્ટમ મુકાવવી પડે. સીંધુ અને યમુના નું પાણી નહેર દ્વારા વાયા રાજસ્થાન બોર્ડર લાવવું પડે. સમગ્ર ગ્રામીણ વસ્તી સંકલ્પ કરે , સરકાર સાથે સંકલન કરી આગામી ૨૦૫૦ સુધી નું જળ વ્યવસ્થાપન માટેની કામગીરી કરો તો આ વિસ્તારની સરખામણી એ વિકાસ કરી શકાશે. આમ વરસાદી પાણી નો તળાવો દ્વારા સંગ્રહ બહુ જરુરી છે.

ઉધોગો દ્ધારા અતિ મોટા બોર દ્વારા ખેંચાતું અમર્યાઁદિત પાણી. ખેતી માટે પાણી મેળવવા 500 થી 1000 ફુટ સુધી ઉંડે જઇને ખેંચી લેવાતો ભુગર્ભ જળનો અનામત જથ્થો. અમર્યાઁદિત રસાયણીક ખાતરોના વપરાશથી જમીનને સખત બનાવી દેવાથી વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે વહીને વેડફાઈ જાય છે.સામાન્ય રીતે 100 કિલોમીટરની ત્રિજ્યામાં જમીનના પાણીના તળ એક ફુટ ઉંચા લેવા દાયકાઓ સુધી પુરતો વરસાદ અને તેના સંગ્રહ માટે અસંખ્ય કુવા, તળાવો તથા ચેકડેમો હોવા જોઈએ. પરંતુ કુવાઓ નામશેષ થયા, તળાવો ઉપર દબાણો થયાં, ખાણેત્રા અને ચેકડેમો ભ્રષ્ટાચાર આચરવા પુરતાં રહ્યા, ઉપરથી નિયમિત થતો વરસાદ ઘટી રહ્યો છે અને વરસે છે તો બધું પાણી વહી જાય છે અથવા અચાનક જળબંબાકારની સ્થિતિ દ્વારા અતિ મોટું આથિઁક નુકસાન કરે છે.

પાણીનાં તળ કાયમ માટે એક ફુટ ઉંચા લાવવા દાયકાઓ લાગે છે પણ ઉદ્યોગો અને ખેતીના પાણી માટેના બોર દર વર્ષે એવરેજ પાંચથી દસ ફુટ ઉંડા ઉતરીને હજાર ફુટ સુધી પહોંચી ગયા હોવાનો મતલબ કે આપણે પાણીની બચત કે સંગ્રહ કરવાને બદલે લાખો વર્ષ જુનો પાણીનો અનામત જથ્થો વાપરીને જમીનને ખોખલી કરીને ભુકંપ જેવી આફતોને નોતરીને પોતાની સાથે સમગ્ર જીવ સૃષ્ટિનો વિનાસ નોતરી રહ્યા છીએ.ચોમાસા દરમિયાન વડગામ તાલુકા માંથી પસાર થતી સરસ્વતી નદીમાં વધુ પાણી આવે ત્યારે આ પાણી ક્યાં સુધી પહોંચે છે અને રણ માં પાણી પહોંચે ત્યાં સુધી ના વચ્ચે ના ક્યાં વિસ્તારો માં પાણી સંગ્રહ કરી શકાય તે શક્યતા ચકાસવી ખૂબ જ જરૂરી છે..

વડગામ તાલુકાના પચાસ ટકા જેટલા ગામો નદી કિનારા નજીક આવેલા છે માટે નદી તટે નીચાણ વાળા વિસ્તારોમાં તળાવો ખોદી પાણી બચાવવાનો ખ્યાલ સારો છે. બંધ નિર્માણ કરતા તળાવોમાં પાણી સાચવાવાનો માર્ગ ઘણો ઓછો ખર્ચાળ છે. નદી કિનારાના દરેક ગામે એક તળાવ નિર્માણ વધારે લાભદાયક જેનાથી હરિયાળી પણ કુદરતી રીતે જ વધે .નદી ના પ્રવાહ માં વચ્ચે કોઈ ચેક ડેમ/સરોવર/તળાવ બનાવી શકાય ? જો આ ચકાસણી કરીયે તો આગામી સમય માં આ પાણી સંગ્રહ કરવા માટે વ્યવસ્થા કરવા ખૂબ જ ઉપયોગી થશે અને આગામી વર્ષો માં બનાસ ડેરી/લોક ભાગીદારી/અન્ય સંસ્થા /સરકાર શ્રી માં યોગ્ય રજુઆત કરી અને વ્યવસ્થા ગોઠવી શકાય.

નદી માં ડેમ ભરાય બાદ છોડાતું પાણી એક કુદરતી જળ સંચય નું અકલ્પનિય ઉદાહરણ છે…જે ખરા અર્થ માં લાખો એકર જમીન માં જળ સંચય કરશે…જે કાર્ય આપણે કરોડો રૂપિયા ખર્ચાતા પણ ન કરી શકીએ..પ્રાકૃતિક રીતે માર્યાદિત પાણી રીચાર્જ થાય છે એટલે એને પ્રયત્ન પૂર્વક રીચાર્જ કરવું જરૂરી છે. ભૂગર્ભ પાણીનો મામલો બેંક ડીપોઝીટ જેવો છે. બેંક માં ડીપોઝીટ ન કરાવો અને રૂપિયા ઉપાડે જાવ તો શું થાય ? એમ ભૂગર્ભ જળ નું પણ એવું જ છે. ભૂગર્ભ જળ ને ઉલેચ્યા કરીએ અને એમાં જમા ન કરીએ તો એ કેટલા દિવસ ચાલવાનું ? વરસાદની પેટર્ન પણ ભૂગર્ભ જળ રીચાર્ચ કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક સાથે ચાર પાંચ ઈંચ વરસાદ પડે અને ટુકડે વરસાદ પડે એમાં પણ વરસાદી પાણી રીચાર્જ થવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઘટતા જંગલો અને કપાતા વ્રુક્ષો પણ એક મહત્વનુંપરિબળ છે.

નર્મદા, ધરોઈ , મુક્તેશ્વર જેવા ડેમો માંથી વડગામ તાલુકાના સુકા વિસ્તારોમાં વિશાળ તળાવો બનાવી નહેર અથવા પાઇપ  મારફતે તેમને નિયમિત ભરવાની વ્યવસ્થાઓ યુધ્ધના ધોરણે ઊભી કરવાની જરૂર છે.

અંતે એટલું કહીશ કે ભૂગર્ભ જળ ખેંચતા રહીએ તો જળ ઘટતા રહે અને જમીનમાં પણ ઉતરી જાય. પૃથ્વી પરના તમામ જળ સ્ત્રોત જીવન ટકાવી રાખવા માટે ચોમાસા (વરસાદ) પર આધારિત છે. વરસાદનું પાણી પૃથ્વીના ગર્ભમાં છુપાયેલા “એક્વાફર” સુધી વહી જાય છે. આ વરસાદી પાણીથી જંગલોના જળાશયો પણ તાજા થાય છે. એક પહાડી લોકગીતની પંક્તિ આપણને અહીં યાદ અપાવે છે, “ની કટો, ની કાટો ઘુંઘરાળી બંજા, બંજદી મુની થંડો પાની.” (બાંજવાની કાપશો નહીં, આ વૃક્ષોના મૂળમાં ઠંડુ પાણી છે.) તળાવો, ખાબોચિયા, કૂવાઓ, વાવો (stepwell) આ પાણી આપણા સુધી લાવે છે. ટૂંકી દૃષ્ટિના બિનઆયોજિત શહેરીકરણે વિશાળ જમીનને કોંક્રિટના જંગલોમાં ફેરવી દીધી છે. આજે વરસાદનું પાણી જમીનમાં પ્રવેશતું નથી. રસ્તાઓમાં જમા થવાથી તે વસાહતો માટે સંકટ બની જાય છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ઊંડા ટ્યુબવેલ દ્વારા આપણે જે પાણી ખેંચીએ છીએ તે ખારું અથવા પ્રદૂષિત હોય છે. સ્થિર પાણી જંતુઓ અને વાયરસને જ પસંદ કરે છે જે રોગ પેદા કરે છે.

આપણે વરસાદી પાણીના સંગ્રહની વિવિધ તકનીકો લોકો સુધી પહોંચાડવી જોઈએ. જેથી તેઓ તેમની વચ્ચે સસ્તી, સરળ, સરળ ટેકનોલોજી પસંદ કરી શકે અને જટિલ અને મોંઘી ટેકનોલોજી છોડીને વરસાદી પાણીને ભૂગર્ભ જળમાં પહોંચાડી શકે કારણ કે ભૂગર્ભ જળ દિવસેને દિવસે ઘટતું જાય છે. દેશમાં વર્ષના 8760 કલાકમાંથી માત્ર 100 કલાક જ વરસાદ પડે છે. આપણે વરસાદી પાણીને આપણા કૂવા, પગથિયાં, હેન્ડપંપ, બોરવેલમાં ઠાલવીને તેને નાળાઓમાં ન ઠાલવીને પાણીની કટોકટીથી બચી શકીએ છીએ.

વડગામ તાલુકામાં ઘટતા ભૂગર્ભ જળની સમસ્યાના એક અને અનેક કારણો છે તો તેના અનેક ઉપાયો પણ છે. આપણે જાગૃતિ અને જવાબદારી પૂર્વક વરસાદી પાણીને સંચિત કરીને યોગ્ય રીતે મેનેજ કરવાની કળા કોઈ આ વિષયના નિષ્ણાત તજજ્ઞ ના માર્ગદર્શન નીચે શિખવાની જરૂર છે. જળ સંચય હેતુ યોગ્ય જગ્યા માટે આ વિષયના તજજ્ઞ્યના માર્ગદર્શન નીચે સમગ્ર વિસ્તારનું સર્વે કરાવી જળ સંચય માટે સ્ત્રોત નક્કી કરવાની તાતી જરૂર છે.

જમીનની નીચે ક્યાંક જીપ્સમ, મુલતાની માટી, ચૂનાના પત્થરનું પડ છે તો ક્યાંક અરવલ્લીના સખત અગ્નિકૃત ખડકો વરસાદી પાણીનો સંગ્રહ કરવાની કુદરતી પ્રક્રિયા છે.

નિતીન એલ. પટેલ (વડગામ)

પ્રસ્તુત લેખ હેતુ પૂરક માહિતી આપવા બદલ અત્રે જણાવેલ મહાનુભાવોનો વિશેષ આભારી છું

શ્રી વિનોદચંદ્ર દેસાઈ (નવસારી) / શ્રી રામજીભાઈ વેલાણી (કચ્છ / શ્રી પી.એસ. ઠક્કર (ઇસરો )/ શ્રી મનસુખભાઈ સુવાગીયા (જળ ક્રાંતિ ટ્રસ્ટ ) / શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી (હવામાન વૈજ્ઞાનિક )/ શ્રી હેમજીભાઈ ચૌધરી (પાલનપુર)

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More